ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની આજે જાહેરાત: બુમરાહના સિલેક્શન પર સૌની નજર
મુંબઈ: આગામી 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં શરૂ થનારી વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમની આજે બપોરે જાહેરાત કરવામાં આવશે. ટેસ્ટના વર્લ્ડ નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવશે એવી શક્યતા છે. જોકે બરાબર એક મહિના પછી રમાનારી આ ટૂર્નામેન્ટમાં રમવા પૂરતો તે ફિટ હશે એવી સંભાવના સાથે જ તેને હાલમાં ટીમમાં સમાવવામાં આવશે.
ક્રિકેટને લગતી એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ બુમરાહે આ મહિને સિડની ખાતેની સિરીઝની છેલ્લી ટેસ્ટના અંતિમ દિવસે પીઠની સ્ટ્રેસ સંબંધિત ઈજાને લીધે બોલિંગ નહોતી કરી. બીજી રીતે કહીએ તો પાંચ ટેસ્ટમાં તેના પર જે વર્ક-લૉડ આવ્યો હતો (બોલિંગમાં જે માનસિક અને શારીરિક બોજ આવ્યો હતો) એ કારણસર સિરીઝના સૌથી મહત્વના દિવસે તે બોલિંગ કરવા નહોતો આવી શક્યો અને ભારતનો એ મૅચમાં અને સિરીઝમાં પરાજય થયો હતો.
બુમરાહે શ્રેણીની નવ ઇનિંગ્સમાં કુલ 151.2 ઓવર બોલીંગ કરી હતી અને હાઈએસ્ટ 32 વિકેટ લીધી હતી. ત્યારે ડૉક્ટરે બુમરાહને પાંચ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી હતી.
આ પણ વાંચો…મહિલાઓનો ટી-20 અન્ડર-19 વર્લ્ડ કપ આવી ગયો…
ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં તેની પીઠનું ફરી સ્કૅન કરવામાં આવશે અને તે એ જ મહિનામાં (ચેમ્પિયન્સ ટ્રોફીમાં) રમી શકશે કે નહીં એ નક્કી થશે.
દરમિયાન, આગામી 22મી જાન્યુઆરીએ ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ ટી-20ની સિરીઝ શરૂ થશે અને 6, 9 અને 12મી ફેબ્રુઆરીએ ઘરઆંગણે જ ભારતની ઇંગ્લેન્ડ સામે ત્રણ વન-ડે રમાશે.