બાંગલાદેશના રસ્તે ભારતમાં થતું હતું સોનું સપ્લાય
DRIએ કર્યું 19 કરોડનું સોનું જપ્ત, 11 દાણચોરોની ધરપકડ
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ દેશવ્યાપી ઓપરેશન હાથ ધરીને જુદી જુદી જગ્યાએથી 19 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે અને દાણચોરી કરતી ગેંગના 11 લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. ડીઆરઆઈના જણાવ્યા અનુસાર, આ ગેંગ બાંગલાદેશના રસ્તે ભારતમાં સોનાની દાણચોરી કરતી હતી અને તેને મુંબઈ, નાગપુર (મહારાષ્ટ્રમાં) અને વારાણસી (ઉત્તર પ્રદેશ) વગેરે જગ્યાએ મોકલતી હતી.
એક સત્તાવાર રીલીઝ મુજબ, DRIએ શુક્રવાર અને શનિવારે વારાણસી, નાગપુર અને મુંબઈમાં હાથ ધરેલા ઓપરેશનમાં રોડ માર્ગ અને ટ્રેન દ્વારા વિદેશથી લાવવામાં આવેલા સોનાની દાણચોરીમાં સામેલ એક ગેંગનો પર્દાફાશ કર્યો હતો.
ડીઆરઆઈની નાગપુર ટીમે શુક્રવારે સાંજે નાગપુર રેલ્વે સ્ટેશન પર બે સોનાના દાણચોરોને પકડ્યા હતા. આ બંને દાણચોર કોલકાતાથી આવતી એક એક્સપ્રેસ ટ્રેનમાંથી અહીં ઉતર્યા હતા. ટીમે બંને પાસેથી 8.5 કિલો વિદેશી માર્કાનું સોનું રિકવર કર્યું હતું. તેમની પૂછપરછ પછી, દાણચોરીનું સોનું મેળવનાર બે લોકોની પણ ઓળખ કરવામાં આવી હતી અને આખરે તેમની ધરપકડ કરવામાં આવી હતી, એમ રિલીઝમાં જણાવાયું હતું. રીલીઝ અનુસાર વારાણસીમાં એજન્સીની ટીમે ત્રણ કલાક સુધી કારનો પીછો કરીને અને જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ સ્થાનિક પોલીસની મદદથી બે અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી.
બે વ્યક્તિઓ પાસેથી 18.2 કિલો સોનું મળી આવ્યું હતું, જે કારની હેન્ડબ્રેકની નીચે બનાવેલી જગ્યામાં છુપાવવામાં આવ્યું હતું. રીલીઝ મુજબ, મુંબઈની ટીમે મહાનગરની શેરીઓમાંથી પાંચ આરોપીઓને પકડવામાં સફળતા મેળવી હતી. તેઓ વારાણસીથી 4.9 કિલો સોનું લઈને ટ્રેન દ્વારા મુંબઇ પહોંચ્યા હતા. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશનમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુંબઈમાંથી પાંચ, વારાણસીમાંથી બે અને નાગપુરમાંથી ચાર વ્યક્તિનો સમાવેશ થાય છે.