ઇગ્લાસમાં 50 પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતન ધર્મમાં પાછા ફર્યા
દેશભરમાં સનાતન ધર્મને પુનર્જિવીત કરવા અને કપટપૂર્વક થઇ રહેલા ધર્માંતરણને રોકવા માટેના પ્રયાસો શરૂ થયા છે. આવા જ એક ઉમદા ઉદેશ્ય સાથે ઉત્તર પ્રદેશના અલીગઢ નજીક આવેલા ઇગ્લાસમાં ગાર્ગી કન્યા ગુરુકુલ અને અગ્નિ સમાજે મિશન હાથ ધર્યું છે, જેમાં તેમણે સનાતન ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવનારા 50 પરિવારોને સમજાવીને, સનાતન ધર્મ અને સંસ્કૃતિની બાબતમાં માહિતગાર કરીને ફરીથી વૈદિક જીવનશૈલી અને સનાતન ધર્મ સાથે જોડવામાં સફળતા મેળવી હતી. આ પરિવારો થોડા સમય પહેલા જ ખ્રિસ્તી ધર્મમાં જોડાયા હતા અને ખ્રિસ્તી રિતીરિવાજોનું પાલન કરવા માંડ્યા હતા.
ગાર્ગી કન્યા ગુરુકુલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ 50 પરિવારોને જુદા જુદા પ્રલોભનો આપીને લાલચની જાળમાં ફસાવવામાં આવ્યા હતા, જેણે કારણે તેમણે તમની ધાર્મિક ઓળખ અને સનાતની સંસ્કૃતિ ત્યાગી દીધી હતી. હવે તેમની સમજાવી પટાવી ઘર વાપસી કરાવવામાં આવી હતી.
આ 50 પરિવારોની સનાતન ધર્મમાં વાપસી માટે હવન અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જાતિવાદથી દૂર રહેવાની, માંસાહારી ખોરાક નહીં ખાવાની, દારૂ નહીં પીવાની અને અશ્લીલ સાહિત્યથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કરી હતી. તેમણે યજ્ઞમાં આહુતિ અપીને તેમની સાંસ્કૃતિક ઓળખ ફરીથી સ્વીકારવાની પ્રતિજ્ઞા પણ કરી હતી. ત્યાર બાદ ‘સનાતન ધર્મ કી જય’ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરી આ 50 પરિવારોને સનાતન ધર્મ સાથે ફરીથી જોડવામાં આવ્યા હતા.
અગ્નિ સમાજની સ્થાપના આઇઆઇટી ગ્રેજ્યુએટ અને વૈદિકના જાણકાર સંજીવ નેવરે કરી છે.
Also read: Rahul Gandhi મોડી રાતે દિલ્હી એઈમ્સ પહોંચ્યા; કેન્દ્ર સરકાર અને કેજરીવાલ પર કર્યાં પ્રહાર
તેમની સંસ્થાનો હેતું દેશમાં થઇ રહેલા બળજબરીપૂર્વકના ધર્માંતરણને રોકવાનો અને વૈદિક પરંપરાઓને પુનર્જિવીત કરવાનો છે. ગાર્ગી કન્યા ગુરુકુલનો પણ સમાન ઉદ્દેશ છે. તેથી તેઓ દ્વારા મળીને ધર્માંતરણ રોકવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશનો અલીગઢ જિલ્લો અવારનવાર બળજબરીપૂર્વકના ધર્માંતરણના સમાચારોમાં ચમકતો હોય છે. તેવામાં અહીં ઘટેલી ધર્માંતરણ રોકવાની સફળ ઘટનાથી લોકોમાં વૈદિક પરંપરા માટે વધુ જાગૃતિ આવશે એ નિર્વિવાદ છે.