સાસ – બહુ અચાર પ્રાઈવેટ લિમિટેડ… સ્વાદિષ્ટ ફૅમિલિયર અથાણું!
ફિલ્મનામા -નરેશ શાહ
આ ‘ફિલ્મનામા’ કૉલમમાં ઉલ્લેખ પામેલી મોટા ભાગની વેબસિરીઝમાં એ મર્યાદા રહી છે કે તેને સહપરિવાર માણી શકાતી નથી, પરંતુ આ બધામાં એક પ્રોડક્શન હાઉસ એવું પણ છે કે, તેણે બનાવેલી વેબસિરીઝમાં તમને ઋષિકેશ મુખરજી, બાસુ ભટ્ટાચાર્ય, આસિત સેન અને ગુલઝારસાહેબની ફિલ્મો જેવી ખુશ્બો આવે. ટીવીએફ (ધ વાઇરલ ફિવર) દ્વારા બનાવેલી પંચાયત, યે મેરી ફૅમિલી, કોટા ફૅક્ટરી, ગુલ્લક સિરીઝ એવી છે કે તેને લોકોએ સપરિવાર માણી છે અને વ્યુઅરશીપ રેટમાં પણ ઊંચી પાયદાન પર સ્થાન પામી છે. આ જ પ્રોડક્શન હાઉસે બનાવેલી (અને ઝી ફાઇવ પર સ્ટ્રીમ થયેલી) ‘સાસ બહુ અચાર પ્રા.લિ.’ પણ નેચરલી, તેના નામમાં સ્પષ્ટ થાય છે તેમ, એક મેચ્યોર્ડ લેવલનો ફૅમિલી ડ્રામા છે.
‘મેચ્યોર્ડ’ શબ્દ અહીં સકારણ લખ્યો છે, કારણ કે સાસુ, બહુ અને અથાણાંની વાત કરતી આ વેબસિરીઝમાં સીધાસપાટ સંબંધો દર્શાવવામાં આવ્યા નથી, પરંતુ એ સંબંધોમાં એકવીસમી સદીની માનસિકતાના પડઘા પડે છે. અહીં દીપક શ્રીવાસ્તવ (સમીર સોની) અને સુમન શ્રીવાસ્તવ (અમૃતા સુભાષ) નામના બચ્ચરવાળ દંપતીની વાત છે, પરંતુ બન્ને અલગ થઈ ગયાં છે. પત્ની સુમન અભણ કહી શકાય, એ પ્રકારની છે અને મોટા ભાગે આવી સ્ત્રી રસોઈકામમાં નિપુણ હોય છે. સુમન અથાણાં બનાવવામાં એક્સપર્ટ છે. એક દીકરી અને એક પુત્ર પછી પત્ની સુમનથી અલગ થઈ ગયેલો દીપક મનિષા (અંજના સુખાની)ને પોતાના ઘરે લઈ આવ્યો છે, જેને ખરા દિલથી પરિવારમાં કોઈ માન-સન્માન આપતું નથી.
ખુદ દીપકની માતા (સાસુ-યામિની દાસ) પણ પ્રથમ વહુ એટલે કે સુમન માટે સોફ્ટ કૉર્નર ધરાવે છે અને બેધડક અલગ રહેતી સુમનને મળવા, સપોર્ટ કરવા જતી-આવતી રહે છે. હાઉસવાઇફમાંથી ઘરભંગ થયેલી સુમન પગભર થઈને પોતાનાં બન્ને સંતાનોને, પોતાની પાસે લાવવા માગે છે અને એટલે હોમમેઇડ અથાણાંમાંથી કમાણી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ દરમિયાન શ્રીવાસ્તવ ફૅમિલી સાથે, જે કાંઈ બને છે, એ ‘સાસ બહુ અચાર પ્રા.લિ.’ની કથા છે.
અપૂર્વસિંહ કર્કીએ ડિરેક્ટ કરેલી છ એપિસોડની આ વેબસિરીઝની મજા આપસી સંબંધોમાં આવેલી ઉષ્મા, ઉકળાટ, અભાવ, સ્નેહ, વિશ્ર્વાસ અને આત્મવિશ્ર્વાસની વાત સરસ રીતે કરે છે. અલગ રહેતી માતા સાથે લગાવ હોવા છતાં એની નબળી આર્થિક સ્થિતિને
કારણે મોટી દીકરી ઘરમાં ચોરી કરે છે. પ્રથમ વહુનો અથાણાંનો બિઝનેસ ગોઠવાઈ જાય એ માટે ખુદ દાદી (સાસુ) પણ એક વખત ઘરમાંથી દાગીના ચોરીને પૈસાની વ્યવસ્થા કરી આપે છે તો પોતે જ સર્જેલા સંબંધોના આટાપાટાથી અપસેટ પતિ દીપકનો નાના પુત્ર ઉપર હાથ ઊપડી જાય છે અને એ ઘર છોડીને ચાલ્યો જાય છે તો… બીજીતરફ, એકલી રહીને સેટલ થવા ઝઝૂમી રહેલી સુમન સાથે પણ અથાણાંના બિઝનેસમાં અનેક સારા-માઠા પ્રસંગો બનતા રહે છે અને ‘સાસ બહુ અચાર પ્રા.લિ.’ જોતાંજોતાં તમને પણ હરિવંશરાય બચ્ચનની આ પંક્તિ ચરિતાર્થ થતી દેખાય છે:
‘જીવન હૈ તો સંઘર્ષ હૈ, સંઘર્ષ હૈ તભી તો જીવન હૈ!’ જિંદગી ક્યારેય, કોઈની એકધારી સુરેખ હોતી નથી. તેમાં નાના-મોટા ઉતારચઢાવ આવતાં રહે છે. ઉતાર તમને અકળાવે તો ચઢાવ તમને ચાનક ચડાવે… સમીર સોની, અમૃતા સુભાષ અને અંજના સુખાની અભિનીત આ વેબસિરીઝ આ બધી વાતોની સતત ગવાહી આપતી રહે છે. દાદી સહિત બધાનો અભિનય સંયમિત અને સચોટ છે, પરંતુ નવી વહુના પાત્રાલેખનની વિશેષતા એ છે કે તમને તેના માટે ધિક્કાર નથી જાગતો અને હા, આ સિરીઝનું લેખન- છ લેખકોએ કર્યું છે અને એમની જહેમત અહીં સફળ થઈ છે.