ડિફેન્ડિંગ ચૅમ્પિયનોને રવિવારે મુંબઈ મૅરેથન ફરી જીતવાનો કેમ દૃઢ વિશ્વાસ છે?
પુરુષ વર્ગમાં 15 અને મહિલા કૅટેગરીમાં 17 રનર ઇથોપિયાના છે
મુંબઈઃ રવિવાર, 19મી જાન્યુઆરીએ યોજાનારી ટાટા મુંબઈ મૅરેથન ફરી એકવાર જીતી લેવા માટે ડિફેન્ડિંગ ચૅમ્પિયનો મક્કમ છે અને તેઓ જ ફરી વિજેતા બનશે એવો તેમને દૃઢવિશ્વાસ છે. 2024ની મુંબઈ મૅરેથનમાં પુરુષ તથા મહિલા વર્ગમાં અનુક્રમે ઇથોનિયાનો હેઇલ લેમી બેર્હાનુ અને તેના જ દેશની ઍબર્શ મિન્સેવો વિજેતા બન્યા હતા.
આ પણ વાંચો : ‘જુનિયર્સને કાબુમાં રાખવાની જરૂર’ BCCI ની સમીક્ષા બેઠકમાં લેવાયા કડક નિર્ણયો…
ઉલ્લેખનીય છે કે લેમી આ મૅરેથનમાં વિજેતાપદની હૅટ-ટ્રિક કરવા દૃઢ છે. નવાઈની વાત એ છે કે 42 કિલોમીટરની મુખ્ય મૅરેથનની મેન્સ એલીટ કૅટેગરીમાં માત્ર બે દેશના જ કુલ 17 રનર ભાગ લેવાના છે. એમાંથી 15 રનર ઇથોપિયાના અને બે રનર કેન્યાના છે.
મહિલાઓના વર્ગમાં પણ ઇથોપિયાનું પ્રભુત્વ જોવા મળશે. મુખ્ય મૅરેથનમાં મહિલા વર્ગમાં 19 રનર ઇથોપિયા અને કેન્યાની છે. 19માંથી 17 રનર ઇથોપિયાની અને બે રનર કેન્યાની છે.
મુંબઈ મૅરેથનમાં વિજયની હૅટ-ટ્રિક નોંધાવીને નવો ઇતિહાસ રચવા ઇથોપિયાનો લેમી થનગની રહ્યો છે એનું બીજું કારણ એ છે કે 2024ના વર્ષમાં તેણે જે ત્રણ મોટી મૅરેથન (મુંબઈ, બર્લિન, પ્રાગ)માં ભાગ લીધો હતો એ ત્રણેયમાં તે જીત્યો હતો અને એ વિજયકૂચ તે અહીં મુંબઈમાં જાળવી રાખવા માગે છે.
આ પણ વાંચો : ભારતીય મહિલાઓ ઇરાનને કચડીને સૌપ્રથમ ખો-ખો વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં…
લેમી આ વખતે પણ મુંબઈ મૅરેથન જીતવા માટે હૉટ-ફેવરિટ છે, કારણકે તેના પછીનો બીજો સૌથી મોટો દાવેદાર ઇથોપિયાનો જ બાઝેઝેવ અસ્મારેનો છેલ્લો વિજય 2022માં હતો જ્યારે તે હવાસા હાફ મૅરેથન જીત્યો હતો. રવિવારે દોડનાર કેન્યાનો ફિલેમૉન રૉનોની છેલ્લી જીત 2023માં સ્લોવેકિયાની મૅરેથનમાં હતી.