કટિહારઃ બિહારના કટિહાર જિલ્લામાં મોટી દુર્ઘટના બની હતી. ગંગા નદીમાં હોડી પલટી જવાથી 7 લોકોના મૃત્યુ થયા હતા. 4 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, ઘણા લોકો લાપતા હોવાની વાત સામે આવી છે. કટિહારના ગોલાઘાટથી સકરી ગલી (ઝારખંડ) જઈ રહેલી હોડી ગંગા નદીની વચ્ચે જ પલટી ગઈ હતી.
આ પણ વાંચો : ભાજપને ક્યારે મળશે નવા પ્રમુખ? જાણો વિગત…
કેટલા લોકો હતા સવાર
ગામ લોકોના કહેવા મુજબ, હોડીમાં આશરે 18 લોકો સવાર હતા. જેઓ રવિવારે સવારે 8.30 કલાકની આસપાસ ગોલાઘાટથી હોડીમાં સકરી ગલી જવા નીકળ્યા હતા. હોડી પલટી ગયા બાદ 11 લોકોએ તરીને તેમનો જીવ બચાવ્યો હતો. જ્યારે એક બાળક સહિત છ થી સાત લોકો નદીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક મરજીવાની મદદથી સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસે શું કહ્યું
ઘટનાની માહિતી મળતાં જ બીડીઓ દુર્ગેશ કુમાર, સીઓ સ્નેહા કુમારી તથા પીઆઈ કુંદન કુમાર સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે જણાવ્યું કે, હોડીમાં 18 લોકો સવાર થઈને ઝારખંડની સકરી ગલી જતા હતા. જેમાં 11 લોકો તરીને બહાર આવી ગયા હતા. જ્યારે સાત લોકોની શોધખોળ ચાલુ છે.
હોડીમાં સવાર થઈને લોકો દિયારા વિસ્તારમાં ખેતી કામ માટે જઈ રહ્યા હતા પરંતુ નદીની લહેરોમાં હોડી પલટી ગઈ હતી. લાપતા લોકોના પરિવારજનોમાં રોકકળ મચી ગઈ હતી. ઘટના બાદ ગ્રામીણો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.
આ પણ વાંચો : EPFO ના સભ્યો માટે ખુશખબર, હવે જાતે જ ટ્રાન્સફર કરી શકાશે પીએફ એકાઉન્ટ…
ઘણી વખત હોડીમાં ક્ષમતા કરતાં વધારે લોકો સવાર થાય ત્યારે પણ આવી ઘટના બનતી હોય છે. ગત વર્ષે નવેમ્બરમાં કટિહારની મનિહારી ગંગા નદીમાં હોડી ઉંધી વળી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા.