વીક એન્ડ

ટેક્સાસ ને કેલિફોર્નિયા એક સમયે અમેરિકાનો હિસ્સો નહોતા!

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

અમેરિકાના રાષ્ટ્રપતિપદે ફરી વાર આરૂઢ થઈ રહેલા ટ્રમ્પ કેનેડાને `યુએસએનું 51મું રાજ્ય’ ગણાવીને મજાક કરવાનો એક્કેય મોકો નથી ચૂકતા. શું કેનેડા એટલી આસાનીથી અમેરિકા સાથે મર્જ થઇ શકે-ભળી શકે ખં ? ઘણી ટેકનિકલ બાબત વિચારવી પડે, પણ ધારી લો કે જો કેનેડાની સંસદ આવા મર્જની તરફેણમાં મતદાન કરે તો આવું થઇ શકે ખં. જાણીને નવાઈ લાગશે કે ભૂતકાળમાં આખેઆખો દેશ અમેરિકામાં જોડાઈ ગયાના દાખલા છે! આવાં જોડાણે અમેરિકાની ભૂગોળ જ નહિ, પણ આખું ભવિષ્ય બદલી નાખ્યું હતું ! આજે અમેરિકા જે કંઈ છે, એમાં આ જોડાણનું મહત્વ મોટું છે. વાતની શરૂઆત કરીએ ટેક્સાસથી…

આ વાતના મૂળિયા ઠેઠ સત્તરમી સદીમાં છે, જ્યારે ફ્રાંસ, બ્રિટન, સ્પેન જેવા યુરોપિયન દેશો વચ્ચે વ્યાપારિક હોડ હતી અને આ દેશો વિશ્વના બીજા દેશોમાં પોતાના થાણા સ્થાપી રહ્યા હતા. થાણા સ્થાપવાનો સીધો અર્થ એ થાય કે જે-તે પ્રદેશ પર કબજો જમાવવો. વિશ્વ આખું સામ્રાજ્યવાદની અસર હેઠળ હતું. જે દેશ દુનિયાના વધુમાં વધુ બંદરો પર કબજો જમાવી લે, એ સમગ્ર વૈશ્વિક વેપારને કબજે કરી શકે. વિશ્વના દરેક મોટા સંઘર્ષોના મૂળમાં ક્યાંકને ક્યાંક વેપાર ક્ષેત્રે સર્વોપરિતા સિદ્ધ કરવાની લાલચ જ જવાબદાર હોય છે.

ફ્રાંસની ઈચ્છા એવી કે અમેરિકાની મિસિસીપીના કિનારે મેક્સિકોના અખાત પાસે એક થાણું નાખવામાં આવે તો ઘણો ફાયદો મેળવી શકાય. ફ્રાન્સે કોશિશ કરી પણ એ સમયે નકશાઓ બહુ ચોક્કસ નહોતા એટલે જહાજ લઈને નીકળેલો ફ્રેંચ સાગરખેડુ રોબર્ટ કેવેલિયર મિસિસીપીથી 640 કિલોમીટર પશ્ચિમે આવેલા ટેક્સાસના કાંઠે જઈ ચડ્યો. એણે ત્યાં જ ફ્રેંચ કોલોની સ્થાપી, પણ ઇસ 1688 સુધીમાં સ્થાનિકો સાથેના સંઘર્ષોને કારણે કોલોની નાશ પામી. એ પછી સ્પેનિશ સેના અહીં પહોંચી અને પોતાનો કિલ્લો બનાવ્યો.પછી તો નેપોલિયને સ્પેન પર આક્રમણો શરૂ કર્યા અને સ્પેનની ગાદીએ પોતાના ભાઈ જોસેફ -પહેલાને બેસાડ્યો. એ વખતે સ્પેનના કબજા હેઠળના અમેરિકી પ્રદેશો ન્યૂ સ્પેન' અથવા સ્પેનિશવાઈસરોયલ્ટીઝ’ કહેવાતા, જે સ્પેનિશ વાઈસરોયના સીધા અંકુશ હેઠળ આવતા.

જોકે, આ પ્રદેશો જોસેફને પોતાના શાસક તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. એટલે ઘણી જગ્યાએ વિરોધ શરૂ થયો. મેક્સિકોમાં મેગ્યુઅલ હિડાલ્ગો નામના પાદરીએ સંઘર્ષની આગેવાની લીધી. ઇ.સ. 1810ના સપ્ટેમ્બરથી શરૂ થયેલા સ્પેનિશ શાસન સામેના સશસ્ત્ર સંઘર્ષો 1821 સુધી ચાલતા રહ્યા. હિડાલ્ગોને તો 1811માં જ મોતની સજા આપી દેવામાં આવી હતી, છતાં લોકોએ સંઘર્ષ ચાલુ રાખ્યો, જેને પરિણામે મેક્સિકો દેશ આઝાદ થયો. ટેક્સાસ એ સમયે મેક્સિકોનું એક રાજ્ય હતું. સ્વતંત્રતા મળ્યા બાદ મેક્સિકોએ એક અત્યંત ગંભીર ભૂલ કરી નાખી.

એ સમયે ટેક્સાસ રાજ્યમાં વસતિ બહુ પાંખી અને વિકાસની તકો ભરપૂર એટલે મેક્સિકોની સરકારે પડોશી દેશ અમેરિકાના નાગરિકોને ભરપૂર આર્થિક લાભો આપીને ટેક્સાસમાં તેડાવ્યા આ તો બિલકુલ એના જેવું ગણાય કે ભારત સરકાર બંગાળ અને આસામના વિકાસ માટે બાંગ્લાદેશના વેપારીઓને ટેક્સમાં મોટી છૂટ આપીને અહીં ધંધો કરવા બોલાવે! રાજકારણમાં આવી ભૂલોની ગંભીર સજા મળતી હોય છે. મેક્સિકોને ય સજા મળી. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પણ પછી ગુલામીપ્રથા સહિતના કેટલાક મુદ્દે ટેક્સાસમાં આવી વસેલા અમેરિક્નસ અને મેક્સિકો સરકાર વચ્ચે ઘર્ષણ વધતું ચાલ્યું. છેવટે વાત સશસ્ત્ર સંઘર્ષ સુધી પહોંચી. એમાં અમેરિક્નસનો વિજય થયો અને બીજી માર્ચ, 1836ના રોજ એમણે ટેક્સાસને મેક્સિકોથી અલગ કરીને `રિપબ્લિક ઓફ ટેક્સાસ’ નામનો નવો દેશ ઘોષિત કરી દીધો! સ્વાભાવિક છે કે આખા ઘટનાક્રમ પર નજર ખોડીને બેઠેલા પડોશી દેશ યુએસએ દ્વારા આ નવનિર્મિત રાષ્ટ્રને માન્યતા આપી દેવામાં આવી …અને અમેરિકાનું આખું સ્વરૂપ બદલાઈ ગયું!

હવે તમે મજા જુઓ. ટેક્સાસમાં જે પ્રજા હતી, એમાં ત્યાંના મૂળ રહેવાસી આદિવાસીઓ (કે જેમની પાસે કોઈ પોલિટિકલ અવાજ કે શક્તિ નહોતા) અને અમેરિકાથી આવી વસેલા ધોળિયાઓનો સમાવેશ થતો હતો. જ્યારે તમામ નિર્ણયો આ અમેરિકન વેપારીઓએ જ લેવાના હોય, તો એમણે અલગ દેશ બનાવવાની માથાકૂટ કરવાને બદલે અમેરિકા સાથે જોડાઈ જવાનું શા માટે પસંદ ન કર્યું? મુખ્ય બે કારણ છે.

પહેલું કારણ હતું મેક્સિકો સાથે યુદ્ધનો ડર. મેક્સિકોનો કોઈ પ્રદેશ છૂટો પડીને યુએસએ સાથે જોડાય તો મેક્સિકોને એ ન જ ગમે. અને એ સંજોગોમાં યુએસએ-મેક્સિકો વચ્ચે યુદ્ધ થયા વિના ન રહે. એ સમયે યુએસએ શક્તિશાળી ખં, પણ આજની માફક સુપર પાવર નહોતું. બીજું વધુ મહત્ત્વનું કારણ હતું ગુલામીપ્રથા. અમેરિકામાં ગુલામીપ્રથા નાબૂદ કરવા માટે સંઘર્ષ ચાલી રહ્યો હતો.

ઉત્તરીય રાજ્યો ગુલામીપ્રથા નાબૂદ કરવા માગતા હતા. જ્યારે દક્ષિણી રાજ્યો ગુલામીપ્રથાના ચુસ્ત ટેકેદાર હતા. આ મામલે અમેરિકન રાજ્યો વચ્ચે ત્રાજવું બરાબર સમતોલ સ્થિતિમાં હતું. જો કોઈ એક પલડામાં જરાસરખું વજન વધે, તો એ પલડું નમી પડે! હવે ટેક્સાસમાં જે અમેરિક્નસ વસેલા, એ બધા પાસે લાખોની સંખ્યામાં ગુલામો હતા. એમની સમૃદ્ધિ આ ગુલામોને જ આભારી હતી. જો ટેક્સાસને અમેરિકા સાથે જોડી દેવામાં આવે, તો ગુલામીપ્રથાને સમર્થન કરતું એક મોટું રાજ્ય અસ્તિત્વમાં આવે! આથી ઘણા ડાહ્યા અમેરિકન રાજકારણીઓ ટેક્સાસને અમેરિકા સાથે જોડવા સંમત નહોતા, પરંતુ તત્કાલીન અમેરિકન પ્રમુખ જ્હોન ટાયલર મક્કમ હતા.

એક વખત સેનેટની મંજૂરી મેળવવામાં નિષ્ફળતા મળી તેમ છતાં એમણે સમજાવટના પ્રયત્નો ચાલુ રાખ્યા. આખરે બીજી વખત મતદાન થયું. એમાં સફળતા મળી, અને ટેક્સાસ એક સ્વતંત્ર દેશ મટીને 29 ડિસેમ્બર, 1845ના રોજ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં 28મા રાજ્ય તરીકે જોડાયું…ટેક્સાસની તમામ જાહેર મિલકતો અમેરિકન સરકારને જમા થઇ, બદલામાં યુએસએ ગવર્મેન્ટે ટેક્સાસ ઉપરનું દસ મિલિયન ડૉલર્સનું દેવું ચુકવવાની જવાબદારી લીધી. મેક્સિકોને આ નહોતું જ ગમવાનું. એટલે 1846માં મેક્સિકો- યુએસએ યુદ્ધ છેડાયું. બે વર્ષ લાંબા યુદ્ધમાં યુએસએનો વિજય થયો પછી કેલિફોર્નિયા, એરિઝોના તેમજ ન્યૂ મેક્સિકો પણ ટેક્સાસને પગલે અમેરિકન રાજ્ય બન્યા! (યસ, એ પહેલા આ તમામ રાજ્યો યુએસએનો હિસ્સો નહોતા!)

અરે, પણ પેલા ગુલામીપ્રથા અંગેના સંઘર્ષનું શું થયું? નવા જે ચાર રાજ્ય યુએસએમાં જોડાયા, એ પૈકીના ત્રણ ગુલામીપ્રથાને ટેકો આપનારા હતા. આથી ગુલામીપ્રથાના વિરોધી ગણાતા ઉત્તરીય યુએસએનાં રાજ્યો સાથે આ દક્ષિણી રાજ્યોનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો. એવામાં વળી ગુલામીપ્રથાના કટ્ટર વિરોધી અબ્રાહમ લિંકન 1860માં અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા એટ્લે ટેક્સાસ સહિતનાં રાજ્યો ઓર ગિન્નાયાં. આ સંઘર્ષ એટલો તીવ્ર બન્યો કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પાંચેક વર્ષ સુધી (1861-1865) ભયંકર ગૃહયુદ્ધમાં (સિવિલવોરમાં) સપડાયું… એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી!

જો કેલિફોર્નિયા અને ટેક્સાસ સહિતના રાજ્ય એ સમયે યુએસએ સાથે ન જોડાયા હોત તો ઈતિહાસપ્રસિદ્ધ `ગોલ્ડ રશ’ અને આર્થિક સમૃદ્ધિમાં ક્રાંતિકારી વધારો ન નોંધાયો હોત. કદાચ અમેરિકા સુપર પાવર પદે ય ન પહોંચ્યું હોત અને ગુલામીપ્રથાનો ઇતિહાસ પણ કંઈક જુદો હોત. કદાચ લિંકનની હત્યા ન થઇ હોત…. અને…કદાચ….ખેર, ઇતિહાસના પૃષ્ઠો પણ કેવા આશ્ચર્યજનક કલરશેડ્સથી રંગાઈ જતાં હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button