લોસ ડ્રાગોસમાં કેળાંની ઉજાણી…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
ગ્રાન કનેરિયામાં પહેલી ઇચ્છા તો ડ્યુન્સ જવાની જ થઈ આવી હતી. ખાસ તો એટલા માટે કે અહીંનાં ડ્યુન્સ ફુઅર્ટેવેન્ટુરાથી અલગ હતાં, અને અમારી ડ્યુન્સ જોવાની આતુરતા આડાં કેળાં આવી ગયાં. અમે જ્યારે એપાર્ટમેન્ટમાં ચેક-ઇન કર્યું ત્યાં બહાર સ્થાનિક ખાસિયતોનું એક છાપું પડ્યું હતું. તેમાં એક એવા મ્યુઝિયમની વાત હતી જેને વહેલી તકે જોવાની આતુરતા ડ્યુન્સને પણ ટપાવી ગઈ. એ હતું લોસ ડ્રાગોસનું બનાના પ્લાન્ટેશન અને મ્યુઝિયમ.
હવે બનાના પ્લાન્ટેશન તો ભારતીયો માટે નવી વાત છે જ નહીં. ખાસ તો એટલા માટે કે ભારત દુનિયાનું સૌથી મોટું કેળાંનું એક્સપોર્ટર છે. કેળનાં પાંદડાંમાં જમવાથી માંડીને તેમાં ઇડલીથી લઈને પાનકી બનાનવવા ઉપરાંત તેના લગભગ દરેક પાર્ટનો ઉપયોગ આપણા કલ્ચરમાં થાય છે. એટલે એક સમયે તો એ પ્રશ્ન પણ થયો કે આપણને કેળાં વિષે કોઈ કંઇ નવું તો શું કહી શકશે. તે છતાં કેળાંનું મ્યુઝિયમ હોવાની આટલી મોટી વાત કરે છે તો તેમાં કંઈક તો ખાસ હોવું જોઈએ એ ખાતરી કરવા પણ એક વાર તો ત્યાં જવું જ રહ્યું.
પહોંચ્યા તે દિવસે તો લોકલ શોપિંગ, અહીંના વિસ્તારમાં ચાલીને રખડપટ્ટી, સૌથી નજીકનો બીચ એક્સેસ, પૂલ ટાઇમિંગ અને સૌથી વધુ તો બાલ્કનીમાંથી દેખાતા દરિયાના ઇન્ફિનિટી વ્યુ પાસે જ બેસી રહેવામાં જ સમય નીકળી ગયો. બાલ્કની બરાબર સનસેટ પણ બતાવતી હતી. દરેક સાંજ અહીંથી સનસેટ જોવા પાછું આવી જવું એ પણ નક્કી થયેલું. એક વાર અંધારું થયું પછી આવનારા દિવસનો પ્લાન બન્યાલ્ અને બધાનો વોટ સીધો કેળાંના મ્યુઝિયમ પર જ ગયો.
આ નાનકડા ટાપુ પર પાકા રસ્તા પર સૌથી દૂર પણ આ બનાના પ્લાન્ટેશન માટે જવું જ પડે તેમ હતું. હજી અહીં પહેલી પ્રોપર સવાર પડી હતી એટલે અમે એકદમ ઉત્સાહમાં બ્રેકફાસ્ટ કરીને ગાડીમાં કૂદીને નીકળી પડ્યાં. ત્યાં ગ્રાન કનેરિયા જઈને પડ્યાં રહીશું, જલસા અને આરામ કરીશું, માત્ર જલસા કરીશું જ બાકી રહૃુાં હતું. પડ્યા રહેવાનો ભાગ્યે જ પ્લાન બન્યો અને આરામ પણ જ્યારે દરિયા સામે બેસતાં ત્યારે જ કરવા મળેલો.
બધાં બનાના પ્લાન્ટેશન માટે વધુ ઉત્સાહમાં એમ પણ આવી ગયેલાં કે તેનાં ડિસ્ક્રિપ્શનમાં બનાના ટેસ્ટિગ કરાવશે એ પણ વર્ણવેલું. ટાપુમાં વચ્ચે વચ્ચે દરિયાને પેરેલલ રસ્તો નીકળતો ત્યારે અને ખડકો વચ્ચે ઘણું સૌંદર્ય હતું, પણ ફુઅર્ટેવેન્ટુરા અને ટેનેરિફેના પ્રમાણમાં ગ્રાન કનેરિયાના વ્યુમાં કુદરતે ખાસ ગોઠવેલા પહાડો અને બીચ નજરે નહોતા પડતા. જોકે અહીં પ્રવૃત્તિઓની નક્કી કોઈ કમી નથી. આરુકાસ રિજનનું આ લોસ ડ્રાગોસ બનાના પ્લાન્ટેશન તો દરિયા કિનારે જ છે, પણ ત્યાંથી નીકળીને અમે ઇનલૅન્ડ ગામડાઓ તરફ જ નીકળવાનાં હતાં.
દુનિયાના આ ખૂણામાં આટલા અંતરે કૉમર્સ અને કૉમ્પિટિશનની માથાકૂટથી દૂર પણ લોકો મજેથી કઈ રીતે રહે છે તે જોવાની પણ મજા આવતી હતી. આ જ મજા ભારતનાં પણ કોઈ પણ ગામમાં લઈ શકાય, પણ આપણાં ગામડાં ખાસ હવે આ લેવલ પર દુનિયાથી કટ-ઑફ હોય તેવું નથી લાગતું.
અહીંનાં ગામડાંઓ સુધી પહોંચતાં પહેલાં અમે બનાના પ્લાન્ટેશનના દરવાજે પહોંચ્યાં. પ્લાન્ટેશનનો એન્ટ્રન્સ અત્યંત ફુરસદથી, મોટા પાર્કિંગ સાથે બનાવેલો. તે સમયે આમ પણ નોન-ટૂરિસ્ટ સીઝનમાં અમારા સિવાય માંડ ત્રણ ગ્રૂપ હતાં. અમે પહોંચ્યાં તેની પંદરેક મિનિટમાં ગાઇડેડ ટૂર ચાલુ થવાની હતી. અમારી ગાઈડ વાતો કરતી અને પ્રશ્નો પૂછતી મજાથી અમને પ્લાન્ટેશન બતાવી રહી હતી. અમે ફ્રન્ટ સ્ટોરથી બનાના લેવર્ડ કૉફી અને બનાના ડોનટ્સ સાથે લીધાં હતાં. હવે ખરાં કેળાં જોવાનો વારો હતો. જોતજોતામાં કેળાંની એક લૂમ એંશી-નેવું કિલોની હોઈ શકે અને એક મધર પ્લાન્ટમાંથી વીસ જેટલાં બીજા બનાના પ્લાન્ટ ઊગે અને લૂમના વજનના કારણે છીછરા મૂળવાળા પ્લાન્ટને ત્રણથી ચાર સપોર્ટ આપવા પડે તે બધું જોવા અને જાણવા મળી રહૃુાં હતું.
ઇલાઇચી કેળાં, લેડીઝ ફિગર કેળાં, લેટિન અમેરિકન કેળાં અને કેળાંના બીજા પ્રકારોની વચ્ચે કેળાંનો સ્માઇલી શેપ કર્વવાળો કેમ હોય છે તે પણ જાણવા મળી ગયું. કેળું ઊગે ત્યારે તો સીધું જ હોય છે, તે મોટું થાય તેમ તેમ સતત સૂર્ય તરફ વળ્યા કરે અને તેમાં કર્વ આવી જાય. કેળાં જેટલાં લાંબો સમય ઝાડ પર રહી શકે એટલાં વધુ સ્વાદથી ભરપૂર હોય છે તે પણ ફરી જાણવા મળ્યું. એવામાં પ્લાન્ટેશનમાં કેળાંનાં ફૂલ, લૂમના અલગ અલગ સ્ટેજ, તેમની ખેતીનું સ્ટ્રક્ચર, બધું જ દેખાયું. તે પછી જ્યારે મ્યુઝિયમ તરફ આવ્યા તો લાગ્યું કે બનાનાની ખેતી સંબંધિત આનાથી વધુ કશું ન હોઈ શકે. ત્યાં એક રૂમમાં ખાસ કેળાંની છાલના તારમાંથી પ્લાસ્ટિક જેવું મટિરિયલ બનાવીને ચીજો બનાવાતી, કાપડ પણ વણી શકાતું તે બધું જોવા મળ્યું. કેળાંને કલ્ચર અને ઇતિહાસ સાથે જોડીને થોડાં ખેતીનાં સાધનો અને થોડી જૂની તસવીરો પછી બનાના ટેસ્ટિગનો સમય આવી ગયો હતો.
ત્યાં અમારી સામે જાણે નાનકડું બનાના બૂફે આવી ગયેલું. અહીં પ્લાન્ટેશન પર ઊગેલાં કેળાં તો ખાવા મળ્યાં જ, સાથે કેળાંની ચટણી અને જેલીના અલગ અલગ ફ્લેવર્સ સાથે બ્રેડ સ્ટિક્સનો નાસ્તો થયો.
એટલું જ નહીં, કેળાંની વાઇન, સ્પાર્કલિંગ વાઇન, કેળાંની બ્રાન્ડી અને અર્કોર્સ, કેળાંની ચિપ્સ ત્યાં હાજર હતી જ. જોકે તેમાં ખાલી વૈવિધ્ય માટે મૂકેલો સ્થાનિક લાલ મરચાંનો મોહો સોસ પણ એટલો જ મજેદાર હતો. નાનકડા નાસ્તાના બૂફેમાં લાંબી પ્લાન્ટેશન વોક પછી જલસાથી ઉજાણી કરી, ઘણા ફોટા પાડ્યા. અહીં એક વાર ટિકિટ લઈને પ્રવેશો પછી આખો દિવસ અંદર રહીને આંટા મારીને મજા કરી શકાય. અમે કંટાળીએ તે પહેલાં કેળાંની મજેદાર વાતો અને યાદગીરી લઈને ત્યાંથી નીકળી પડ્યાં. હવે ઇનલૅન્ડ જવાનું હતું.