પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો પાસેથી 3,095 પ્રોપર્ટી જપ્ત કરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા પાસેથી મળેલા તાજા ડેટા મુજબ પ્રોપર્ટી ટેક્સ ધારકો પાસેથી છેલ્લા બે દાયકામાં કરવામાં આવેલી કરચોરીની રકમ લગભગ ૬,૨૨૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. નોંધનીય છે કે ડેવલપરો અને કૉર્પોરેટ કંપનીઓ સહિત ૫૦૦ મોટા ડિફોલ્ટરો જ તેમાં લગભગ ૩,૯૮૧ કરોડ રૂપિયાનો હિસ્સો રહ્યો છે. આ મોટા ડિફોલ્ટરો પર કાર્યવાહી કરવા માટે પાલિકાએ ૩,૦૯૫ મિલકતો જપ્ત કરવાનો દાવો કર્યો છે, જેમાંથી પચીસ મિલકત લિલામીની પ્રક્રિયામાં પ્રવેશી ચૂકી છે.
મુંબઈમાંથી ઑકટ્રોય નાબૂદ થયા બાદ પ્રોપર્ટી ટેક્સ એક મહત્ત્વનો આવકનો સ્રોત રહ્યો છે, જોકે તાજેતરના વર્ષોમાં વિવાદાસ્પદ અને આઉટસ્ટેન્ડિંગ પ્રોપર્ટી ટેક્સમાં વધારો થયો છે. મુંબઈમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને જુદા જુદા વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી થતી આવકનો ઉપયોગ પાલિકા દ્વારા કરવા માં આવે છે. જોકે મોટા ડિફોલ્ટરોને કારણે પ્રોપર્ટી ટેક્સ થકી થતી આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી પાલિકાએ મોટા ડિફોલ્ટરો સામે નિર્ણાયક પગલાના ભાગરૂપે તેમની પાસેથી રકમ વસૂલ કરવા માટે કાર્યવાહી ચાલુ કરી છે.
પાલિકાએ ભારે પ્રયાસો કર્યા છતાં ડિફોલ્ટરો પાસેથી વસૂલવાની રકમ હવે ચાલુ નાણાકીય વર્ષના પ્રોપર્ટી ટેક્સના લક્ષ્યાંકના સમકક્ષ પહોંચી ગઈ હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. પ્રોપર્ટી ટેક્સની બાકી રહેલી રકમ વસૂલવામાં એક મહત્ત્વપૂર્ણ પડકાર તો મિલકતને લગતો કોર્ટમાં ચાલી રહેલો કેસ હોવાનું કહેવામાં આવે છે. કાયદાકીય વિવાદને કારણે પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં અડચણ થઈ રહી છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાલિકાએ નિયમ હેઠળ ડિફોલ્ટરોને મિલકતની જપ્તી માટે નોટિસ જાહેર કરી છે. નિર્ધારિત સમયગાળામાં કર નહીં ભર્યો તો તેમની સામે પાલિકાના નિયમ હેઠળ જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં મિલકતમાંથી માલ જપ્ત કરવાનો અને બાકી રકમ વસૂલવા માટેની હરાજી કરવાનો સમાવેશ થઈ શકે છે.
Also read :પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં: પાલિકા કમિશનર
નોંધનીય છે કે પાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રોપર્ટી ટેક્સનો લક્ષ્યાંક ૬,૨૦૦ કરોડ રૂપિયાનો રાખ્યો છે, જેમાં પહેલી એપ્રિલ, ૨૦૨૪થી ૧૭ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં પાલિકાના ટેક્સ એન્ડ અસેસમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ૪,૩૭૬ કરોડ રૂપિયા એટલે કે લગભગ ૭૧ ટકા રકમ વસૂલ કરવામાં સફળતા મળી છે. મુંબઈમાં લગભગ બે લાખ ૪૦ લાખ પ્રોપર્ટીટેક્સ ધારકો છે.