સૈફ અલી ખાન પર છરીનો હુમલો: સરકાર, પોલીસે ઝડપથી કાર્યવાહી કરી; મુંબઈ સૌથી સુરક્ષિત શહેર: બાવનકુળે
નાગપુર: મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે અભિનેતા સૈફ અલી ખાન પર છરીના હુમલાના કેસમાં ઝડપી પ્રતિસાદ આપ્યો હતો, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મુંબઈ દેશનું સૌથી સુરક્ષિત શહેર છે.
ગુરુવારે વહેલી સવારે બાન્દ્રામાં તેમના 12મા માળના ફ્લેટમાં એક ઘૂસણખોરે વારંવાર છરીથી હુમલો કર્યા બાદ સૈફ અલી ખાન (54)ને ગંભીર ઈજાઓ થઈ હતી. ડોકટરોના જણાવ્યા અનુસાર તેમની ઇમરજન્સી સર્જરી કરવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ છે.
આ હુમલા બાદ કોંગ્રેસ, એનસીપી (એસપી) અને શિવસેના (યુબીટી) સહિત વિપક્ષી પક્ષોના નેતાઓએ જણાવ્યું હતું કે સૈફ અલી ખાન પરના હુમલાથી સાબિત થાય છે કે રાજ્યમાં સેલિબ્રિટીઓ પણ સુરક્ષિત નથી, અને ગૃહ વિભાગ સંભાળતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે.
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા, બાવનકુળેએ કહ્યું હતું કે, સરકારે આવી ઘટનાઓને ગંભીરતાથી લીધી છે, અને મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સરકાર અને પોલીસે હુમલાની નોંધ લીધી હતી અને ઝડપથી પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો : સૈફ અલી ખાન હુમલો કેસઃ શંકાસ્પદની પોલીસે કરી અટકાયત
‘અમે જોયું છે કે અંબાણીના નિવાસસ્થાન (ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા) પાસે બનેલી ઘટના પર તત્કાલીન સરકારે કેવી પ્રતિક્રિયા આપી હતી. અમે આ ઘટનાઓની તુલના કરવા માંગતા નથી, પરંતુ મુંબઈ એક સલામત સ્થળ અને દેશનું સૌથી સુરક્ષિત શહેર છે. મુંબઈ અને મહારાષ્ટ્ર પોલીસ સતર્ક છે, અને આવી ઘટનાઓ બને ત્યારે તેઓ કેવી રીતે પ્રતિસાદ આપે છે તે મહત્વપૂર્ણ છે. અમારા ગૃહ પ્રધાન યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે,’ એમ તેમણે કહ્યું હતું.
બાવનકુળે, જે રાજ્ય ભાજપના વડા પણ છે, તેમણે કહ્યું કે જિલ્લાઓને પાલક પ્રધાનો સોંપવાનો નિર્ણય બે થી ત્રણ દિવસમાં લેવામાં આવશે અને માહિતી આપી કે મુખ્ય પ્રધાન માઝી લડકી બહીણ યોજનાના હપ્તાઓ 26 જાન્યુઆરી પહેલા વહેંચવામાં આવશે. (પીટીઆઈ)