નવી દિલ્હીઃ વંદે ભારત ટ્રેનની લોકપ્રિયતા સાથે સાથે ભારતીય રેલવે વધુ એક આધુનિક સૂપરફાસ્ટ ટ્રેન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય રેલવેને (Indian Railway) આધુનિક ટેકનોલોજી અને સુવિધાથી સજ્જ કરવામાં આ રહી છે, જે અન્વયે તાજેતરમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) કહ્યું હતું કે દેશમાં આગામી મહિનામાં અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. આગામી બે વર્ષમાં 50 નવી અમૃત ભારત ટ્રેનનો (Amrit Bharat Train) સેટ તૈયાર થઈ દશે. આ ટ્રેન 130ની સ્પીડે દોડશે. આ ટ્રેન સસ્તું ભાડું, સુરક્ષિત અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. અમૃત ભારત ટ્રેનનો ઉદ્દેશ લાંબા અંતરની યાત્રાને આરામદાયક બનાવવાનો છે. જે લોકો ઓછા ભાડામાં ઉત્કૃષ્ટ સેવા ઈચ્છે છે તેમના માટે આ સુવિધા ખાસ હશે. પ્રથમ રેક થોડા દિવસોમાં જ તૈયાર થઈ જશે, જ્યારે માર્ચ 2025 સુધીમાં ચાર ટ્રેન તૈયાર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
અમૃત ભારત 2.0 અંતર્ગત ટ્રેનમાં 12 મોટા બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં કોચને જોડવા અને અલગ કરવા માટે અર્ધ સ્વચાલિત કપલર, ઇમરજન્સી બ્રેક મારવા માટે ઇલેક્ટ્રોનિક પાવર બ્રેક સિસ્ટમ, શૌચાલયોમાં સ્વચાલિત સ્વચ્છતા નિયંત્રણ પ્રણાલી જેવા નવતર પ્રયોગો સામેલ છે. આ ઉપરાંત અમૃત ભારત ટ્રેન ડબલ એન્જિન દ્વારા આસાનાથી 130 કિમીની પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ હશે. આ ટ્રેનોના બંને તથા લોકોમોટિવ એન્જિન પુશ-પુલ ઓપરેશન માટે તૈયાર રહેશે. જેનાથી એન્જિન બદલવાનો સમય પણ બચશે.
આધુનિક સુવિધાથી હશે સજ્જ
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. જેમાં ફોલ્ડેબલ સ્નેક ટેબલ, મોબાઇલ હોલ્ડર, શ્રેષ્ઠ સીટ અને બર્થ, રેડિયમ ફ્લોરિંગ સામેલ છે. ઉપરાંત શૌચાલયોમાં સ્વચાલિત સોપ ડિસ્પેંસર, એફઆરપી મોડ્યુલર ડિઝાઇન અને એરોસોલ આધારિત ફાયર સિસ્ટમ જેવી સુવિધાઓ પણ હશે. દરેક કોચમાં બે ભારતીય અને બે વેસ્ટર્ન ટોયલેટ હશે. ઉપરાંત દિવ્યાંગો માટે વિશેષ શૌચાલય પણ હશે. આ ટ્રેનોનું ઈન્ટીરિયર અને એક્સટીરિયર પહેલાથી ઘણું અલગ અને આકર્ષક હશે.
Also read: ભારતને ‘અમૃત કાળ’ કરતા ‘શિક્ષા કાળ’ની વધારે જરૂર: ખડગે
સુરક્ષાને આપી છે પ્રાથમિકતા
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ અમૃત ભારત ટ્રેનમાં સુરક્ષાને પ્રાથમિકતા આપીને ક્રેશવર્થી કપલર, ઑન બ્રોડ કંડીશન મોનિટરિંગ સિસ્ટમ, ઇમરજન્સી લાઇટ જેવી ટેકનિકને પણ સામેલ કરવામાં આવી છે. આ ટ્રેનોમાં મોબાઇલ મોબાઇલ ચાર્જિંગ સોકેટ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ હશે. રેલ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ ટ્રેનો મુસાફરીના અનુભવને નવા સ્તર પર લઈ જશે.