શાહરૂખ ખાનને પણ નિશાન બનાવવાની હતી તૈયારી! પોલીસ તપાસ શરૂ
ગયા વર્ષે બોલિવૂ ડ અભિનેતા સલમાન ખાનના ઘર પર ગોળીબાર અને ત્યાર બાદ તેમને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. એ વાતને હજી થોડા દિવસ વિત્યા છે, ત્યાં તો હવે અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં 16 જાન્ઉઆરીના રોજ ચોરે ઘુસીને તેમના પર હુમલો કર્યો.તેમના પર ચાકુના છ વાર કરવામાં આવ્યા. આ બધી ઘટના બાન્દ્રા જેવા પોશ વિસ્તારમાં બની છે, જ્યાં સેલિબ્રિટીઝના રહેઠાણો આવેલા છે. આ ઘટનાઓથી બોલિવૂડમાં ખળભળાટમચી ગયો છે. હવે એવા સમાચાર જાણવા મળ્યા છે કે તાજેતરમાં કોઇ અજાણ્યા શખસે શાહરૂખ ખાનના ઘરની રેકી કરી હતી. શાહરૂખ ખાનના ઘર મન્ન્તની પાસે આવેલા રિટ્રીટ હાઉસની પાછળની તરફથી 6થી 8 ફૂટ ઊંચી લોઢાની સીડી લગાવીને તેમના ઘરમાં ડોકિયું કરવાની કોશિશ કરવામાં આવી હતી. પોલીસને શક છે કે શાહરૂખ ખાનના ઘરની રેકી કરવાવાળો અને સૈફના ઘરમાં ઘુસીને તેમને ઘાયલ કરનારો વ્યક્તિ એક જ છે.
શાહરૂખ ખાનના ઘરની પાસે લાગેલા સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. પોલીસ પાસે સૈફ અલી ખાનના બિલ્ડિંગમાં ઘુસેલા શખ્સના સીસીટીવી ફૂટેજ પણ છે. ફૂટેજમાં જોવા મળતા વ્યક્તિના કદ કાઢી અને સૈફ અલી ખાનના ઘરમાં ઘુસનાર વ્યક્તિના કદ, કાઠી એકદમ મળતા આવે છે. આ ઉપરાંત પોલીસનું એવું પણ માનવું છે કે આ વ્યક્તિ એકલો નથી કારણ કે રેકી માટે જે લોખંડની સીડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કોઇ વ્યક્તિ એકલો ઉપાડવા સક્ષમ ના હોઇ શકે. તેને ઉપાડવા માટે બીજા બેથી ત્રણ લોકો તો જોઇએ જ. સૈફ અલી ખાન પરના હુમલા બાદ પોલીસની ટીમ ફરી એકવાર શાહરૂખ ખાનના ઘરે ગઇ હતી. આ મામલે શાહરૂખ ખાને તો કોઇ ફરિયાદ નોંધાવી નથી, પણ પોલીસ હવે બંને ઘટનાઓની સાથે તપાસ કરી રહી છે.
Also read:પતિ સૈફ પર થયો હુમલો ત્યારે કરિના ક્યાં હતી?
મુંબઇ પોલીસે સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પણ એક શંકાસ્પદ વ્યક્તિની અટક કરી છે. સૈફના ઘરની નોકરાણીને પણ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ નોકરાણીએ જ ઘરમાં ચોરને જોઇને બુમરાણ મચાવ્યું હતું, જેના અવાજથી જાગીને સૈફ અલી ખાન બહાર આવ્યા હતા અને તેમનો ચોર સાથે સામનો થયો હતો. ચોરના ચાકુના વારથી સૈફ ઘાયલ થયા હતા અને તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સર્જરી કરવામાં આવી હતી. હવે તેઓ ખતરાની બહાર છે. સૈફ પરના હુમલા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી એક આરોપીની ઓળખ કરી હતી. હુમલા બાદ આ આરોપી બાન્દ્રા રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો. મુંબઇ પોલીસે 35 ટીમ બનાવી છે જે આ મામલાની તપાસ કરી રહી છે.