Saif Ali Khan પર હુમલા બાદ હુમલાખોરે દુકાનમાંથી ઇયરફોન્સ ખરીદ્યા
મુંબઈ: બાંદ્રામાં સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કર્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયેલો હુમલાખોર દાદર વિસ્તારમાંની એક દુકાનમાં ગયો હતો અને ત્યાંથી તેણે ઇયરફોન્સ ખરીદી કર્યા હતા. આ દુકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે કબજામાં લીધા છે. હુમલાખોર દાદરમાં ‘ઇકરા’ નામની મોબાઇલ શોપમાં ગયો હતો.
દાદરની દુકાનમાં કામ કરતા હસને જણાવ્યું હતું કે હુમલાખોર અમારી દુકાનમાં આવ્યો હતો અને 50 રૂપિયાની કિંમતના ઇયરફોન્સ ખરીદ્યા હતા. તેણે મને 100 રૂપિયાની નોટ આપી હતી અને મેં તેને 50 રૂપિયા પાછા આપ્યા હતા. બાદમાં તે નીકળી ગયો હતો.
આ પણ વાંચો: SaifAliKhanAttack: હુમલા પહેલાં સૈફ અલી ખાન પાસે એક કરોડની માગણી કરી કરાઈ
શુક્રવારે પોલીસની ટીમે ઉપરોક્ત દુકાને પહોંચી હતી અને દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસ માટે લઇ લીધા હતા. હુમલાખોર વિશે દુકાનદાર પાસે પૂછપરછ પણ કરાઇ હતી. હસને જણાવ્યું હતું કે તેણે આવું કર્યું હશે એવો મને ખ્યાલ નહીં આવ્યો.
દુકાનના માલિક શાકીરે જણાવ્યું હતું કે મારી દુકાનમાં કામ કરતા છોકરાએ મને કહ્યું કે શંકાસ્પદ હુમલાખોરને તેણે ઇયરફોન્સ આપ્યા હતા. બાદમાં શુક્રવારે અમુક પોલીસ અધિકારીઓ સીસીટીવી કેમેરાના ફૂટેજ લેવા માટે આવ્યા હતા, જે અમે આપી દીધા છે.
આ પણ વાંચો: સૈફ અલી ખાન હુમલો કેસઃ શંકાસ્પદની પોલીસે કરી અટકાયત
પોલીસના જણાવ્યા અનુસાર સૈફ પર હુમલો કર્યા બાદ આરોપી બાંદ્રા સ્ટેશને પહોંચ્યો હતો અને ત્યાંથી તે ટ્રેન પકડીને દાદર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ઊતર્યો હતો. દાદર સ્ટેશનથી બહાર નીકળ્યા બાદ આરોપી કબૂતર ખાના ગયો હતો. પોલીસે શુક્રવારે રાતે સ્ટેશન પરના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા.
સૈફ અલી ખાનના એપાર્ટમેન્ટના ફૂટેજ અનસાર ઘટનાને દિવસે આરોપીએ કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. ઘટનાના બીજે દિવસે ફૂટેજમાં આરોપી બ્લ્યુ રંગના ટી-શર્ટમાં બેગ સાથે નજરે પડ્યો હતો. તાજેતરના ફોટામાં હુમલાખોર પીળા રંગના ટી-શર્ટમાં દેખાયો હતો.