Gujarat Politics: ગુજરાત ભાજપ સંગઠનમાં જિલ્લા-શહેર પ્રમુખોની ક્યારે થશે નિમણૂક?
ગાંધીનગરઃ ગુજરાત ભાજપ સંગઠનમાં જિલ્લા-શહેર પ્રમુખોની નિમણૂકમાં વિલંબ થઈ રહ્યો છે. જેને લઈ નવા પ્રદેશ અધ્યક્ષના નામની હજુ જાહેરાત થઈ શકી નથી. ગુજરાત ભાજપમાં શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકનો મામલો ફરી એક વખત દિલ્હી સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે દિલ્હીમાં એક-બે દિવસમાં બેઠક યોજાશે. જેમાં કેન્દ્રીય પ્રતિનિધિ રાષ્ટ્રીય સ્તરે નિર્ણય કરીને યાદીને મંજૂરી આપી શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ આ મુદ્દે દિલ્હીથી મંજૂરી મળે પછી જ જાહેર કરવામાં આવશે. પક્ષના નિયમ અનુસાર જ્યાં સુધી અડધા જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રદેશ પ્રમુખની નિમણૂક પણ નહીં થાય. હાલ સંગઠન પર્વ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી ઉચ્ચ સ્તરે પણ નોંધ લેવામાં આવી છે. પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે પક્ષના મોવડી મંડળે નિરિક્ષક તરીકે ભૂપેન્દ્ર યાદવની નિરિક્ષક તરીકે નિમણૂક કરી છે.જોકે આ માટે તેઓ ગુજરાત આવે અને બેઠક કરે તે જરૂરી નથી. પ્રદેશ પ્રમુખના પદ માટે કોઈની પાસેથી દાવા માંગવામાં આવ્યા ન હોવાથી નિરિક્ષકે અહીં આવી બેઠક કરવી જરૂરી નથી. ભૂપેન્દ્ર યાદવનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થાય તે પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા રવિવારે ગુજરાત આવશે.
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં લાંબા સમયથી જિલ્લા અને શહેરોના પ્રમુખોની નિમણૂક થઈ શકી નથી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ સ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનો ગુજરાત પ્રવાસ નક્કી થતાં ભાજપના આંતરિક વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો છે.
આ પણ વાંચો…Coldplay કોન્સર્ટને લઈ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, અહીંથી કરી શકાશે બુકિંગ
ગુજરાતમાં જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખના નામની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે. રિપિટ અને નો રિપિટ થિયરીને લઇ અસમંજસ હોવાથી ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ નવા પ્રમુખોના નામની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.