World Bank એ ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ જાહેર કર્યો, કહી આ વાત
નવી દિલ્હી : ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન વચ્ચે વર્લ્ડ બેંકે(World Bank)ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોના આર્થિક વિકાસનો અંદાજ જાહેર કર્યો છે. જેમાં એપ્રિલ 2025થી સતત બે વર્ષ સુધી ભારતનો આર્થિક વિકાસ દર (GDP)6.7 ટકા દરે સ્થિર રહેવાનો અંદાજ છે. વર્લ્ડ બેંકે દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારતનો આર્થિક વિકાસ દર સકારાત્મક રહેવાનું જણાવ્યું છે.
ખાનગી રોકાણમાં વધારો થવાની સંભાવના
વર્લ્ડ બેંકના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2025-26માં દક્ષિણ એશિયામાં વિકાસ દર વધીને 6.2 ટકા થવાની ધારણા છે. જેમાં ભારતની મજબૂત વૃદ્ધિનો સમાવેશ થાય છે. તેમજ એપ્રિલ 2025 થી આગામી બે નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી 6.7 ટકાના દરે સ્થિર રહેવાની ધારણા છે. જેમાં ખાસ કરીને ભારતમાં સેવા ક્ષેત્રના વિસ્તરણની અપેક્ષા છે. તેમજ પ્રોડકશનમાં પણ વધારો થવાની શક્યતા છે. જ્યારે રોકાણકારોને પણ સકારાત્મક વાતાવરણ મળતા બજારમાં તેજી જોવા મળી શકે છે. તેમજ ખાનગી રોકાણમાં વધારો થવાની સંભાવના છે. નાણાકીય વર્ષ 2024-25 માં ભારતનો જીડીપી ઘટીને 6.5 ટકા થવાનો અંદાજ છે. જે નબળી આર્થિક ગતિવિધીઓને પ્રતિબિંબિત કરે છે.
મેક્રો ઇકોનોમિક નીતિઓ અપનાવવામાં આવી
વર્લ્ડ બેંકે ભારત ઉપરાંત દક્ષિણ એશિયા ક્ષેત્રમાં વિકાસ દર 2024 માં વધીને 3.9 ટકા થવાની ધારણા છે. જે મુખ્યત્વે પાકિસ્તાન અને શ્રીલંકાના વિકાસ દરમાં સુધારો દર્શાવે છે. આ દેશોમાં આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે વધુ સારી મેક્રો ઇકોનોમિક નીતિઓ અપનાવવામાં આવી છે અને આ પરિણામ જોવા મળી રહ્યા છે.