ગુજરાતમાં ખેડૂતો થઈ રહ્યા છે ડિજિટલ, ₹10 હજાર કરોડથી વધુ કૃષિપેદાશોનું કર્યું ઓનલાઈન વેચાણ
ગાંધીનગરઃ ભારતના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ કરી શકે, તેમના ઉત્પાદનો માટે તેમને સ્પર્ધાત્મક ભાવ મળે અને તેમની આવકમાં વધારો થાય, તેવા ઉદ્દેશથી 2016માં નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (e-NAM) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. ઇ-નામ પોર્ટલ ખેડૂતોને તેમની નજીકની ઇ-નામ મંડીઓ દ્વારા તેમની પેદાશોનો વેપાર કરવા અને વેપારીઓને કોઈપણ સ્થળેથી ઓનલાઈન હરાજી કરવા માટે સક્ષમ બનાવે છે. ગુજરાતમાં ઇ-નામ પોર્ટલ પર 8 લાખથી વધુ ખેડૂતોને જોડવામાં આવ્યા છે. ઇ-નામ પોર્ટલ પર ગુજરાતની 144 મંડીઓને સંકલિત કરવામાં આવી છે.
કેટલા કરોડ ક્વિન્ટલનું વેચાણ કરવામાં આવ્યું
અત્યાર સુધીમાં ઇ-નામ પ્લેટફોર્મ મારફતે ગુજરાતમાં 2.64 કરોડ ક્વિન્ટલથી વધુ કૃષિપેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે, જેનું કુલ મૂલ્ય ₹10,535.91 કરોડ છે. આમ, ઇ-નામ પોર્ટલ થકી ગુજરાતમાં ₹10 હજાર કરોડથી પણ વધુ કૃષિપેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે. ઇ-નામ પોર્ટલ પર રાજ્યના લાખો ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડીને ગુજરાત ભારતની ડિજિટલ કૃષિ ક્રાંતિને સતત આગળ ધપાવી રહ્યું છે.
31 ડિસેમ્બર 2024ના આંકડા મુજબ, રાજ્યમાં કુલ 8,87,420 લોકો આ પ્લેટફૉર્મનો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યા છે, જેમાં 8,69,807 ખેડૂતો, 10,181 વેપારીઓ, 7,170 કમિશન એજન્ટો અને 262 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)નો સમાવેશ થાય છે. e-NAM પ્લેટફૉર્મ પર કૃષિ ક્ષેત્રના 8 લાખથી વધુ ખેડૂતોને ડિજિટલ રીતે જોડીને, ટેક્નોલોજીને અપનાવીને, સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપીને અને ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપીને ગુજરાતે કૃષિ ક્ષેત્રમાં સુશાસનનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
Also read: Farmers Protest: ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની હાલત ગંભીર, ડોકટરોએ સરકારને ચેતવ્યા…
શું છે e-NAM?
e-NAM એ ભારતભરમાં કાર્યરત એક ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફૉર્મ છે, જે કૃષિ ઉત્પાદનો માટે એકીકૃત બજારનું નિર્માણ કરવા માટે તમામ APMC મંડીઓને એકસાથે લાવે છે. કૃષિ મંત્રાલય હેઠળના સ્મોલ ફાર્મર્સ એગ્રીબિઝનેસ કન્સોર્ટિયમ (SFAC) ની આગેવાની હેઠળ, આ પ્લેટફૉર્મનો ઉદ્દેશ કૃષિ માર્કેટિંગને પ્રમાણિત કરવાનો, માહિતીની કમીઓને દૂર કરવાનો અને પુરવઠા અને માંગના આધારે વાસ્તવિક સમયનું કિંમત નિર્ધારણ (રિયલ ટાઇમ પ્રાઇસ ડિસ્કવરી)ને સક્ષમ કરવાનો છે. આ મિશનનો ઉદ્દેશ સમગ્ર દેશની એપીએમસીઓને એકીકૃત કરવાનો, ગુણવત્તા આધારિત હરાજી મારફતે પારદર્શક કિંમત નિર્ધારણની સુવિધા આપવાનો અને સમયસર ઓનલાઇન ચૂકવણીઓ સુનિશ્ચિત કરવાનો છે.