ઈસ ડાયલોગ કી ગૂંજ હંમેશા સુનાઈ દેગી…!
ફિલ્મની કઈ વાત દર્શકોના હૃદયને સ્પર્શી જાય એનાં કોઈ ગણિત નથી હોતાં. એક ડાયલોગ પણ ચિત્રપટનાં વાજાં વગાડવાનું કામ કરી શકે છે
હેન્રી શાસ્ત્રી
દામિની, મોગેમ્બો, યશવંત ‘પુષ્પા-2: ‘ધ રુલ’ બૉક્સ ઑફિસ પર દે ધનાધન ચાલી રહી છે. હિન્દીમાં ડબ થયેલા વર્ઝને અધધ વકરો કરી લીધો છે. ફિલ્મને મળેલી ધોધમાર નહીં બારે મેઘ ખાંગા થયા હોય એવી સફળતા પાછળ કોઈ એક કારણ ન આપી શકાય, પણ ફિલ્મનો ‘દસ રૂપિયા હો યા દસ કરોડ, મૈં સબસે વસૂલેગા. ફિર વો ઉપરવાલા હો યા નીચેવાલા મંગલ સિંહ, મૈં સબ કો લપેટે મેં લે ડાલેગા. મૈં હૂં પુષ્પા, પુષ્પા રાજ. મૈં ઝૂકેગા નહીં સાલા!’
આ ડાયલોગનો ફિલ્મની સફળતામાં ધોધમાર ફાળો છે એ નિ:શંક બાબત છે. જેમ એક તસવીર એક હજાર શબ્દોની ગરજ સારે છે એમ એક ડાયલોગ વાર્તા કરતાં વધુ ચમત્કૃતિ દેખાડી શકવાનું કૌવત ધરાવે છે. એમાંય જ્યારે અલ્લુ અર્જુન દાઢી નીચેથી હથેળી ફેરવી ‘મૈં ઝૂકેગા નહીં, સાલા!’ બોલે છે ત્યારે ઑડિયન્સ ગજબના હર્ષોલ્લાસથી ઊછળી પડે છે. કોઈ તાળીઓ ઠોકે છે – કોઈ મુઠ્ઠી વાળીને હવામાં ઉછાળે છે તો કોઈ… વેલ, વિવિધ પ્રતિભાવ થિયેટરમાં દર્શકોના જોવા મળે છે.
‘ઝંઝીર’ના ‘યે પોલીસ સ્ટેશન હૈ તુમ્હારા બાપ કા ઘર નહીં’ ડાયલોગ સાંભળી દર્શકોના દિલને જે ટાઢક વળી હતી કંઈક એવા જ પ્રકારની ટાઢક ‘મૈં ઝૂકેગા નહીં સાલા’ સાંભળીને દર્શકોને થતી હોવી જોઈએ એવું અનુમાન ખોટું નથી. ન વ્યક્ત થઈ શકેલા આક્રોશનો પડઘો કર્ણપ્રિય અને હૃદયપ્રિય હોય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક હજાર કરોડનું સપનું જોતું કરનારી ‘બાહુબલી: 2 ધ ક્ધકલુઝન’ની ધૂંઆધાર સફળતા ‘બાહુબલી: ધ બિગિનિંગ’ના ‘કટપ્પાને બાહુબલી કો કયૂં મારા’ ડાયલોગને કારણે ઊભરેલી તાલાવેલીની મોટી ભરતીનો સિંહફાળો હતો એ તો ખુદ રાજામૌલી (ફિલ્મના દિગ્દર્શક) પણ સ્વીકારશે.
બોલપટના 94 વર્ષના ઈતિહાસમાં ફિલ્મ કરતાં અથવા ફિલ્મ ઉપરાંત એક (જૂજ કેસમાં એકથી વધુ) ડાયલોગ દર્શકોના ચિત્તમાં ચોંટી ગયો હોય, હૈયામાં કોતરાઈ ગયો હોય કે હોઠ પર રમતો રહ્યો હોય એવાં અનેક ઉદાહરણ છે.
‘મૈં હૂં પુષ્પા, પુષ્પા રાજ. મૈં ઝૂકેગા નહીં, સાલા’ એનું તાજું ઉદારણ છે. આજે આપણે કેટલાક અવિસ્મરણીય ડાયલોગની દુનિયામાં લટાર મારીએ. યાદી તો બહુ લાંબી છે, પણ એમાંથી કેટલાકની પસંદગી કરી છે. ‘અમુક રહી ગયો ને તમુક તો હોવો જ જોઈતો હતો’ એવો વિચાર વાચકને આવી શકે છે અને એ તમારો સો ટકા હક છે, પણ થોડી વાર માટે એ વિસારે પાડી આ ડાયલોગની દુનિયાનો આનંદ ઉઠાવો….
સાલા એક મચ્છર – યશવંત (1997)
ડાયલોગ: હૃદય લાની
છાતી ઠોકીને કહી શકાય કે ‘એક મચ્છર, એક મચ્છર સાલા આદમી કો હીજડા બના દેતા હૈ’ ડાયલોગ તમને જરૂર યાદ હશે, નાના પાટેકર પણ તમારા સ્મરણમાં હશે, પણ આ ડાયલોગ ફિલ્મ ‘યશવંત’નો છે એ મોટા ભાગના લોકો કાં તો ભૂલી ગયા હશે અથવા ખબર જ નહીં હોય. ફરી એ જ, મનુષ્યના આક્રોશનો પડઘો. આ ડાયલોગ ‘ઓલ ટાઈમ યાદગાર સંવાદની શ્રેણીમાં પલાંઠી વાળીને બેઠો છે. નાના પાટેકરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘આ એક લાંબા ડાયલોગની શરૂઆતની લાઈન છે. સંવાદમાં આગળ ‘આત્મા ઔર અંદર કા ઈન્સાન મર ચૂકા હૈ’ અને આક્રોશ વ્યક્ત કરતા અન્ય પ્રભાવી સંવાદ સુધ્ધાં છે, પણ દર્શકોના દિલમાં તો મચ્છરવાળો હિસ્સો જ ચોંટી ગયો છે.’
જા, સીમરન- ડીડીએલજે (1995)
ડાયલોગ: જાવેદ સિદ્દીકી
લગાતાર 30 વર્ષ સુધી દર્શકોમાં પ્રિય રહેલી આ ફિલ્મનાં અનેક પાસાં રસિકોને પસંદ પડ્યાં હતાં. ફિલ્મના લૉકેશન્સ, શાહરૂખ-કાજોલની કેમેસ્ટ્રી, સિમ્પલ સ્ટોરીમાં પ્રેમ અને યુવાનીની મુગ્ધતા વગેરે અને હા, ફિલ્મના કેટલાક ડાયલોગ. ‘બડે બડે શહરો મેં ઐસી છોટી છોટી બાતેં હોતી રહતી હૈ, સેનોરીટા’ તેમ જ ‘સપને જરૂર દેખો, બસ ઉનકો પૂરે હોને કી શર્ત મત રખો’ જેવા યાદગાર સંવાદ પણ ફિલ્મમાં છે. જોકે, ‘જા, સિમરન, જા… જી લે અપની જિંદગી’ને સૌથી વધુ તાળીઓનો ગડગડાટ મળ્યો હતો. કડક અને કઠોર સ્વભાવના પિતાનું મુલાયમ સ્વરૂપ દર્શકોને ડોલાવી ગયું.
તારીખ પે તારીખ – દામિની (1990)
ડાયલોગ: દિલીપ શુક્લ
સની દેઓલનું નામ પડતાં બે ડાયલોગ કોઈ પણ કડકડાટ બોલી જાય. એક છે ‘દામિની’નો ‘યે ઢાઈ કિલો કા હાથ જબ કિસી પર પડતા હૈ ના, તો આદમી ઊઠતા નહીં ઊઠ જાતા હૈ’ હીરોની તાકાત દર્શાવતો આ સંવાદ છે જોરદાર, પણ એમાં ચબરાકિયાપણું છે. શબ્દોનો ખેલ છે.
જોકે, આ જ ફિલ્મનો અન્ય એક ડાયલોગ ‘તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ મિલતી રહી હૈ લેકિન ઈન્સાફ નહીં મિલા, માય લોર્ડ… મિલી હૈ તો સિર્ફ યે તારીખ.’ આ સુધ્ધાં ચબરાકિયો ડાયલોગ છે, પણ એથી વિશેષ ન્યાયતંત્ર પર કટાક્ષ છે, જેને કારણે લોકોનો એની સાથે સીધો સંબંધ રચાય છે. આજે પણ અનેક સિનેપ્રેમીઓ કડકડાટ બોલી શકે છે.
મેરે કરણ-અર્જુન આયેંગે – કરણ અર્જુન (1995)
ડાયલોગ: અનવર ખાન
અંગ્રેજી અક્ષર ‘કે’થી શરૂ થતી ફિલ્મો બનાવવાનો આગ્રહ રાખતા રાકેશ રોશનની સુપરહિટ ફિલ્મના ‘મેરે કરણ અર્જુન આયેંગે’ સંવાદ આમ તો સાવ ફિક્કો અને ચીલાચાલુ છે, પણ ફિલ્મના સંદર્ભમાં અને એક્ટ્રેસ રાખીના અંદાજને કારણે દર્શકોના દિલમાં વસી ગયો હતો. તાજેતરમાં ફિલ્મ રિ-રિલીઝ થઈ ત્યારે પણ એનું સ્મરણ કરી રટણ કરવામાં આવ્યું હતું.
ટેન્શન લેને કા નહીં – મુન્નાભાઈ એમબીબીએસ (2003)
ડાયલોગ: અબ્બાસ ટાયરવાલા
એકવીસમી સદીમાં ‘દિલ ચાહતા હૈ’થી ફિલ્મ મેકિંગમાં નવી તાજગી જોવા મળી. ફરહાન અખ્તર, અબ્બાસ ટાયરવાલા, રાજકુમાર હિરાણી, વિકાસ બહલ ઇત્યાદિ મેક્રોની ફિલ્મના વિષયમાં, એનાં ગીત-સંગીતમાં તેમ જ એના ડાયલોગમાં ફ્રેશનેસ જોવા મળી. સંજય દત્તની આ સુપરહિટ ફિલ્મનો ડાયલોગ ‘ટેન્શન લેને કા નહીં, સિર્ફ દેને કા’ નવી પેઢીની માનસિકતાનું પ્રતિબિંબ છે. એટલે જ એ પસંદ કરવામાં આવ્યો અને હોઠ પર રમતો થઈ ગયો.
મોગેમ્બો ખુશ હુઆ – મિ. ઈન્ડિયા (1987)
ડાયલોગ: સલીમ – જાવેદ
અમિતાભ બચ્ચને જે ફિલ્મ કરવાની ના પાડી હતી એ શેખર કપૂર દિગ્દર્શિત ફિલ્મની સિક્વલ કેવળ વાતોનાં વડાં છે, નક્કર કશું નથી થયું. અલબત્ત, જો સિક્વલ બનશે તો અમરીશ પુરીનું પાત્ર અને અમરત્વ મેળવનાર ડાયલોગની જગ્યાએ શું હશે એ કુતૂહલનો વિષય છે.
‘મોગેમ્બો ખુશ હુઆ’ની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. સાવ સિમ્પલ સંવાદ પણ અમરીશ પુરીની સંવાદ ‘ફેંકવા’ની અદાને કારણે ચાહના મળી.
રમેશ સિપ્પીની ફિલ્મની વાત કરવા બેસીએ ત્યારે વીણી વીણીને વખાણ કરવા પડે એટલી બધી વાતો છે. જોકે, ફિલ્મ રિલીઝ થઈ (15 ઑગસ્ટ 1975, શુક્રવાર) ત્યારે પહેલા ત્રણ દિવસ તો થિયેટરમાં રીતસરના કાગડા ઊડતા હતા ને ફિલ્મ ‘ફ્લોપ’ પણ જાહેર થઈ ચૂકી હતી. જોકે, સોમવારથી ફિલ્મ એવી ચાલી, એવી ચાલી કે પછી દોડતી જ રહી. ફિલ્મ માટેનો અનુરાગ આળસ મરડી જાગ્યો એ માટે જે કારણ એ સમયે આપવામાં આવ્યાં હતાં એમાંનું એક કારણ હતું ફિલ્મના ડાયલોગની બહાર પડેલી રેકોર્ડ. ફિલ્મના ઘણા સંવાદ લોકોને મોઢે થયા હતા. આ ડાયલોગમાં પણ ભાષાની કે શબ્દોની સજાવટ નથી, પણ અમજદ ખાનની ડાયલોગ ડિલિવરી અને કથા સાથે એનું સંધાન હોવાથી દર્શકોમાં પ્રિય થઈ પડ્યો હતો.
આ ઉપરાંત, બીજા ઘણા ડાયલોગ છે જેને અમરત્વ પ્રાપ્ત થયું છે. આ એવા સંવાદ છે જે ફિલ્મના સંદર્ભમાં તો મહત્ત્વ ધરાવે જ છે, કેવળ એક ડાયલોગ તરીકે પણ એનું મૂલ્ય છે. જોઈએ કેટલાંક ઉદાહરણ:
દોસ્તી કા એક ઉસુલ હૈ મેડમ, નો સોરી, નો થેન્ક યુ – મૈંને પ્યાર કિયા (1989) ડાયલોગ: સૂરજ બડજાત્યા + રિશ્તે મેં હમ તુમ્હારે બાપ લગતે હૈં, નામ હૈ શહેનશાહ – શહેનશાહ (1988) ડાયલોગ: કાદરખાન + ડોન કા ઈંતઝાર તો ગ્યારહ મુલ્કોં કી પુલીસ કર રહી હૈ, લેકિન સોનિયા, એક બાત સમજ લો, ડોન કો પકડના મુશ્કીલ હી નહીં નામુમકિન હૈ – ડોન (1978), ડાયલોગ: સલીમ-જાવેદ + મૈંને તુમસે કિતની બાર કહા હૈ કી મુજસે યે આંસુ નહીં દેખે જાતે. આઈ હેટ ટીયર્સ, પુષ્પા – અમરપ્રેમ (1972), ડાયલોગ: રમેશ પંત + બાબુ મોશાય, જીંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં – આનંદ (1971), ડાયલોગ: ગુલઝાર + હાઉ ઈઝ ધ જોશ? હાઈ સર! – ઉરી (2019), ડાયલોગ: આદિત્ય ધર + કૌન કમ્બખ્ત હૈ જો બર્દાશ્ત કરને કે લિયે પીતા હૈ, મૈં તો પીતા હૂં કે બસ સાંસ લે સકું – દેવદાસ (1955), ડાયલોગ: રાજિન્દર સિંહ બેદી.