Corruption Case: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અને પત્નીની મુશ્કેલીમાં વધારો
ઇમરાન ખાનને 10 લાખ અને બુશરા બીબીને 5 લાખનો દંડ કરવામાં આવ્યો
લાહોરઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર મામલે પૂર્વ પીએમ ઇમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને દોષિ જાહેર કરવામાં આવ્યા હતા. પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે તેની પત્ની બુશરા બીબીને 7 વર્ષની સજા સંભળાવાઈ હતી. ઈમરાન ખાનને 10 લાખ રૂપિયા અને તેની પત્નીને 5 લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો. જો બંને દંડ ન ભરે તો ઇમરાન ખાનને વધુ છ મહિના અને બુશરાને 3 મહિનાની સજા કાપવી પડશે.
પાકિસ્તાનની એક કોર્ટે શુક્રવારે પૂર્વ પીએમ ઇમરાન ખાન અને તેની બુશરા બીબીને અલ-કાદિર ટ્રસ્ટ મામલે ભ્રષ્ટાચારમાં દોષિ જાહેર કર્યા હતા. આ મામલે ન્યાયાધીશ નાસિર જાવેદ જાણાએ ફેંસલો સંભળાવ્યો હતો. ઇમરાન ખાન પર 1 મિલિયન પાકિસ્તાની રૂપિયા અને તેની પત્ની બુશરા બીબીને 5,00,000 પાકિસ્તાની રૂપિયાનો દંડ લગાવ્યો હતો. આ મામલે એનબીએ ડિસેમ્બર 2023માં ઇમરાન ખાન, બુશરા બીબી તથા છ અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : રાજકીય મતભેદ ઉકેલવા પાકિસ્તાન સરકાર અને ઇમરાન ખાનની પાર્ટી વચ્ચે ગુરુવારે બેઠક
શું છે મામલો
આ મામલો અલ કાદિર ટ્રસ્ટ યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. ઇમરાન ખાન વડાપ્રધાન હતો ત્યારે તેની પત્ની બુશરા બીબીએ પીટીઆઈના કેટલાક નેતાઓ સાથે મળીને અલ કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ બનાવ્યું હતું. જેનો ઉદ્દેશ પંજાબના સોહાવા જિલ્લામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે અલ કાદિર યુનિવર્સિટી સ્થાપવાનો હતો. ટ્રસ્ટના કાર્યાલયનો ઉલ્લેખ બની ગાલા હાઉસ, ઇસ્લામાબાદ તરીકે કરવામાં આવ્યો હતો.
આ યુનિવર્સિટી માટે ઈમરાન અને તેની પત્નીએ એક રેસિડેન્શિયલ કોમ્પલેક્સની જમીન ગેરકાનૂની રીતે પડાવી હતી. આ માટે બંનેએ પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ મલિક રિયાઝને ધમકી પણ આવપી હતી. ઈમરાનની પત્ની બુશરા બીબી તરફથી પાંચ કેરેટના હીરાની વીંટી માંગવામાં આવી હોવાની વાત પણ સામે આવી હતી. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન, તેની પત્ની બુશરા બીબી તથા અન્ય પીટીઆઈ નેતાઓ પર રાષ્ટ્રીય ખજાનાના આશરે 50 અબજ પાકિસ્તાની રૂપિયાને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. ઇમરાન ખાન 2023થી જેલમાં બંધ છે. તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપો રાજનીતિથી પ્રેરિત હોવાનો આરોપ લગાવી રહ્યો છે.