`સોનાનો’ સુવર્ણ ચંદ્રક હરાજી માટે મૂકવામાં આવ્યો!
બૉસ્ટનઃ હેડિંગ વાંચીને ઘણાને થતું હશે કે સુવર્ણ ચંદ્રક તો સોનાનો જ હોયને! બીજો શેનો હોય?
જોકે આપણે અહીં જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ગોલ્ડ મેડલ દુર્લભ છે અને 1904ની સેન્ટ લુઇસ ઑલિમ્પિક્સમાં ઍથ્લેટિક્સમાં જીતવામાં આવ્યો હતો.
અમેરિકાની ધરતી પર 1904ની સાલમાં પહેલી વાર ઑલિમ્પિક ગેમ્સ યોજાઈ હતી અને એમાં અમેરિકાના જ ફ્રેડ સ્કુલ નામના રનરે 110 મીટર વિઘ્ન દોડમાં આ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. હાલમાં ગોલ્ડ મેડલ ચાંદીના બનાવવામાં આવે છે અને એના પર સોનાનો વરખ લગાડવામાં આવે છે. જોકે અહીં 1904ના જે ગોલ્ડ મેડલની વાત થઈ રહી છે એ ચંદ્રક સંપૂર્ણપણે સોનાથી બનાવવામાં આવ્યો હતો.
આપણ વાંચો: એશિયન ખેલોમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ: કમલજીત સંધૂ
આ ગોલ્ડ મેડલ પર ઑલિમ્પિયાડ, 1904' લખવામાં આવ્યું છે. એ મેડલ સાથે ઑરિજિનલ રિબન જોડાયેલી છે અને એનું કવર ચામડાંનું છે. નવાઈની વાત એ છે કે આ પહેલી ઑલિમ્પિક્સ હતી જેમાં ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા જેનો ફાયદો અમેરિકનોએ લીધો હતો. તેઓ 96માંથી 78 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
બૉસ્ટન ખાતેના આર. આર. ઑક્શન નામની કંપનીના ઑલિમ્પિક સ્પેશિયાલિસ્ટ બૉબી ઇટને કહ્યું હતું કે
આવા પ્રકારનું મેડલ હરાજી માટે આવે એ નવાઈ કહેવાય. આ સુવર્ણ ચંદ્રક એના વિજેતા ફ્રેડ સ્કુલના પરિવારે જ મોકલ્યો છે.’
ઑક્શનમાં ઑલિમ્પિક ગેમ્સને લગતી અસંખ્ય ચીજો હરાજી માટે આવી છે. એમાં 2024ની પૅરિસ ઑલિમ્પિક્સના એક બ્રૉન્ઝ મેડલનો તેમ જ 1932ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રકોનો પણ સમાવેશ છે. અન્ય કેટલીક ઑલિમ્પિક્સમાં જીતવામાં આવેલા ચંદ્રકો પણ હરાજી માટે આવ્યા હોવાનું બૉબી ઇટને જણાવ્યું હતું.