મેટિની

ચહેરા-મોહેરા -પ્રકરણ: 15

મૈ તો તેરી પરીક્ષા કર રહા થા… સિર્ફ ધનવાન બનને કે લિયે જો લડકા યહાં તક આ ગયા હૈ, ઉસમેં કિતની હિંમત હૈ….!

પ્રફુલ્લ કાનાબાર

‘ઐસે કૈસે જાયેગા?’ નંદગીરી બીડીના એકસાથે બે-ત્રણ કસ મારીને ઠૂંઠું પગ નીચે દબાવીને ઊભા થયા. ઘરની અંદર ગયા. ગણતરીની ક્ષણમાં જ તે પરત આવ્યા ત્યારે તેમના હાથમાં રાઇફલ હતી. તેમણે રાઇફલ સોહમ સામે તાકી. સોહમને આખા શરીરે પરસેવો વળી ગયો. સોહમના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું…. પોતાની બરોબર સામે રાઇફલ તાકીને ઊભા રહેલા નંદગીરીને જોઈને સોહમને લાગ્યું કે નક્કી અહીં આવવામાં કાંઇક કાચું કપાઈ ગયું છે….

આમ તો જેલવાસ દરમ્યાન સોહમનો હિંમતનો ગુણ ખીલ્યો હતો. સોહમે પોતાની અંદરનો ગભરાટ છુપાવીને ચહેરા પર પરાણે હાસ્ય લાવીને કહ્યું: ‘મહારાજ મૈ તો કફન બાંધ કે નીકલા હું. અભી અભી એક ખૂન કી સજા કાટ કે આ રહા હું. મૈને અંકુશ કો ભી કહા થા કી અબ મૈ ખૂનખરાબા કા કામ કરના નહી ચાહતા.. મેરા લક્ષ્ય સિર્ફ ધનવાન બનના હૈ.’ સોહમ એક જ શ્વાસે બોલી ગયો. તેના શબ્દોની નંદગીરી પર ધારી અસર થઈ. નંદગીરી રાઇફલ નીચે મૂકીને ખડખડાટ હસી પડયા: ‘મૈ તો તેરી પરીક્ષા કર રહા થા. સિર્ફ ધનવાન બનને કે લિયે જો લડકા યહાં તક આ ગયા હૈ, ઉસમેં કિતની હિંમત હૈ ઔર હમ પર કિતના ભરોસા હૈ…’ નંદગીરી ખાટલા પર બેઠા એટલે સોહમ પણ મનમાં હાશકારા સાથે સામેના ખાટલા પર બેઠો નંદગીરીની આંખમાં જોઈને સોહમે કહ્યું: ‘મહારાજ, હિંમત ઔર ભરોસા ના હોતા તો યહાં તક કૈસે આતા?’

‘સહી બાત હૈ.. હવે મને પણ લાગે છે કે આ પ્લાનમાં તુ જરૂર સફળ થઈશ.’ ‘ભોલુ.. ઈસકી આજ રાતકી વાપી કી ટિકિટ બૂક કરવા દે.’ નંદગીરીએ બીજી બીડી સળગાવી. ભોલુ દોડીને અંદર ગયો. સોહમના આશ્ચર્ય વચ્ચે થોડી વારમાં જ તે અંદરથી લેપટોપ લઈને આવી પહોંચ્યો. તેણે રેલવે રીઝર્વેશનનો ચાર્ટ ઑનલાઈન જોઈને કહ્યું: ‘બાપુ, આજ રાત મેં જગહ નહી હૈ. સબ ક્લાસ ફૂલ હૈ. ઠીક હૈ તો કલ સુબહ કી ટ્રેન કા કરવા દે. આજ રાત સોહમ યહીં પે રૂક જાયેગા. સોહમ પાસે તો કોઈ વિકલ્પ હતો જ નહી. જેમ નંદગીરી કહે તેમ જ કરવાનું હતું. હવે સોહમના મનનો ડર ગાયબ થઈ ગયો હતો. નંદગીરી સાથે વિશ્વાસનો સેતુ
રચાઈ ચૂક્યો હતો. નંદગીરી સાથેનું ખુદનું હકારાત્મક વલણ જ મંજિલ સુધી પહોંચવામાં સાથ આપશે એ વાત સોહમ સારી રીતે સમજતો હતો. હવે સોહમની મંજિલ એક જ હતી.

શક્ય હોય એટલું ધનવાન બનવાની! તે ચૂપચાપ બેઠો રહ્યો. સોહમની બાજુમાં બેસીને ભોલુએ તેને જરૂરી વિગત પૂછીને બીજા દિવસની સવારની ‘ગુજરાત એક્સપ્રેસ’માં સોહમની ટિકિટ બૂક કરાવી દીધી. સોહમ આશ્ચર્યથી ભોલુને તાકી રહ્યો. નંદગીરીએ હસતાં હસતાં કહ્યું: ‘બહોત હોશિયાર લડકા હૈ.. મેરા ભોલુ.. યે બારવી ફેલ નહીં હૈ… પાસ હૈ ઔર કૉમ્પ્યુટર ભી જાનતા હૈ!’

‘જા, બીજો નવો મોબાઈલ લઈ આવ!’ નંદગીરીએ ભોલુની સામે જોઈને આદેશના સૂરથી કહ્યું. ભોલુ દોડતો અંદર ગયો અને એક નવોનકોર મોબાઈલ લેતો આવ્યો. ભોલુએ મોબાઈલ સોહમને આપ્યો. સોહમ ચમક્યો. યહ તેરે લિયે હૈ.. રાસ્તે મેં ઈસ કી જરૂરત પડેગી.’ નંદગીરી બોલ્યા. ‘મહારાજ, લેકિન મૈ આપ કો યહ વાપસ કૈસે દુંગા?’ ‘વાપસ લેને કે લિયે નહિ દે રહા હું.. યહ તેરે લિયે હી હૈ.’ નંદગીરીએ હસતાં હસતાં
કહ્યું.

સોહમને સમજાઈ ગયું કે જે પ્લાનમાં તે દાખલ થઈ રહ્યો છે, તેના ભાગ રૂપે જ તેને મોબાઈલ આપવામાં આવી રહ્યો છે. સોહમને એ પણ સમજાઈ ગયું કે આ ગેમ શતરંજ જેવી છે. સામેવાળો ક્યારે કઈ ચાલ ચાલશે તે જાણવું મુશ્કેલ છે. તેનો રોલ તો શતરંજની રમતના એક પ્યાદા જેવો છે. તેને ચાલવાનું છે ખરું, પણ રમનારની મરજી મુજબ! ભોલુ મોબાઈલના ફંકશન્સ સોહમને સમજાવવા લાગ્યો. સોહમને પણ રસ પડયો. બપોરે બે વાગે સોહમ જમવા માટે નંદગીરી અને ભોલુ સાથે મકાનની અંદર પ્રવેશ્યો. બહારથી સાવ સામાન્ય દેખાતું મકાન અંદરથી ટીવી, ફ્રીઝ અને માઇક્રોવેવ ઓવન જેવા ઇલેક્ટ્રિક ઉપકરણોની સુવિધાથી સજ્જ હતું. વળી મકાનની અંદરની સ્વચ્છતા પણ ઊડીને આંખે વળગે તેવી હતી. નંદગીરી સાથે આસન પર સોહમ જમવા બેઠો ત્યારે ભોલુ પીરસવામાં લાગી ગયો હતો. આજે કેટલા દિવસ બાદ સોહમ ઘરની રસોઈ પેટ ભરીને જમ્યો હતો. જેલનાં રોટલાં તોડી તોડીને એ સ્વાદિષ્ટ રસોઈનો સ્વાદ પણ ભૂલી ગયો હતો…

ભોજન બાદ નંદગીરીએ ઉપરનો રૂમ સોહમને આરામ કરવા માટે ખોલી આપવાની ભોલુને સૂચના આપી. નંદગીરીએ બહાર
ખાટલા પર જ વડલા નીચે લંબાવ્યું. સોહમે જોયું કે આઠ પગથિયાં ઉપર બનાવેલો દસ બાય દસનો નાનકડો રૂમ અત્યંત સ્વચ્છ હતો. ઊંઘવા માટે ખાટલો અને પાણી પીવા માટે એક માટલું તથા ગ્લાસ… ખાટલા પર ચાદર વ્યવસ્થિત કરીને ઓશીકું મૂકતાં ભોલુ બોલ્યો:

‘આ બાજુ માથું રાખશો તો બારીમાંથી પવન સરસ આવશે અને ઊંઘ પણ આવી જશે. સોહમને અહીં આવ્યાને ત્રણેક કલાક થયા હતા, જેમાં તેને ભોલુ સાથે એકાંત પહેલી જ વાર મળ્યું હતું. ભરાવદાર શરીરવાળો અને નિર્દોષ ચહેરાવાળો ભોલુ ખરેખર સોહામણો હતો. ‘તું મહારાજનો દીકરો છે?’ સોહમથી અનાયાસે જ પુછાઈ ગયું. હું તો તેમના દીકરાથી પણ વિશેષ છું.’ ‘મતલબ?’ સોહમે પ્રશ્નાર્થ કર્યો. ભોલુએ બારીમાંથી નીચે નજર કરી. નંદગીરી ફળિયામાં વડલા નીચે ખાટલા પર વિશ્રામ કરી રહ્યા છે તે ભોલુએ ચેક કરી લીધું:

‘હું અનાથ છું. બાપુએ જ મને ઉછેરીને મોટો કર્યો છે. બાપુ મારા માટે ભગવાનથી પણ વિશેષ છે.’ ‘ઓહ..’ સોહમ વિચારમાં પડી ગયો. ‘કેટલાં વર્ષથી અહીં રહે છે?’ સમજણો થયો ત્યારથી. ગાંધીનગરની સરકારી સ્કૂલમાં ભણવા પણ જાઉં છું. આ વર્ષે બારમાની પરીક્ષા આપી.. હમણાં વૅકેશન છે.’ ભોલુએ સસ્મિત ચહેરે જવાબ આપ્યો: ભોલુ, મહારાજ તો કહેતા હતા કે તું બારમી પાસ છે.’ ‘હા.. એમને તો વિશ્વાસ છે કે હું પાસ થઈ જ જઈશ તેથી એમ બોલ્યા હશે.’ સોહમે વાતચીતનો દોર આગળ વધે તે હેતુથી જ પૂછયું: ‘કેમ તને વિશ્વાસ નથી કે તું પાસ થઇ જઈશ?’

‘સાચું કહું તો મને વિશ્વાસ નથી. ગણિતના પેપરમાં લોચો છે. જોકે નાપાસ થઈશ તોપણ હું કૉમ્પ્યુટરનો કોઈ ડિપ્લોમા કોર્સ કરી લઈશ.. મને તેમાં બહુ રસ છે. અચાનક નીચે કાંઇક ખખડાટ થતાં ભોલુ નીચે દોડી ગયો. સોહમે બારીમાંથી નીચે નજર કરી.. એક વાંદરો ફળિયામાં આવી ગયો હતો. ભોલુ લાકડી લઈને તેને ભગાડી રહ્યો હતો. કદાચ ભોલુ માટે આ પણ રોજનું કામ હશે તેમ વિચારીને સોહમે ખાટલામાં લંબાવ્યું. ઘણા સમય બાદ ભારે જમવાને કારણે સોહમની આંખ ક્યારે મળી ગઈ તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. સપનામાં આજે પહેલી જ વાર મા દેખાઈ: ‘દીકરા, તું એવા કોઈ રસ્તે ન જતો જ્યાં જવાથી તને અફસોસ થાય અથવા મુશ્કેલીમાં મુકાઈ જાય.’

‘મા, હું જે રસ્તે જઈ રહ્યો છું, તે અનિશ્ચિતતાથી ભરેલો છે, પરંતુ હવે તો મારી મંજિલ જ એ છે. તું મારી બિલકુલ ચિંતા ન કર. હું એવા કોઈ રસ્તે નથી જઈ રહ્યો જ્યાં જવાથી મને અફસોસ થાય.. હા અફસોસ તો એક વાતનો જીવનના અંત સુધી રહેશે કે હું તારી પાસેથી મારા પિતાનું નામ ન જાણી શક્યો… કાશ, નામ જાણી શક્યો હોત તો બસ એક વાર તેમને મળવાની ઇચ્છા હતી.’ સોહમની આંખમાં આંસુ ઊભરી આવ્યાં. માએ સાડીના ફાટેલા પાલવ વડે સોહમની આંખ લૂછતાં કહ્યું:

‘દીકરા, દરેક સંબંધ લેણદેણ પર આધારિત હોય છે. અફસોસ કરવાને બદલે હવે તારા ભવિષ્યનો જ વિચાર કર.’
‘મા, ભવિષ્ય બનાવવા માટે તો મેં આ તદ્દન અજાણ્યો રસ્તો પકડ્યો છે.’ અચાનક સોહમની આંખ ખૂલી ગઈ. સપનું તૂટી ગયું. તેણે પથારીમાં પડ્યા પડ્યા જ ખુલ્લી બારીમાંથી દેખાતા આકાશ તરફ જોયું. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. સોહમને નવાઈ લાગી કે તદ્દન અજાણી જગ્યામાં એ ચાર કલાક ઘસઘસાટ ઊંઘી ગયો હતો… નંદગીરીએ ખોરાકમાં ઘેન તો નહીં મેળવ્યું હોય ને?!
(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button