રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઃ કોંગ્રેસ બહાર પાડશે આ તારીખે પહેલી યાદી
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાર્ટીના નજીકના સૂત્રોનું સાચું માનીએ તો સ્ક્રિનીંગ કમિટીની બેઠકમાં લગભગ 60 ઉમેદવારોના નામ ફાઇનલ કરી દેવાયા છે. જો કે હજુ આ યાદી CECને સોંપવામાં આવશે. 18 ઓક્ટોબરે CECની બેઠક યોજાશે, અને તેમાં નામો પર ફાઇનલ મોહર લાગશે. આ પહેલા પણ 17 ઓક્ટોબરે ફરી એકવાર સ્ક્રિનીંગ કમિટીની બેઠક થાય તેવી પણ શક્યતાઓ છે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ આ વખતે તેના બે ડઝન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે. ટિકીટ કપાતા જે ધારાસભ્યો નારાજ થશે તેમની સાથે કેવીરીતે નીપટવું તે અંગે પણ પાર્ટી રણનીતિ બનાવી રહી છે. આ વખતે કોંગ્રેસ પૂર્વ સાંસદો પર પણ દાવ લગાવવાના મૂડમાં છે. તેમને કઇ બેઠકો પરથી ચૂંટણી લડાવાશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. તો બીજી બાજુ ટિકિટોના લોબિંગ માટે નેતાઓ દિલ્હીમાં ધામા નાખી રહ્યા છે.
સીએમ અશોક ગેહલોત પણ અત્યારે દિલ્હીમાં છે. ગેહલોત શનિવારે યોજાયેલી સ્ક્રિનીંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી ગયા હતા. સીએમ આજે દિલ્હીના જોધપુર હાઉસમાં છે. તેમને ત્યાં નેતાઓની અવરજવર ચાલુ છે. આ દરમિયાન BSPમાંથી કોંગ્રેસમાં જોડાયેલા 4 ધારાસભ્યો જોગીન્દર અવાના, વાજીબ અલી, સંદીપ યાદવ અને લાખન મીના પણ જોધપુર હાઉસ પહોંચ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષ અજય માકન પણ ત્યાં પહોંચ્યા હતા. તેઓ ત્યાં લગભગ દોઢ કલાક રોકાયા અને સીએમ ગેહલોત સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે શનિવારે દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રિનીંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં સ્ક્રિનીંગ કમિટીના અધ્યક્ષ ગૌરવ ગોગાઈની સાથે સીએમ અશોક ગેહલોત, પીસીસી ચીફ ગોવિંદ સિંહ દોતાસરા, રાજ્ય પ્રભારી સુખવિંદર સિંહ રંધાવા, સચિન પાયલટ અને રાજસ્થાનના સહ-પ્રભારી પણ સામેલ થયા હતા.