મહાકુંભમાં ચોથા દિવસે 25 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં લગાવી ડૂબકી…
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરી ચૂક્યા છે. વાત કરીએ ચોથા દિવસે એટલે કે 16મી જાન્યુઆરીએ કેટલાક શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું તો ચોથા દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી. ચાર દિવસમાં 6.25 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી છે. મકર સંક્રાંતિ પર ત્રિવેણી સંગમમાં 3.5 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી.
13મી જાન્યુઆરીથી શરૂ થયેલો આ મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. કુંભ દર 12 વર્ષે એક વખત યોજાય છે અને જ્યારે 12 કુંભ મેળાનું એક ચક્ર પૂરું થાય છે ત્યારે એટલે કે 144 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ મહાકુંભ પ્રયાગરાજમાં જ યોજાય છે. જ્યારે 12 વર્ષે યોજાતા નાસિક, હરિદ્વાર, ઉજ્જૈન તેમ જ પ્રયાગરાજમાં યોજાય છે.
પ્રયાગરાજમાં યોજાઈ રહેલો આ મહાકુંભ 2025 દુનિયાનો સૌથી મોટો મેળો છે અને એમાં 45 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સામેલ થવાની શક્યતા છે. શરૂઆતના ચાર દિવસમાં જ આ આંકડો સાત કરોડ સુધી પહોંચી ગયો છે. મહાકુંભના અમુક મુખ્ય સ્નાન હોય છે અને આ દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ થાય છે.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચને કર્યું મહાકુંભમાં સ્નાન? ટ્વીટ જોઈને ફેન્સ અસમંજસમાં, યુઝર્સે કહ્યું…
મકર સંક્રાંતિએ પહેલું શાહી સ્નાન થયું જેમાં ત્રણ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. અમૃત સ્નાનની હજી બે તિથિઓ બાકી છે. અમૃત સ્નાનની બીજી તિથિ 28મી જાન્યુઆરીથી લઈને 29મી જાન્યુઆરીની સાંજ સુધી છે. જ્યારે ત્રીજું અમૃત સ્નાન વસંત પંચમીના દિવસે થશે અને આ દિવસે પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજરી આપવા પહોંચશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
કડકડતી ઠંડી છતાં પણ શ્રદ્ધાળુઓ ખૂબ જ જોશ અને ઉત્સાહપૂર્વક મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ત્રિવેણી સંગમ પર ડુબકી લગાવવા પહોંચી રહ્યા છે. જેમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ તો પહેલી વખત કુંભમાં સ્નાન કરવા પહોંચી રહ્યા છે. એક શ્રદ્ધાળુએ સંગમમાં સ્નાન કરવા વિશેના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ડુબકી લગાવ્યા બાદ હું ખૂબ જ તરોતાજા અનુભવી રહ્યું છે. બીજા એક શ્રદ્ધાળુએ મહાકુંભ માટે પ્રશાસન દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના વખાણ કર્યા હતા.