ભુજ

નૌસેનાના કરતબથી ધોરડોનું આકાશ બનશે રંગબેરંગીઃ એર ક્રાફ્ટના દિલધડક શૉ માટે થઈ જાઓ તૈયાર

ભુજઃ આજની યુવા પેઢીમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવા માટે ધોરડોના સફેદ રણ અને પિંગ્લેશ્વરના રમણીય દરિયા કિનારે એશિયાની એકમાત્ર નવ લાઈટ એરક્રાફ્ટ સાથેની ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા ફાઇટર એરક્રાફટના દિલધડક સ્ટંટનો એર-શૉ યોજવામા આવશે.

આ અગાઉ વર્ષ ૨૦૦૨માં ભુજમાં નિર્માણ પામેલા હિલગાર્ડનના લોકાર્પણ વખતે જોયેલા એર-શો બાદ ગત વર્ષે પણ ભુજના વાયુમથકમાં આ એર-શો યોજાયો હતો, જો કે આ વર્ષે સુરક્ષા અને વધુ ભીડ ઉમટવાની શક્યતાના પગલે પિંગલેશ્વર બીચને પસંદ કરાતા અહીં આગામી ૨૯મી જાન્યુઆરીના લડાકુ વિમાનો શ્વાસ થંભાવી દે તેવાં હવાઈ કરતબ બતાવશે.

જયારે ૩૧મી જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીના રોજ ધોરડોના શ્વેત રણમાં સ્થિત વોચ ટાવરથી સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજ સુધીના વિસ્તારમાં હવાઈ કરતબ બતાવવામાં આવશે.દેશ-વિદેશથી ઉમટેલા લોકો આ રોમાંચક એર-શોને નિહાળી શકે તે માટે સુરક્ષાની પૂરતી તકેદારી સાથેની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે.

આપણ વાંચો: એયર માર્શલ અમર પ્રીત સિંહ બનશે ભારતીય વાયુ સેનાના નવા પ્રમુખ

ગત વર્ષે ૧૧ થી ૧૪ જાન્યુઆરી દરમ્યાન માયાનગરી મુંબઈના દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પાસે અને ૨૦મી જાન્યુઆરીના ભરૂચના દહેગામ પાસે આવો એર શો યોજવામાં આવ્યો હતો. તેમજ અગાઉ અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ વર્લ્ડકપ ટુર્નામેન્ટની શરૂઆત વખતે સૂર્યકિરણ એરોબેટિક ટીમે સ્ટેડિયમ ઉપર શ્વાસ થંભાવી દે તેવો એર શો યોજ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુ સેનાની એરોબેટીક ડિસ્પ્લે ટીમ સૂર્યકિરણ કર્ણાટકના બિદર એરબેઝથી ઓપરેટ થાય છે.ભારતના ગૌરવ સમી વાયુસેનાની ગોલ્ડન જ્યુબિલીના પ્રસંગે સૌ પ્રથમ એરોબેટીક ટીમની રચના વર્ષ ૧૯૮૨માં કરાઈ હતી. ૨૭ મે, ૧૯૯૬માં તેમાં નવા બે વિમાનો ઉમેરીને તેને સૂર્યકિરણ નામ અપાયું, ત્યારબાદ પ્રથમ નિદર્શન ૮ ઓક્ટોબરના પાલમ ખાતે કરાયું હતું.

આપણ વાંચો: પ્રયાગરાજમાં આજે ભારતીય વાયુ સેનાનો એર શો…

વર્ષ ૨૦૧૦માં ટેકનિકલ કારણોસર ટીમ વિસર્જિત કર્યા બાદ પાંચ વર્ષે ટીમની પુનઃરચના કરવામાં આવી હતી.
ભૂકંપ બાદ કચ્છના થઇ રહેલા પુનઃનિર્માણ દરમ્યાન ભુજમાં વર્ષ ૨૦૦૨માં નવા બનેલા હિલગાર્ડનના આકાશ પર સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાયેલા દિલધડક એર-શોના સ્મરણ માનસપટ પર હજુ પણ જીવંત હોવાનું ૭૭ વર્ષના હરીશભાઈ અંજારિયાએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button