નેશનલ

મહાકુંભમાં આવેલા હજારો લોકો નાગા સાધુ બનશે; આ રીતે થાય છે ભરતી

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની શરૂઆત થઇ ચુકી છે, અલગ અલગ અખાડાના નાગા સાધુઓ લાખોની સંખ્યામાં કુંભમાં પહોંચ્યા છે. 45 દિવસ ચાલનારા મહાકુંભ મેળાની દરમિયાન કુલ 40 કરોડ લોકો પ્રયાગરાજ(Prayagraj)ની મુલાકાત લે તેવી શક્યતા છે. મહાકુંભ મેળામાં આવેલા હજારો લોકો તેમના ઘરે પરત નહીં ફરે, આ લોકો નાગા સાધુ બનીને વિવધ આખાડાઓ (Naga sadhu recruitment at Mahakumbh 2025) સાથે જોડાઈ જશે.

એવામાં એવા પ્રશ્ન થાય કે નાગા સાધુ બનવાની પ્રક્રિયા શું હોય છે? કોઈ કોર્પોરેટ કંપનીમાં કર્મચારીની ભરતી માટે જે રીતે અરજી, પરીક્ષા અને ઈન્ટરવ્યું હોય છે, એજ રીતે નાગા સાધુની ભરતી માટે વિવિધ તબક્કા હોય છે. મહાકુંભમાં, નાગા સાધુ તરીકે દીક્ષા લેવા માટે ઉમેદવારોની ભરતી શરૂ કરવામાં આવી છે.

રજીસ્ટ્રેશન, તપાસ અને ઇન્ટરવ્યુ:
એક અહેવાલ મુજબ હજારો યુવા સંન્યાસીઓએ નાગા સાધુ બનવા માટે વિવિધ અખાડાઓમાં અરજી કરી છે, આ સાથે ભરતી પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં છે. અખાડાઓએ રજીસ્ટ્રેશન માટે સ્લિપ છપાવીને વહેંચી છે, ઉમેદવારોના ફોર્મની તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ નાગા સાધુ બનવા માંગતા લોકોના ગુપ્તરીતે ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે. જુના, શ્રી નિરંજની, શ્રી મહાનિર્વાણી, આવાહન, અટલ અને આનંદ અખાડાના માપદંડોમાં ખરા ઉતરનારાને નાગા સંન્યાસ આપીને અખાડામાં જોડવામાં આવી રહ્યા છે.

ત્રણ સ્તરે તપાસ:
અરજદારોની ત્રણ સ્તરે સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે, તપાસ પ્રક્રિયા છ મહિના અગાઉથી શરૂ થઇ જાય છે. અખાડાના થાણાપતિ ઉમેદવારની પ્રોફાઇલ અને પ્રવૃત્તિઓની તપાસ કરે છે. આ અહેવાલ અખાડાના આચાર્ય મહામંડલેશ્વરને આપવામાં આવે છે. આચાર્ય મહામંડલેશ્વર અખાડાના પંચો દ્વારા ફરીથી તપાસ કરાવે છે.

દીક્ષાની વિધિ:
નાગા સાધુઓની પ્રથમ બેચને દીક્ષા અપાવવા માટેની વિધિ ગંગા કિનારે કરવામાં આવી હતી. દરેક અખાડામાં અલગ અલગ દિવસોમાં દીક્ષા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શનિવારે, જુના અખાડામાં સામેલ સંન્યાસીઓ માટે મુંડન કરવામાં આવ્યું હતું.

નવા સંન્યાસીઓએ પોતાનું જ પિંડદાન કર્યું હતું, આ સાથે એવું દર્શાવવામાં આવ્યું કે તેઓ હજુ પણ જીવિત છે પણ ભૌતિક દુનિયા માટે મરી ચુક્યા છે. મુંડન અને પિંડદાન પછી, મૌની અમાવાસ્યાના અમૃત સ્નાન ઉત્સવની રાત્રે નાગા સાધુ બનવાની સંપૂર્ણ દીક્ષા લેવામાં આવશે.vબધા ઉમેદવારો ધર્મના ધ્વજ હેઠળ નગ્ન ઊભા રહેશે. આચાર્ય મહામંડલેશ્વર તેમને ધાર્મિક વિધિઓ દ્વારા નાગા સાધુ બનવાની દીક્ષા આપશે. સભાપતિ તેમને અખાડાના નિયમો વિશે માહિતગાર કરશે અને પ્રતિજ્ઞા લેવડાવશે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, દરેકને અમૃત સ્નાન માટે મોકલવામાં આવશે.

આટલા લોકો દીક્ષા લઇ ચુક્યા છે:
અહેવાલ મુજબ જુના અખાડામાં લગભગ 2,000 લોકોને નાગા સાધુ બનવા માટે દીક્ષા લીધી હતી. શ્રી નિરંજની અખાડામાં 1,100 લોકોને નાગા સાધુ બનાવવામાં આવશે. તેવી જ રીતે શ્રી મહાનિર્વાણી, અટલ, આનંદ અને આવાહન અખાડાઓમાં પણ ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button