સમયને સમજવો એ સમજદારી સમય પર સમજવું એ જવાબદારી …
અરવિંદ વેકરિયા
આજે રંગભૂમિની હાલત હરખાવા જેવી નથી. સંસ્થાઓ તો મદદરૂપ થઈ રહી છે.ખબર નહીં, પ્રેક્ષકો કેમ થોડા વિમુખ થઇ ગયા છે ! 80’ના દાયકામાં તો ‘આડા વાર’ માં પણ નાટકો ચાલતાં.આજે રવિવારે નાટક ચલાવતા નિર્માતાઓ હાંફી જતા હોય છે. આમાં અપવાદ પણ છે. મેં એક આડા વારનું નાટક ‘ઔર ચાબી ખો જાય’ 1974માં કરેલું. એનું દિગ્દર્શન વિજય દત્તે કરેલું.નિર્માણ જયેશ દેસાઈનું હતું. નાટ્યજગતને જણાવવાનું કે આ કલાકાર જયેશ દેસાઈનું થોડા વખત પહેલા યુ.એસ.માં અવસાન થયું. એમના પત્ની સરોજ દેસાઈ પણ લોકપ્રિય સંસ્થા આઈ.એન.ટી.સાથે સંકળાયેલાં હતાં. ‘ઔર ચાબી ખો જાય’ નાં દિગ્દર્શક વિજય દત્તની પુણ્યતિથિ 10 જાન્યુઆરીના દિવસે હતી. એમને નતમસ્તક નમન.
જયેશ દેસાઈ પણ અજિત વાચ્છાનીની નજીક. ચંદ્રકાંત ઠક્કર દિગ્દર્શિત નાટક ‘લોહીનો રંગ કાળો’ થી અજિતના અભિનય પર ઓવારી ગયેલા. અજિતથી ખાસ્સા સિનિયર હતા જયેશ દેસાઈ. એમના અભિનયમાં રાજ કપૂરની છાંટ વર્તાતી. અજિતને લાંબે ગાળે તખ્તે લાવવાની મેં રજુ કરવાનું બીડું ઝડપ્યું તો ખરું પણ ત્રણ-ત્રણ સિરિયલ ઓન-એર હોય ત્યાં સંઘ કેમ કાશીએ પહોંચશે એની ફિકર હતી. એમાં પાછું રાજેન્દ્રએ રોલ લાંબો લખેલો, જે અજિત માટે તો રહસ્ય જ હતું. જયારે એને ખબર પડશે ત્યારે હથિયાર હેઠા તો નહીં મૂકી દે ને? દોસ્ત હતો એટલે પરિસ્થિતિને સાચવી લેવાશે એવો મને મિત્રતા ઉપર ભરોસો તો હતો, છતાં ખટકો રહેતો. તમે કેટલું સાચવી લો છો એ સમજદારી નથી, તમે કેટલું બગડવા નથી દેતા એ સમજદારી છે, જે જરૂર પડે મારે દેખાડવાની હતી. એક વાત મેં અનુભવી ‘મારું કાલનું નક્કી નહીં, મોડો તો મોડો પણ પહોંચવાનો પ્રયત્ન તો કરીશ’ એવું અજિત કહે. અમે રિહર્સલ માટે પાંચ વાગે મળીએ તો અજિત 4 વાગ્યાનો આવીને બેઠો હોય. પૂછીએ તો કહે: ‘સ્ટુડિયોમાં કામ વહેલું પતી ગયું.’ ધીમે ધીમે અજિતને રોલના લંબાણનો ખ્યાલ આવી ગયો.મારી સાથે ચર્ચા પણ થઈ. મેં મારી મજબૂરી કહી : ‘તને અંધારામાં કદાચ મિત્રભાવે રાખ્યો. માત્ર તારા નામનો ઉપયોગ કરી પ્રેક્ષકોને અંધારામાં રાખવા માટે મારું મન ન માન્યું…’ મેં આ વાત મારી ગરજને કારણે નરમાશથી કરી.
નમ્રતા એવી માસ્ટર-કી છે જે કોઈ પણ દ્વારનું તાળું ખોલી શકે છે. મારી વાત અજિતના ગળે ઊતરી ગઈ
તારકનાથ ગાંધી વચ્ચે વચ્ચે રિહર્સલમાં આવતાં રહેતા. એમણે મને ઓલ્ફ્રેડ હિચકોકની એક બુક લાવવા કહ્યું. એ સમયે એ બુક 650/- રૂ.ની આવેલી. ગાંધી જા.ખ.ના લે-આઉટ માટે એનો ઉપયોગ કરવાના હતા. અજિતને તખ્તા પર પડેલ લાંબા ગેપને કારણે ડાયલોગ્સ મોઢે કરવામાં પડતી તકલીફ દેખાતી હતી. મને કહે : ‘કેમેરા સામે તો મોઢે કરીને બોલી નાખું. ભૂલ થાય તો રિ-ટેક થાય. અહીં તો બધું મોઢે કરવું જ પડે, સાલા, તે રોલ વધારી દીધો એમાં મારી ઉપાધિ વધી ગઈ.’ પછી હસતો. હું જાણતો હતો કે મેં શું કરેલું. આમ તો સમય સચવાય જાય, નાટક રજૂ થઈ જાય પછી અજિતે માત્ર શો સાચવવાના હતા. સમયને સમજવો એ સમજદારી છે પણ સમય પર સમજવું એ જવાબદારી. અને નવા નિર્માતા પર આધાર ન રાખતાં હું એ જવાબદારી સંભાળવાની કોશિશ કરતો રહેતો.
હવે નાટકની રજૂઆતનો સમય નજીક આવતો હતો. હું અજિતને ખાસ કહેતો કે ‘ દોસ્ત, હવે જરા સંભાળજે’ . જો કે એ પણ લાચાર હતો. મને પૂરી બાહેંધરી આપેલી અને શક્ય હોય ત્યાં સુધી એ પાળતો પણ ખરો. કદાચ દોસ્તીને કારણે એને અહંકાર અડ્યો જ નહોતો. ‘જે શર્ટનાં કોલર ઊંચા થઈ જાય એ ખીંટી પરથી પડી જ જાય…’ એ વાત કદાચ અજિત જાણતો હશે. ગાંધી સરસ જા.ખ. નો લે-આઉટ લઈ આવ્યા. નાટકની રજૂઆત માટે તેજપાલ થિયેટર શુકનવંતુ મનાય છે. એ ન મળે તો બીજું નામ પાટકરનું આવે. તેજપાલ ન મળ્યું. સામ કેરાવાલાએ પાટકરનો બપોરનો સમય ફાળવ્યો. અજિત સાથે વાત કરી તેજપાલનું ભાડું ભરાવી દીધું. જી.આર. પણ શરૂ થઇ ગયા.
મને મનમાં વસવસો હતો કે સાલું, તેજપાલ મળ્યું હોત તો મજા આવી જાત.ભાઈ શેઠ (તેજપાલનાં ટ્રસ્ટી) નો ફોન આવ્યો. કોઈ શો કેન્સલ થતા નવા નાટકને કારણે મને સાંજની ઓફર કરી. આમ શો- બપોરે પાટકર અને સાંજે તેજપાલ, એમ બે શોથી શુભારંભ કરવાનું નક્કી થયું.મારી કરેલી ભાઈશેઠને વિનંતી કામ કરી ગઈ. મોટા માણસ બનવું એ સારી વાત છે, પણ સારા માણસ બનવું એ મોટી વાત છે.આ દર્શન મને ભાઈશેઠમાં થઈ ગયાં. બીજી તરફ, અજિતે મારો સમય સાચવી લીધો. મિત્રતા શું હોય એની અનુભૂતિ કરાવી દીધી. સંબંધ માપવાનાં કોઈ ત્રાજવા નથી હોતા તમારું વર્તન જ કહી દે છે કે કોણ કેટલું કિંમતી છે. હવે રજૂ થનારા નવા નાટકનું નામ રાખ્યું : ‘હરણફાળ’ લાઈટ ગયા પછી હું મીણબત્તી લઈને ટોયલેટ જતો હતો. કોઈ હરામખોર ફૂંક મારીને
‘હેપ્પી બર્થ-ડે’ કહી ગયું.