ડાંગમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ, ધરતીપુત્રોની વધી ચિંતા
સુરતઃ ગુજરાતના વાતાવરણમાં ભર શિયાળે પલટો આવ્યો છે. ડાંગમાં ઠંડી વચ્ચે કમોમસી વરસાદ પડતાં ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. ડાંગ જિલ્લાના ચીંચલીમાં કમોસમી વરસાદ પડ્યો ઙતો. ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લઇ શિયાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદથી કેરી, ચીકુ, ચણા, ઘઉંના પાકને નુકસાન થવાની શક્યતા છે.
ગુજરાતમાં સાત દિવસ કેવું રહેશે વાતાવરણ
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી ઉપર જઈ શકે છે. અમદાવાદમાં આજે આકાશ સ્વચ્છ રહેશે. રાજ્યમાં સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. ગુજરાત ઉપરથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ફરી એક વખત આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો નોંધાશે. જેના કારણે લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે, જે આગામી બે-ત્રણ દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાસ થવાનું હતું તે ક્રોસ થઈ ગયું છે. પવનની દિશા હવે બદલાવાથી તાપમાનમાં વધારો થશે.
Also read: ડાંગમાં TDO એસીબીની છટકામાં ઝડપાયા, બિલમાં સહી કરવા માંગ્યા હતા રૂ.6000…
પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું, 18 જાન્યુઆરીથી ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. 18 તારીખ પછીથી ત્રણ દિવસ ઝાકળનો રાઉન્ડ આવી શકે છે. આ ઝાકળનો રાઉન્ડ હળવો હશે અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં તેની વધારે અસર જોવા મળી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ઝાકળ જોવા મળી શકે છે. 19 જાન્યુઆરીથી પવનની ગતિમાં ઘટાડો થઈ શકે છે. આગામી સમયમાં પણ ઉત્તર અને ઉત્તર-પૂર્વના પવનો ચાલુ રહેશે પરંતુ 19 તારીખથી પવનની દિશા બદલાઇને ઉત્તર-પશ્ચિમ થઈ શકે છે.