ઉત્સવ

આકાશ મારી પાંખમાં : ધ મોસ્ટ લવિંગ હસબન્ડ…

-કલ્પના દવે

36 વર્ષની વયે માધવીએ પોતાની ગારમેન્ટ ફેકટરીને આધુનિક રૂપ આપવા ત્રણ વર્ષનો ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો. ત્યારે માધવીએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે એનો બિઝનેસ ખૂબ વધવાનો છે. અત્યારે મુંબઈમાં માધવીનો સંસ્કૃતિ ફેબ્રિકસ શોરૂમનો વેપાર આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલો છે. પિતૃતુલ્ય ચીમનકાકાના ફોટાને પ્રણામ કરીને તેમના જ સિદ્ધાંતોને જાળવીને માધવી આ ફેકટરી ચલાવે છે.જો કે ચીમનકાકાના કહેવાથી એમના પુત્ર અજયને પાર્ટનર તરીકે રાખ્યો છે.

આ પણ વાંચો : નોખા-અનોખા શાયર `નાઝિર’ દેખૈયા

પરંપરિત ડ્રેસ હોય કે આધુનિક ડ્રેસ માધવી હંમેશાં તેને ક્રિયેટીવ રૂપ આપે. શ્રેષ્ઠતા અને પ્રમાણિકતા અને સમયપાલન એ કંપનીનો મૂળ મંત્ર ગણાય છે.

અત્યારે જીવનની ભઠ્ઠીમાં તપીને પ્રૌઢ અવસ્થાએ પહોંચેલી 49વર્ષની માધવી આજે ચીમનકાકાની તસવીર સામે જોઈ ભૂતકાળમાં ખોવાઈ ગઈ.

વડોદરાના શંખલપુર ગામમાં ઉછરેલી માધવી પરણીને મુંબઈમાં આવી ત્યારે માધવીના સાસરામાં તેનો હસબન્ડ અરવિંદ અને જેઠ જેઠાણી જ હતાં. પણ નાનપણમાં જ પોતાની માતાને ગુમાવી દેનાર માધવીને પડોશમાં રહેતા ચીમનકાકાએ તથા કાકીમાએ જ સાચવી લીધી હતી. તેની કાબેલિયત અને હોશિયારી જોઈને ચીમનકાકાએ તેમની ગારમેન્ટ ફેક્ટરીમાં માધવીને નોકરીએ રાખી હતી.

આજે વાતાનુકૂલિત ઓફિસમાં બેસીને માધવીએ પોતાનું જીવન સરવૈયુ માંડ્યું.

માધવી વિચારવા લાગી કે છેલ્લા કેટલાક દિવસોથી એને આટલો બધો થાક કેમ લાગે છે? આખું શરીર તૂટતું હોય એવું કેમ લાગે છે? આખા શરીરમાં સતત દુ:ખાવો અને ભયંકર અશક્તિ લાગવાનું કારણ શું? પણ એને ઉત્તર મળતાં નહીં.

મારી કાર્યશક્તિને આ શું થઈ ગયું છે કે ફેક્ટરીનું કામ પણ બરાબર કરી નથી શકતી? મારી કુનેહને આ શું થઈ ગયું છે કે મારા પાર્ટનર અજયે મને કામ અંગે ઠપકો આપવો પડે છે? મને આટલો બધો થાક કેમ લાગે છે? તે દિવસે અજયભાઈએ
મોટા ડીલર્સોની મીટિંગમાં પણ હું કશું જ બોલી ન શકી, શા માટે? આ અચાનક માથું ભમવા લાગે, છાતી ભારે થઈ જાય એવું કેમ થાય છે.

સાચે જ મારું જીવન કેટલું બદલાઈ ગયું છે. મારો એકનો એક દીકરો ચિરાગ બારમામાં 87ટકા મેળવીને પાસ થયો, અને હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા લંડન ગયો. જો કે અજયએ મોટી લોન આપીને મને મદદ તો કરી હતી.. આમ તો બધું ઠીક છે, પણ ચિરાગ વગરનું ઘર કેવું સૂનું લાગે. અને પતિ અરવિંદનો સ્વભાવ પણ જરા ચીડિયો થઈ ગયો છે.

હા,ચિરાગ સાથે ફેસટાઈમ પર વાત કરીએ ખરાં, પણ જીવનનો ખાલીપો કોણ સમજે? મારા ચિરાગને પૂરણપોળી, બટેટાવડા બહુ ભાવે, પણ એ ભણવા ગયો ને પછી ઘરમાં સારું ખાવાનું બનાવવું પણ કયાંથી ગમે? વળી અરવિંદનો ખર્ચો નથી પોષાતો એની કચકચ ચાલુ જ હોય. હું સમજું છું કે આવક ગમે તેટલી મોટી હોય પણ આવકમાંથી બચત ન થાય તો આખરે તો જ્યાં હતાં ત્યાંને ત્યાં જ રહેવાના! મે ધરાર ના પાડી હતી તો ય અરવિંદે બેંકમાંથી વી.આર.એસ. લીધું. અને ડબલ ઈન્કમમાં મોટું ગાબડું પડ્યું. આ યાદ આવતાં જ માધવીની છાતી ભારે થઈ ગઈ અને માથું ભમવા લાગ્યું.

મેડમ, અજય શેઠ બુલાતે હૈ. પ્યુને કેબિનના દરવાજા પાસે આવીને કહ્યું.

માધવી, આજે ત્રણ પાર્ટીની ડિલિવરી કરવાની છે. બધું રેડી છે ને. અજયભાઈએ પૂછયું.

હા, પણ એ ડિલિવરી પચીસ તારીખે કરવાની છે, હજુ ત્રણ દિવસ બાકી છે.

જરા,તમારી ફાઈલ જુઓ અહીં આજે બાવીસ તારીખે લખેલી છે. અજયભાઈ, પ્લીઝ મને બે દિવસ આપો, ડિલિવરી થઈ જશે.. સોરી, હું ભૂલી ગઈ. માધવી, આવી બેદરકારી કેમ ચાલે, તમે જાણો છો કે આ કેટલી મોટી પાર્ટી છે. એક વાર ઓર્ડર કેન્સલ થાય તો ફરી વાર કયારેય ન મળે- સોરી, અજયભાઈ (ડૂસકું દેતાં માધવીએ ગભરાતાં ગભરાતાં કહ્યું) કોણ જાણે કેમ મને હમણાં હમણાં કશું યાદ નથી રહેતું.

આ પણ વાંચો : શું ભવિષ્ય માટે તમે તૈયાર છો?

યાદ ન રહેતું હોય તો લખી લો. અજયે કહ્યું.

એ ડિલિવરી તો થઈ ગઈ. ત્રણ અઠવાડિયા વીત્યાં હશે ત્યાં અરવિંદને હાર્ટએટેક આવ્યો, માધવીએ હિંમત રાખીને એકલે હાથે પતિની માંદગી સંભાળી લીધી. તે કપરા કાળમાં અરવિંદની માંદગી અને લોનના હપ્તાનો ખર્ચ અજયભાઈ જ ઉઠાવતાં. એ કહેતા કે માધવી, તારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી. આ તમારો નાનો ભાઈ તમારી સાથે છે. તમારે કોઈ ટેન્શન લેવું નહીં.

માધવી તે દિવસે ઓફિસથી રાત્રે નવ વાગે ઘરે પહોંચી. ઘરનું કામ આટોપતા થાકીને લોથપોથ થઈ ગઈ હતી. થાક-અશક્તિને કારણે બોલવાના પણ હોંશ ન હતા. રાત્રિના સાડાદસ વાગી
ગયા હતા.

આખો દિવસ કામેચ્છાને વશમાં રાખનાર પતિશ્રી આજે રંગીન મિજાજમાં હતા. તેમણે માધવીને પાસે ખેંચીને પસવારવા લાગ્યા. અત્યારે એમની શારીરિક ક્રીડા માધવી માટે અસહ્ય થઈ પડી. પ્લીઝ, આજે હું ખૂબ થાકી ગઈ છું. મને છાતીમાં ગભરામણ થાય છે. માધવીએ જરા દૂર થતાં કહ્યું. સાવ ઢીલું પોટલું થઈ ગઈ છે. હું જ્યારેય કહું ત્યારે જ બહાનાં કાઢે છે. અને ઓફિસમાં તો ધમધમ મેડમ કામ કરે, ત્યારે કશું નથી થતું. ત્યાં તો ધમધમ કામ કરે છે. અરવિંદે કહ્યું.

તમે ખોટા આકળા ન થાઓ. હું સાચું કહું છું મને ખૂબ અશક્તિ લાગે છે,.માધવીએ કહ્યું. જો, માધવી પુરુષની ઈચ્છા ન સંતોષાય તો એનાં પરિણામ માઠા આવે-ડોળા કાઢતાં પતિશ્રી બોલ્યા. પણ, મારી હવે ઉંમર થઈ-તે રાત્રે ખૂબ ઝઘડો થયો. અને અરવિંદે માધવી પર હાથ ઉગામ્યો.

બીજે દિવસે ઉજાગરો,થાક અને રાત્રે બનેલી ઘટનાથી માધવી ખૂબ ટેન્શનમાં હતી. સવારે પણ માધવી અને અરવિંદે એકમેક સાથે કંઈ વાત ન કરી. આ ઘાતક મૌનમાં બંને અકળાયેલા જ હતાં, પણ, સમજણનો સેતુ કોણ બાંધે?
માધવીના મનમાં હતું કે મને અરવિંદ કેમ સમજતા નથી જ્યારે અરવિંદને થતું કે માધવી મને પહેલાં જેવો પ્રેમ કરતી
નથી. મને ધૂતકારે છે. હું કમાતો નથી, એટલે એને ગમતો નથી. પેલી કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ મળશે પછી કદાચ પૈસાની તૂટ નહીં પડે.

બીજે જ દિવસે માધવી ઓફિસ ગઈ પણ તે ખૂબ ટેન્શનમાં હતી. સવારે અગિયાર વાગે ફેકટરી પર અજય સાથે તેમનાં પત્ની સુધાભાભી આવ્યાં માધવીએ ગઈ કાલની ઘટના ભાભીને જણાવી. માધવી હું તારી મુશ્કેલી સમજી શકું છું .સ્ત્રીઓના ઋતુકાળની સમાપ્તિનો આ મોનાપોઝનો સમય પતિ-પત્ની બંનેએ સમજવો
જરૂરી છે.

આ પણ વાંચો : બધે તાળાં જ દેખાય, ચાવી એકેય નહીં!

માધવી અને અરવિંદભાઈ બંનેએ ગાયનોકોલોજીસ્ટ ડૉ.સુજાતા અગ્રવાલની મુલાકાત લીધી. ડૉ.સુજાતા અગ્રવાલ ખુબ બાહોશ અને અનુભવી હતાં, એમણે માધવીની નાજુક તબિયત વિશે અરવિંદને સમજાવ્યું અને અરસ-પરસ સમજણનો સેતુ રચાયો. માધવીના હાથને પોતાના હાથમાં લેતા અરવિંદે કહ્યું- યસ,ડોકટર આય વીલ બી મોસ્ટ લવિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ હસબન્ડ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button