નવતર પ્રયોગઃ ગુજરાતના આ શહેરમાં દીપડો આવતાં જ પડી જશે ખબર
સુરતઃ રાજ્યમાં વાઘ-સિંહના માનવી પર હુમલાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી સમયાંતરે આવી ઘટના સામે આવતી રહે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં માનવ અને દીપડા વચ્ચેનું ઘર્ષણ ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દીપડાને રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે. દીપડા શહેરમાં આવતાં જ એલર્ટ આવશે. દર અડધા કલાકે જંગલ ખાતાને દીપડાનું લોકેશન મળતું રહેશે.
સુરત વન વિભાગ દ્વારા દીપડાના દરેક ગતિવિધિને જાણવા અંગે અભ્યાસ કરવાનું નક્કી કર્યુ છે. આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત દીપડાને રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે. સેટેલાઇટ થકી દર અડધા કલાકે લાઇવ લોકેશન અધિકારીના મોબાઇલ ફોનમાં મળતું રહેશે. અધિકારીના જણાવ્યા મુજબ, દીપડો જો રહેણાંક વિસ્તારમાં પહોંચશે તો લોકોને ચેતવણી આપવામાં આવશે.
થોડા દિવસ પહેલા સુરત જિલ્લાના મહુવાના નિહાલી ગામે દીપડાની અવર જવર હોવાથી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. જે બાદ વિવિધ વિસ્તારમાં પાંજરા ગોઠવીને દીપડો પકડવામાં આવ્યો હતો. પરંતુ દીપડો પાંજરાના સળિયા તોડીને ભાગી છૂટ્યો હતો. જેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ પણ વાંચો…સુરતમાં સગીરાએ મેડિકલ સ્ટોરમાંથી દવા લઇને જાતે પ્રસુતિ કરી, આ રીતે ફૂટ્યો ભાંડો
દક્ષિણ ગુજરાતમાં આવેલા શેરડીના ખેતરો દીપડાના રહેણાંક સ્થાન
દક્ષિણ ગુજરાતમાં આવેલા શેરડીના ખેતરો દીપડાના રહેણાંક સ્થાનો છે. અહીં તેઓ આવાસની સાથે બચ્ચાને પણ જન્મ આપે છે. જંગલના બદલે શેરડીના ખેતરોમાં તેમના બચ્ચા સુરક્ષિત રહી શકે છે. નવસારી જિલ્લો દીપડાનું અભ્યારણ્ય બની રહ્યો હોવાનું લાગી રહ્યું છે. તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં નવસારીમાં 70 દીપડાનો વસવાટ હોવાનો રિપોર્ટ છે પરંતુ અનૌપચારિક રીતે જિલ્લામાં 100થી વધારે દીપડા ફરી રહ્યા હોવાનું વન નિષ્ણાતોનું માનવું છે. નવસારીના પૂર્વ પટ્ટી વિસ્તાર અને ખાસ કરીને વાંસદા પંથકમાં દીપડાના હુમલાનો ભય વ્યાપ્યો હતો.