Gujarat માં રેલવે ટ્રેક પર સર્જાતા સિંહના અકસ્માતને ઘટાડવા એઆઈથી નજર રખાશે
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં એશિયાટિક સિંહોના(Asiatic lion)અપમૃત્યુ મુદ્દે સુઓમોટો પિટિશન હાથ ધરવામાં આવી હતી. જે મુદ્દે શુક્રવારે ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટીસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનવણી હાથ ધરાઇ હતી. આ સુનાવણી દરમિયાન રેલવે વિભાગે કોર્ટમાં માહિતી આપી હતી કે, રાજયમાં રેલવે ટ્રેક પર સર્જાતા સિંહના અકસ્માતને ઘટાડવા માટે રેલવે વિભાગે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લેવાનો નિર્ણય કર્યો છે.
સુનાવણી દરમિયાન રેલવે વિભાગ તરફથી જણાવાયું હતું કે, રેલવે ટ્રેકની 50 મીટરની આસપાસ સિંહોની અવરજવરનો અંદાજ લગાવવા ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ નામનું વિશેષ મશીન લગાવવામાં આવશે. જેમાં ફાઈબર કેબલ જંગલમાંથી પસાર થતી રેલવે લાઈનને સમાંતર નાખવામાં આવશે. જેથી સિંહોની અવર જવરની અગાઉથી રેલવે પાયલટ અને વન વિભાગના અધિકારીઓને ખબર પડતાં અકસ્માત અટકાવી શકાશે.
અગાઉની સુનાવણીમાં કોર્ટે વન વિભાગ પાસે ત્રણ માહિતી માંગી હતી. જેમાં રેલ્વે ટ્રેક ઉપર સિહોના મૃત્યુનું અટકાવવા એસઓપી, મીટર ગેજને બ્રોડગેજમાં ફેરવવા માટે યોગ્યતા જોવી અને જે અકસ્માતોમાં સિહોના મૃત્યુ થયા છે તેની તપાસ કરવી.છેલ્લા 05 વર્ષમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 523 થી વધીને 674 પહોંચી છે. એસઓપીમાં ગીરના જંગલોમાં સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી ટ્રેનની સ્પીડ ઘટાડવાની તેમજ સિહોના કોરીડોરમાં અંડર પાસ બનાવવાની વાત છે.
Also read: સુરત રેલવે સ્ટેશન પર બબાલઃ ટ્રેનના જનરલ કોચનો દરવાજો નહીં ખોલતા પ્રવાસીઓએ કરી તોડફોડ…
કોર્ટે જણાવ્યું હતું કે મીટરગેજને બ્રોડગેજમાં પરિવર્તિત કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવી આવશ્યક છે. તેના વગર કોઈપણ કામ કરી શકાશે નહીં.રેલવે અને વન વિભાગ બંને એકબીજા ઉપર જવાબદારી ઢોળે નહીં અને સાથે મળીને કામ કરે. આગામી સમયમાં થયેલી કામગીરીનો પ્રોગ્રેસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકવામાં આવે. જ્યાં ભૂલો રહી જતી હોય તેની ઉપર ધ્યાન રાખવામાં આવે. રેલવે અને વન વિભાગના કર્મચારીઓને સિંહો અંગે સંવેદનશીલ બનાવવામાં આવે