9 વર્ષનો ટેણિયો બની ગયો કરોડપતિ…
પુણેઃ મહારાષ્ટ્રના પુણે ખાતે નવ વર્ષના આ ટેણિયાને જોઈને તમને ભલે એવું લાગે કે આ તો નાનું બાળક છે, પણ તેણે એવું કરતબ કરી દેખાડ્યું છે કે જેના વિશે તમે કે હું વિચારી પણ ના શકીએ. અદ્વૈત કોલકારે રમવા-કુદવાની ઉંમરમાં પેઈન્ટિંગની દુનિયામાં નામ કમાવી લીધું છે અને આ જ પેઈન્ટિંગની મદદથી તેણે દસ લાખ ડોલર કરતાં પણ વધુની કમાણી કરી લીધી છે.
અદ્વૈતની માતા ખુદ ગ્રાફિક ડિઝાઈનર છે અને પિતા અમિત કોલારકર સોફ્ટવેર એન્જિનિયર છે અને તે ઈચ્છે છે કે તેમનો દીકરો પણ સોફ્ટવેર એન્જિનિયર બને. પણ પેઈન્ટિંગમાં અદ્વૈતનો રસ જોઈને તેઓ તેને પેઈન્ટિંગ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. અદ્વૈત આઠ મહિનાનો હતો ત્યારે જ તેના હાવ-ભાવ દેખાવવા લાગ્યા હતા. પરિવારના કોઈ સભ્યએ એ જ ઉંમરમાં તેને બ્રશ પકડાવી દીધું હતું અને હવે તે નવ વર્ષનો થઈ ગયો છે અને પેઈન્ટિંગની દુનિયામાં નામ કમાવી રહ્યો છે.
નવ વર્ષની ઉંમરમાં જ તેણે વૈશ્વિકસ્તરે પોતાની ઓળખ તો બનાવી જ લીધી છે પણ એની સાથે સાથે જ તેણે મીલિયન ડોલરની કમાણી પણ કરી છે. આ વિશે વાત કરતાં અદ્વૈતના પિતાએ જણાવ્યું હતું કે હાલમાં જ તેની એક પેઈન્ટિંગ 16,800 ડોલર એટલે કે આશરે 13 લાખ રૂપિયામાં વેચાઈ હતી. અદ્વૈતની અનેક પેઈન્ટિંગ આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનનો હિસ્સો બની ચૂકી છે અને તેનું ઊંચી કિંમતે વેચાણ પણ થયું છે.
રસપ્રદ વાત તો એ છે કે અદ્વૈત અદ્ભૂત પેઈન્ટિંગ કરે છે પણ આ માટે તેણે અત્યાર સુધી ન તો કોઈ સ્પેશિયલ કોચિંગ લીધી છે કે ન તો પેઈન્ટિંગ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું છે. રંગોની સમજ અને કળાનું જ્ઞાન એ કુદરતની દેન છે, એવું તેના પિતાએ વધુમાં જણાવ્યું હતું.
અદ્વૈત પેઈન્ટિંગની સાથે સાથે એક પુસ્તક પણ લખી રહ્યો છે અને તે ભણવામાં પણ એકદમ અવ્વલ છે. જાન્યુઆરી-માર્ચ મહિનામાં અમેરિકામાં યોજાનારા પ્રદર્શનમાં હાજરી આપવા માટે અદ્વૈતને આમંત્રણ આપવામાં આવ્યું છે.