હૈદરાબાદ મેટ્રોએ રચ્યો ગ્રીન કૉરિડોર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો સફળ કિસ્સો
હૈદ્રાબાદઃ અંગદાન ઘણુ મહત્વનું છે. એને કારણે જીવલેણ બીમારીથી પીડાતા લોકોને નવજીવન મળી શકે છે. પણ ઘણી વાર એવું થાય છે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનાર વ્યક્તિ અને ઓર્ગન સ્વીકારનાર વ્યક્તિ વચ્ચે ઘણી દૂરી હોય છે. આવા કેસોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ દ્વારા કોઇનું જીવન બચાવવા માટે ગ્રીન કૉરિડોર બનાવવામાં આવે છે. રસ્તો ક્લિયર કરવામાં આવે છે, જેથી ઓર્ગન લઇને જતી એમ્બ્યુલન્સ પવનની સ્પીડે જઇ શકે અને ઓર્ગન પહોંચાડી શકે. આવું જ કંઇક વિરલ દ્રશ્ય હૈદરાબાદમાં જોવા મળ્યું હતું. હૈદરાબાદની મેટ્રો રેલવેએ એક ડોનરના હાર્ટને હૉસ્પિટલમાં પહોંચાડવા માટે મેટ્રો પર ગ્રીન કૉરિડોર બનાવ્યો હતો અને તેની મદદથી 13 મિનિટમાં 13 કિમીનું અંતર કાપ્યું હતું.
આ ઘટના 17 જાન્યુઆરીની છે. રાતે સાડા નવ વાગે મેટ્રો રૂટ પર ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યો હતો. આ ગ્રીન કૉરિડોર દ્વારા એલબી નગરની કીમિનેની હૉસ્પિટલના હાર્ટના દાતાનું હૃદય લકડી કા પુલ વિસ્તારમાં આવેલી ગ્લેનેગલ્સ ગ્લોબલ હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું, જેને કારણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા એક વ્યક્તિને નવજીવન મળ્યું હતું. જ્યારે મેટ્રો રેલ સત્તાવાળાઓને જાણ થઇ કે મેટ્રોમાં ગ્રીન કૉરિડોર બનાવી આ જીવન બચાવવાનું મિશન પૂરું કરી શકાય એમ છે, ત્યારે તેઓએતરત આ ઉમદા કાર્ય માટે તત્પરતા બતાવી હતી. હૈદરાબાદ મેટ્રો રેલ, બંને હૉસ્પિટલના સત્તાવાળાઓ, તબીબો વચ્ચે યોગ્ય સમન્વય સાધીને આ મિશન સફળ બનાવવામાં આવ્યું હતું.
આ ઘટના બાદ L&T મેટ્રો રેલ હૈદરાબાદ લિમિટેડ (L&TMRHL)એ જણાવ્યું હતું કે તેઓ તેની સુવિધાઓનો ઉપયોગ કરીને સમાજના કલ્યાણ માટેયોગદાન આપવા અને ઇમરજન્સી સેવાઓમાં સહાયરૂપ થવા કટિબદ્ધ છે.