વેપાર

ઝવેરી બજારમાં સોનાના ભાવમાં આગેકૂચ, ચાંદીમાં ઘટાડો, જાણો આજના ભાવ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવાનો આશાવાદ સપાટી પર આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ગત 12મી ડિસેમ્બર પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ધીમો પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો તેમ જ ચાંદીના ભાવમાં પણ પીછેહઠ જોવા મળી હતી.

આમ વૈશ્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 114થી 115ની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 1029નો પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2234નો ઉછાળો આવ્યા બાદ આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1029ના ઘટાડા સાથે રૂ. 90,755ના મથાળે રહ્યા હતા.

આપણ વાંચો: Bullion Market: મુંબઈના ઝવેરી બજારમાં સોનાના ભાવમાં તેજી, જાણો આજના સોનાચાંદીના ભાવ?

જોકે, મધ્યસત્ર દરમિયાન સોનામાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 114 વધીને રૂ. 78,981 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 115 વધીને રૂ. 79,299ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી એકંદરે પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગઈકાલે રેટ કટના આશાવાદ હેઠળ ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ નોંધાતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ગત 12 ડિસેમ્બર પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે વધ્યા મથાળેથી ભાવ સાધારણ 0.1 ટકા વધીને ઔંસદીઠ 2709.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં પણ ભાવ 0.4 ટકા ઘટીને ઔંસદીઠ 2740 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આપણ વાંચો: Gold Market: ઝવેરી બજારમાં સોનાના ભાવમાં જોવા મળ્યો સુધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ

નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં હાજર સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ પણ વધ્યા મથાળેથી 0.7 ટકા ઘટીને ઔંસદીઠ 30.57 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકાના ફુગાવાના ડેટા જાહેર થયા બાદ રેટ કટના આશાવાદે ડૉલરમાં નરમાઈનું વલણ રહેતાં વૈશ્વિક સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં વિશ્લેષક અજય કેડિયાએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતાનુસાર આગામી ટૂંકા સમયગાળામાં સોનામાં આૈંસદીઠ 2694 ડૉલરની સપાટી મહત્ત્વની સપાટી અને 2720 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થશે અને જો આ પ્રતિકારક સપાટી કુદાવે તો ભાવ વધીને 2770 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.

આપણ વાંચો: સોનાના ભાવમાં ઉછાળો, ફટાફટ ચેક કરો આજનો ભાવ

ગત બુધવારે અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પશ્ચાત્‌‍ આ વર્ષે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ વખત કાપ મૂકે તેવી શક્યતા વધી હોવાનું ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે જણાવતા કહ્યું હતું કે જો અમેરિકાના આર્થિક ડેટાઓ નબળા આવે તો ફેડરલ રિઝર્વ આ વર્ષે ત્રણથી ચાર વખત વ્યાજદરમાં કાપ મૂકી શકે છે.

જોકે, એએનઝેડનાં વિશ્લેષકોનું માનવું છે ક્ે વ્યાજદરમાં કપાતનો આધાર આર્થિક ડેટાઓ ઉપરાંત વૈશ્વિક રાજકીય-ભૌગોલિક અનિશ્ચિતતાઓ પર હોવાથી એકંદરે વર્ષ 2025માં સોનાના ભાવની વધઘટનો આધાર પરંપરાગત માગ, વ્યાજદર અને ડૉલર ઈન્ડેક્સની વધઘટ પર રહેશે. હવે બજારની નજર આગામી સપ્તાહથી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ હોદ્દો અખત્યાર કર્યા બાદ કેવી નીતિઓ અપનાવે છે તેના પર સ્થિર થઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button