મિજાજ મસ્તી ઃ એક ‘અગાથા’ની ગાથા: ‘ગુમનામ’ની નામચીન લેખિકા
-સંજય છેલ
ટાઇટલ્સ:
જીવનથી મોટું કોઈ રહસ્ય નથી. (છેલવાણી) ‘ચૂરાનેવાલે તો આંખોં સે સૂરમા તક ચૂરા લેતે હૈં’, એવું શાયરો ભલે કહે, પણ અચાનક જ માણસનું વેશપલટો કરી ગાયબ થઈ જવું એ જાદૂ જ છે ને? ઇંગલૅન્ડની સોફી લોઈડ નામની જાદુગરણીએ ખરેખર આવું કર્યું છે. થયું એવું કે 1980ના દાયકામાં જાદૂગરોની ‘મેજિક સર્કલ’ સંસ્થામાં સ્ત્રીઓને પ્રવેશ નહોતો, પણ સોફીને એના મિત્ર જેનીએ 18 મહિના જાદૂની તાલીમ આપી અને પુરુષનું વર્તન, અવાજ વગેરે શીખવ્યું. પછી સોફી વેશપલટો કરીને, ‘રેમન્ડ લોઈડ’ના નકલી નામે ભલભલા જાદૂગરોની આંખો પર જાદૂ કરીને વરસો સુધી સંસ્થામાં રહી અને માર્ચ 1991માં ‘મેજિક સર્કલ’ની પરીક્ષા પાસ પણ કરી! આખરે જ્યારે સોફી પકડાઈ ગઈ ત્યારે એને કાઢી મૂકવામાં આવી ને ઇંગ્લૅન્ડભરમાં જાદૂગરણી તરીકે સોફી પર પ્રતિબંધ લદાયો ત્યાર બાદ સોફી ગુમનામ રહીને લોકોને થોડો સમય મેજિક શિખવાડતી હતી, પણ પછી કંઇ એનો અતોપતો નહોતો. સમય જતાં સમય બદલાયો. ‘મેજિક સર્કલ’માં સ્ત્રીઓ સાથે ભેદભાવ અટક્યો અને છેક અત્યારે 2024માં ‘મેજિક સર્કલ’ની પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ લૌરા લંડનએ ગુમશુદા સોફીની માફી માગવા ખૂબ શોધ આદરી પણ સ્ટેજ પર આખેઆખા માણસને ગુમ કરી દેનારી સોફી પોતે જ કાયમ માટે ગાયબ થઈ ગઈ છે!
આવી જ રીતે ક્રાઈમ થ્રિલર્સ નવલકથાઓની જગમશહૂર લેખિકા અગાથા ક્રિસ્ટી પણ 1926માં પ્રથમ પતિ સાથે છૂટાછેડા બાદ મહિનાઓ સુધી સાવ ગાયબ હતી! ‘અગાથાએ આપઘાત કર્યો? એનું અપહરણ થયું? એની હત્યા થઇ?’ વગેરે અફવાઓ ઊડી. ‘ક્વિન ઑફ ક્રાઇમ’ અગાથાની નામના એટલી કે દેશવિદેશથી પત્રકારો ગાયબ અગાથા વિશે જાણવા ઇંગ્લૅન્ડ આવી પહોંચ્યા. ડિટેક્ટિવ ‘શેરલોક હોમ્સ’ જેવું અમર પાત્ર સર્જનાર અને ઇંગ્લૅન્ડના જાણીતા લેખક સર આર્થર કોનન ડોયલે મૃતાત્માઓનો સંપર્ક પણ સાધી જોયો અગાથાનું પગેરું મેળવવા! 1000 જેટલી પોલીસ, 15000 જેટલા સ્વયંસેવકો અગાથાને શોધવા માંડ્યા પછી અચાનક જ અગાથા એક હોટેલમાંથી મળી આવી, જ્યાં એ છદ્મનામે રહેતી હતી! અગાથાના એ ગાયબ થવાનું રહસ્ય ક્યારેય ઉકેલાયું નહીં કે ના તો એની આત્મકથામાં એ ગુમનામી વિશે કશું છે. કમાલની વાત એ છે કે 1965ની સુપરહિટ હિંદી ફિલ્મ ‘ગુમનામ’ ફિલ્મની વાર્તા અગાથાની નવલકથા ‘એન્ડ ધેન ધેર વેર નન’ પરથી આધારિત હતી! અગાથા ક્રિસ્ટીએ 60થી વધારે ક્રાઇમ-નવલકથાઓ લખી, જેના પરથી અનેક અંગ્રેજી યુરોપિયન કે હિંદી ફિલ્મો, વેબ સીરિઝ કે નાટકો બન્યાં. અગાથાનું ‘માઉસટ્રેપ’ નામનું નાટક છેક 1952થી આજ સુધી સતત ભજવાય છે.
(આપણે ત્યાં આ નાટક ગુજરાતીમાં પણ ઈંગઝએ ભજવ્યું છે: ‘વ્હેંત છેટું મોત’ના નામે!)
અગાથાએ માત્ર 10 જ વર્ષની ઉંમરે પહેલું કાવ્ય અને 18 વર્ષે ટૂંકી વાર્તાઓ લખવા માંડેલી, પણ એની મોટી બહેને અગાથાને લાંબી વાર્તા-નવલકથા લખવા ચેલેન્જ આપી તો અગાથાએ ‘મિસ્ટિરિયસ અફેર એટ સ્ટાઈલ’ નવલકથા લખી દેખાડી. એ નોવેલ લખતી વખતે અગાથાએ માત્ર બે જ મિનિટ માટે બસની સફર દરમિયાન જોયેલા એક બેલ્જિયન પુરુષ પરથી એક પાત્ર રચી કાઢ્યું, જેને આજે સૌ ‘ડિટેક્ટિવ હરક્યૂલ પાયરો’ તરીકે ઓળખે છે.
ઇન્ટરવલ:
કિસકો સમઝે હમ અપના? કલ કા નામ હૈ એક સપના! ગુમનામ હૈ કોઈ, અનજાન હૈ કોઈ..(હસરત) અગાથાની સસ્પેંસ કથનીની ખાસ સ્ટાઈલ હતી. કોઈની હત્યા પછી અલગઅલગ વ્યક્તિઓ તરફ શંકાની આંગળી ચીંધતી ને છેલ્લે હત્યા-હત્યારાનો પર્દાફાશ કરાવતી. ‘ખૂન કરાવવા હંમેશા હથિયાર હોવું જરૂરી છે’ એવું અગાથા માનતી નહીં કારણ કે વિશ્વયુદ્ધ-1 વખતે એણે રેડક્રોસની નર્સ તરીકે સેવા આપેલી અને ત્યાં એને જુદાં જુદાં ‘વિષ’ વિષે જાણકારી મળેલી. એમ તો યુદ્ધ વખતે જુદાં જુદાં હથિયારો પણ જોયાં હશે, પણ ‘વિષ’ એ વેર લેવા માટે અગાથાને બહુ ગમતું. ભારતની કંઈ કેટલીય ડિટેક્ટિવ ફિલ્મો-સિરિયલો અગાથાની વાર્તાઓ પર પ્રેરિત છે અને ત્યાં સુધી કે લોકપ્રિય હિંદી સિરિયલ ‘બ્યોમકેશ બક્ષી’માં ‘કરોળિયાના ઝેરથી થતી હત્યા’, એ પણ અગાથાનાં ખતરનાક ભેજાની ઊપજ છે. સસ્પેંસના બેતાજ બાદશાહ શહેનશાહ, હોલિવૂડના સમર્થ ડાયરેક્ટર આલ્ફ્રેડ હિચકોક પણ અગાથાના ફેન હતા. એમણે ‘મર્ડર ઑન ઓરિએંટલ એક્સપ્રેસ’ જેવી અદ્ભુત ફિલ્મ અગાથાની નોવેલ પરથી સર્જેલી.
1914માં રોયલ મિલિટરી કૉલેજના આર્કિબાલ્ડ ક્રિસ્ટી સાથે અગાથાનાં પ્રેમલગ્ન થયાં, એક દીકરી જન્મી, પણ 1928માં આર્કિબાલ્ડ સાથે છૂટાછેડા લીધાં બાદ અગાથા અનેક બીમારીઓ, હતાશાનો ભોગ બની.. પછી એ ઇરાક ચાલી ગઈ, જ્યાં પોતાનાથી 13વર્ષ નાના આર્કિયોલૉજિસ્ટ – પુરાતત્ત્વવિદ મેક્સ મેલોવનના પ્રેમમાં પડી પરણી ગઈ. ખંડેરોમાં, પુરાણી જગ્યાઓમાં સંશોધન માટે દિવસો સુધી મેલોવનને એના બોસ વૂલી સાથે અગાથાથી દૂર રહેવું પડતું, જેના ગુસ્સામાં અગાથાએ ‘મર્ડર ઈન મેસોપોટેમિયા’ પુસ્તક લખ્યું, જેમાં આર્કિયોલૉજિસ્ટની પત્નીનું ખૂન થાય છે! આ પુસ્તક એણે મેલોવેનના ક્રૂર બોસ વૂલીને અર્પણ કરીને કલાત્મક બદલો લીધો.
અગાથા કહેતી:
‘પતિ તરીકે પુરાતત્ત્વવિદ સારો, કારણકે જેમ પત્ની જૂની થાય એમ એનો પ્રેમ વધે!’ ક્રાઇમ થ્રિલરવાળી ઈમેજને બદલવા અગાથાએ ‘મેરી વેસ્ટમેકોટ’ના ઉપનામે પ્રેમકથાઓ લખી, પણ નિષ્ફળતા મળી. અગાથા ક્રિસ્ટીનાં લગભગ 110 જેટલાં પુસ્તક 157 ભાષામાં આવ્યાં છે, જેની 400 કરોડ કોપી વેચાઈ છે, જે એક રેકોર્ડ છે. અગાથાના નાટક ‘વિટનેસ ફોર ધ પ્રોસિક્યુશન’ પરથી આજે કેવળ હાસ્યલેખક તરીકે ઓળખાતા આપણાં લેખક તારક મહેતાએ ‘16મી જાન્યુઆરીની મધરાતે’ નામનું ગુજરાતી નાટક લખેલું, જે મુંબઈમાં ખૂબ સફળ પણ થયેલું. એ નાટકની મજા એ હતી કે એના ચાલુ શોમાં પ્રેક્ષકોમાંથી 45 લોકોને સ્ટેજ પર બોલાવીને જજ લોકોની એક જ્યુરી બનાવવામાં આવતી અને એ લોકો અંતમાં ગુનેગાર અને સજાનો ફેંસલો કરતા! પણ જગભરના વાચકોની જ્યૂરીમાં અગાથા આજેય અજોડ લેખિકા છે ને રહેશે.
એન્ડ – ટાઇટલ્સ:
આદમ: એક સસ્પેંસ કહું?
ઈવ: જાણું છું.