કહાની મેં ટવીસ્ટઃ રિન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજની સગાઈ નથી થઈ, માત્ર…
નવી દિલ્હીઃ ભારતના ક્રિકેટ-સ્ટાર રિન્કુ સિંહે સમાજવાદી પાર્ટી (સપા)ની સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી હોવાના સમાચારને પ્રિયાના પિતા અને સપાના વિધાનસભ્ય તૂફાની સરોજે ખોટા બતાવ્યા છે અને એને લગતા અહેવાલોને અફવા ગણાવીને ફગાવી દીધા છે.
તેમણે એક જાણીતી ન્યૂઝ ચૅનલને કહ્યું કે રિન્કુ સિંહના ઘરવાળાઓએ અલીગઢમાં સીજેએમના હોદ્દા પર નીમાયેલા અમારા જમાઈને વાત કરી કે રિન્કુ અને પ્રિયાને એકમેકના જીવનસાથી બનાવી શકાય કે નહીં. અમે એ બન્નેના સંભવિત સંબંધો વિશે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ. લગ્નનો મામલો છે એટલે ખૂબ સમજી વિચારીને આગળ વધવું પડે. હા, એ બન્નેની સગાઈ થઈ હોવાના સમાચાર માત્ર અફવા જ છે.’
અગાઉ એવો અહેવાલ વાઇરલ થયો હતો કે ઇંગ્લૅન્ડ સામે બાવીસમી જાન્યુઆરીએ ઘરઆંગણે શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝ પહેલાં રિન્કુ-પ્રિયાએ સગાઈ કરી લીધી છે અને થોડા જ સમયમાં તેઓ લગ્નગ્રંથિથી જોડાઈ જશે.
રિન્કુ સિંહના કોચ મસૂદ ઝફર અમીનીએ એક જાણીતી ન્યૂઝ ચૅનલને આપેલી મુલાકાતમાં આ માહિતી આપી હોવાનો અહેવાલ બપોરથી ચગ્યો હતો.
આ પણ વાંચો: રિન્કુ સિંહે `પુષ્પા-ટૂ’ના અલ્લુ અર્જુનની સ્ટાઇલ રીક્રીએટ કરી, વીડિયો વાઇરલ થયો…
અહેવાલ મુજબ મસૂદ ઝફરે કહ્યું કે પ્રિયા સરોજના પિતા (જેમનું નામ તૂફાની સરોજ છે) 16મી જાન્યુઆરીએ સરોજ અને બીજા સંબંધીઓ સાથે અલીગઢ આવ્યા હતા અને અલીગઢ ઓઝોન સિટીમાં કાર્યક્રમ થયો હતો જેમાં પારિવારિક સભ્યોની હાજરીમાં સગાઈની વિધિ યોજાઈ હતી.
26 વર્ષની પ્રિયા સરોજે 2024ની લોકસભાની ચૂંટણીમાં મછલીશહર બેઠક પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર જીત હાંસલ કરી હતી. તેણે બીપી સરોજ નામના હરીફને 35,850 મતથી હરાવ્યા હતા.
રિન્કુ સિંહ 27 વર્ષનો છે. તેનો જન્મ 1997માં ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરમાં થયો હતો. પ્રિયા સરોજનો જન્મ 1998માં વારાણસીમાં થયો હતો. પ્રિયાએ સ્કૂલનો અભ્યાસ દિલ્હીની ઍર ફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાં પૂરો કર્યો હતો. ત્યાર બાદ તેણે દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં આર્ટ્સમાં ગે્રજ્યૂએશન કર્યું હતું. ત્યાર પછી પ્રિયાએ નોઇડાની એમિટી વિશ્વ વિદ્યાલયમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી.
આ પણ વાંચો: શાહરુખ-પુત્ર અબરામનો રિન્કુ સિંહને વાઇડ બૉલ, કિંગ ખાને આપી દીધો કૅચ
પ્રિયાના પિતા તૂફાની સરોજ પણ ત્રણ વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ કેરાકત બેઠક મતવિસ્તારમાં સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય છે.
લેફ્ટ-હૅન્ડ બૅટર રિન્કુ ભારત વતી બે વન-ડે અને 32 ટી-20 મૅચ રમી ચૂક્યો છે. તેના નામે કુલ 550થી વધુ આંતરરાષ્ટ્રીય રન છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 50 મૅચમાં 3,336 રન બનાવ્યા છે જેમાં સાત સેન્ચુરી અને બાવીસ હાફ સેન્ચુરી સામેલ છે.