આમચી મુંબઈ

મીરા રોડમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ

થાણે: મીરા રોડમાં નવો મોબાઈલ ફોન અપાવવાને બહાને મિત્રના ઘરે લઈ જઈ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં વિશેષ પોક્સો કોર્ટે 31 વર્ષના આરોપીને 10 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.

પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળના કેસોની સુનાવણી કરતી વિશેષ અદાલતના જજ રુબી યુ. માલવણકરે આરોપીને કસૂરવાર ઠેરવી પચીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

તપાસકર્તા પક્ષ અનુસાર આરોપી મીરા રોડના કોશીમીરા વિસ્તારમાં સગીરાની પડોશમાં રહેતો હતો. પરિણીત આરોપીને ચાર સંતાન છે.

વિશેષ સરકારી વકીલ વર્ષા ચંદનેએ કોર્ટમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર, 2014માં આરોપી નવો મોબાઈલ ફોન લઈ આપવાને બહાને સગીરાને તેના મિત્રના ઘરે લઈ ગયો હતો, જ્યાં સગીરા પર આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો. ખટલા દરમિયાન પીડિતા સહિત 10 સાક્ષી તપાસવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મીરા રોડમાં જૂની અદાવતને લઇ વેપારીની ગોળી મારી હત્યા: બે આરોપી પકડાયા

આરોપી વિરુદ્ધના આરોપો સિદ્ધ કરવામાં તપાસકર્તા પક્ષ સફળ રહ્યો હોવાનું જજે આદેશમાં નોંધ્યું હતું.

કોર્ટે એવું ધ્યાનમાં લીધું છે કે આરોપી યુવાન છે. તેના પર પરિવારને સંભાળવાની જવાબદારી છે. તેથી બધાં પાસાઓને ધ્યાનમાં રાખી તેને 10 વર્ષ સુધીની સજા અને દંડ કરવાનું યોગ્ય રહેશે, એવું જજે જણાવ્યું હતું. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button