વડોદરાના આ હતભાગી પરિવારોને હજુ ન્યાય મળ્યો નથીઃ એક વર્ષે યાદ આવી તે ગોઝારી ઘટના
અમદાવાદઃ આજથી એક વર્ષ પહેલા વડોદરાની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓના માતા-પિતાએ પોતાના ભૂલકાંઓને તૈયાર કરી પિકનિક માટે મોકલ્યા હતા અને ધ્યાન રાખવાની સલાહ પણ આપી હશે, પરંતુ તંત્રએ ધ્યાન ન રાખ્યું અને 12 બાળક અને બે શિક્ષિકાના માતા-પિતાના ભાગે માત્ર નિઃસાસા નાખવાનું આવ્યું. આજના દિવસે જ વડોદરામાં ગોઝારી હરણી બોટ અકસ્માતની ઘટના બની હતી, જેમાં લેક ઝોન ખાતે વન ડે પિકનિકમાં ગયેલા બાળકોમાંથી 12 બાળક અને બે શિક્ષિકા બોટ અકસ્માતનો શિકાર બન્યા હતા. જોકે હજુ સંતાનો ગુમાવનાર પરિવારોને ન્યાય મળ્યો નથી.
શું હતી ઘટના
વડોદરાની વાઘોડિયા રોડની ન્યૂસનરાઈઝ સ્કૂલમાં ભણતા બાળકોને પિકનિક માટે લેક ઝોન લઈ જવામાં આવ્યા હતા. અહીં બોટિંગ સમયે 14ની ક્ષમતાળાળી બોટમાં 38 બાળકોને ઠાંસી ઠાંસીને બેસાડી દેવામાં આવ્યા હતા. બોટ પાણીની વચ્ચે વળાંક લેવા ગઈ હતી અને પલટી મારી ગઈ હતી, જેમાં આ 14 જણે જીવ ગુમાવ્યો હતો. અન્ય ઘટનાઓની જેમ આ ઘટનાના પણ પડઘા પડ્યા હતા, પરંતુ હજુ દોષીતોને સજા મળી નથી.
દોષીતો જામીન પર બહાર ફરે છે
લેક ઝોનનો કોન્ટ્રાક્ટ લેનાર કોટિયા પ્રોજેકટના પંદર ભાગીદારો સહિત 18 વ્યક્તિઓ સામે મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો હતો. એ પછી બીજા બે આરોપીઓ ઉમેરાયા હતા અને કુલ 20 વ્યક્તિઓ સામે ચાર્જશીટ થઈ હતી. આજે તમામ જામીન પર બહાર છે. જે બાળકો અને શિક્ષિકાઓ મોતને ભેટયા છે તેમને એક વર્ષ પછી પણ ન્યાય મળ્યો નથી. ડીઈઓ કચેરીએ પરવાનગી વગર પિકનિક યોજાઈ હોવા છતા સ્કૂલ સામે પણ કોઈ પગલા લીધા ન હોવાાન અહેવાલો છે.
Also read: વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે હાઈ કોર્ટને કરાઈ રજૂઆત, કોર્ટે માગ્યા રિપોર્ટ
મૃતકોના પરિવારોને વળતરની સુનાવણી કરવા માટે હાઈકોર્ટે નાયબ કલેકટરને આદેશ આપ્યો છે. જેની પહેલી સુનાવણી તાજેતરમાં જ થઈ હતી અને હવે વધારે સુનાવણી 20મી જાન્યુઆરીના રોજ યોજનાર છે. સ્કૂલોની પિકનિક બંધ થઈ અને નવી માર્ગદર્શિકા આવી 12 બાળકોનો જીવ ગયો હોવાથી સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાઈ હતી અને સ્કૂલ પિકનિકમાં બાળકોની સુરક્ષાનો સવાલ ઊભો થયો હતો. રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે સ્કૂલ પિકનિક પર પ્રતિબંધ મૂક્યો હતો. લગભગ દોઢેક વર્ષ બાદ નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી.
આજે કૉંગ્રેસે યાદ કર્યા મૃતકોને
હરણી બોટ કાંડની આજે 18મી જાન્યુઆરીએ પહેલી વરસીએ કોંગ્રેસ દ્વારા સવારે 9-45 વાગ્યે હરણી તળાવથી માર્કેટ ચાર રસ્તા સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, પીડિત પરિવારોને ન્યાય આપવા માટે તથા આ દુર્ઘટના માટે જવાબદાર દોષિતોને જેલ ભેગા કરવાની માગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.