સ્પોર્ટસ

ડબ્લ્યૂટીસીની બહાર ફેંકાયેલા પાકિસ્તાન-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતી કાલથી પ્રથમ ટેસ્ટ

મુલતાનઃ પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતી કાલે અહીં બે મૅચ (સવારે 11.00 વાગ્યાથી)ની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ રહી છે, પરંતુ હકીકત એ છે કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની વર્તમાન સીઝનની ફાઇનલની બન્ને ટીમ નક્કી થઈ ગઈ છે (સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા) એટલે પાકિસ્તાન-વેસ્ટ ઇન્ડિઝ મૅચના પરિણામની ડબ્લ્યૂટીસી પર કોઈ અસર નહીં થાય.

બીજું, આ ટેસ્ટની બન્ને હરીફ ટીમ ઘણા અઠવાડિયા પહેલાં જ ડબ્લ્યૂટીસીની આ સીઝનની બહાર થઈ ગઈ છે એટલે તેઓ માત્ર એકમેકથી ચડિયાતા પુરવાર થવા માટે જ રમશે.

આ પણ વાંચો: પાકિસ્તાનના ફાસ્ટ બોલરે નિવૃત્તિ લીધી અને 24 કલાકમાં પાછી ખેંચી લીધી!

મુલતાનની પિચ સ્પિનર્સને વધુ ફાવે એવી છે. શાન મસૂદ પાકિસ્તાનનો અને ક્રેગ બ્રેથવેઇટ કૅરિબિયન ટીમનો કૅપ્ટન છે.
ક્રેગ બ્રેથવેઇટની વાત નીકળી છે તો ખાસ જણાવવાનું કે તે 99 રન બનાવશે એટલે લેજન્ડરી કૅરિબિયન બૅટર રિચી રિચર્ડસનના 5,949 રનને પાર કરી લેશે. હાલમાં બ્રેથવેઇટના 5,851 રન છે. કૅરિબિયન બૅટર્સમાં બ્રાયન લારા 11,912 રન સાથે મોખરે છે, જ્યારે શિવનારાયણ ચંદરપૉલ 11,867 રન સાથે બીજા સ્થાને તથા વિવિયન રિચર્ડ્સ 8,540 રન સાથે ત્રીજા નંબરે છે.

ક્રેગ બ્રેથવેઇટને 6,000 રન કરનાર 10મો કૅરિબિયન ટેસ્ટ બૅટર બનવાનો પણ સારો મોકો છે.
છેલ્લે મુલતાનમાં પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 2006ની સાલમાં ટેસ્ટ રમાઈ હતી જેમાં પાંચ દિવસમાં 439 ઓવરમાં 27 વિકેટ પડી હતી અને એ પાંચ દિવસમાં 1,400થી વધુ રન બન્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button