Saif Ali Khanને હોસ્પિટલ લઈ જનાર રિક્ષા ડ્રાઈવરને ખબર જ નહોતી કે તે…
મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) પર ગઈકાલે એટલે કે ગુરુવારે અજાણ્યા શખ્સ દ્વારા ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ સૈફ અલી ખાનનો મોટો દીકરા ઈબ્રાહિમ અલી ખાન તેને લોહીથી લથબથ હાલતમાં ઓટો રિક્ષામાં બેસાડીને લીલાવતી હોસ્પિટલ લઈ ગયો હતો. ઈબ્રાહિમ અને ખાન ખાનદાન સિવાય આ ઓટો રિક્ષાવાળો જ ઘટનાનો સાક્ષીદાર હતો. હવે ઓટો ડ્રાઈવરે એ રાતે શું-શું થયું હતું એનો આંખે દેખ્યો અહેવાલ આપ્યો છે…
ઓટો ડ્રાઈવરે આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે હું તો આવી રહ્યો હતો, ત્યારે દૂરથી એક અવાજ આવ્યો. તેમણે રિક્ષા રિક્ષા કરીને અવાજ લગાવ્યો પહેલાં તો હું ગભરાયો પણ ગેટમાંથી પણ અવાજ આવ્યો ત્યારે મેં યુ ટર્ન લીધો અને ગેટમાં જઈને ગાડી લગાવી. એ સમયે મને ખ્યાલ પણ નહોતો કે ઘાયલ વ્યક્તિ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન છે. તેમણે પેન્ટ અને કૂર્તો પહેર્યો હતો અને તેઓ લોહીમાં લથબથ હતા. હું આ જોઈને એકદમ અવાક થઈ ગયો. તેમને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમે એમને ઈમર્જન્સી ડોર પર લઈ ગયા. ત્યાં એમ્બ્યુલન્સ ઊભી હતી. એમ્બ્યુલન્સ હટી અને જ્યારે સાઈડમાં રિક્ષા લગાવી ત્યારે મેં જોયું કે અરે આ તો કોઈ સ્ટાર લાગે છે.
ડ્રાઈવરે એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં એવું પણ જણાવ્યું હતું કે સૈફ જાતે પોતે ચાલીને આવ્યો હતો અને એની સાથે ઘણા લોકો હતા. લેડિઝ અને નાનકડું બાળક પણ એમની સાથે હતો. રિક્ષામાંથી ઉતરીને પણ સૈફ જાતે જ હોસ્પિટલમાં ચાલતો ગયો, પણ ત્યાં સુધીમાં તો તેના બધા કપડાં લોહીથી ખરડાઈ ગયા હતા. મેં તો એમની પાસેથી ભાડાના પૈસા પણ ના લીધા. સૈફ ઘાયલ હાલતમાં પણ સતત પોતાના મોટા દીકરા ઈબ્રાહિમ સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો હોવાનું પણ રિક્ષાચાલકે વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : પાકિસ્તાન ક્રિકેટમાં ચાલતી હતી સૈફ અલી ખાનના કાકાની ‘બૉસગીરી’…
હોસ્પિટલ પહોંચતા જ તેમણે હોસ્પિટલના સ્ટાફને કહ્યું કે હું સૈફ અલી ખાન છું અને જલદી સ્ટ્રેચર લઈ આવો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાતે સૈફ અલી ખાનના ઘરમાં કોઈ અજ્ઞાત વ્યક્તિ ઘુસી આવી હતી અને તેણે પહેલાં સૈફને ત્યાં કામ કરતી મહિલા સાથે વિવાદ કર્યો હતો, પરંતુ સૈફ અલી ખાન સાથે હાથાપાઈ કરી હતી અને વ્યક્તિએ સૈફ પર ચાકુથી હુમલો કર્યો હતો અને વ્યક્તિ ફરાર થઈ ગઈ હતી.