વડોદરા

Vadodara ની વિશ્વામિત્રી નદીમાં બે મહિનામાં 6 મગરના રહસ્યમય મોત

અમદાવાદઃ વડોદરાની(Vadodara)વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરો સામે હવે જીવનું જોખમ ઉભુ થયું છે. ગુરૂવારે નદીમાંથી બે મહાકાય મગરના મૃતદેહો મળી આવ્યા હતાં. છેલ્લા બે મહિનામાં કુલ 6 મગરોના મોત થયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ હતી. અચાનક થઈ રહેલા મગરના મોતના કારણે તેમના અસ્તિત્વ સામે સવાલો ઊભા થયા છે.

નદીના કિનારા પર 8 ફૂટના મગરનો મૃતદેહ મળી આવ્યો હતો

આ અંગે વડોદરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીમાંથી બે મગરના મૃતદેહ મળ્યા છે જેનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જેથી મગરના મોતનું સાચું કારણ જાણી શકાશે. આ અંગે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવારે કહ્યું હતું કે, અમને મળેલા કોલના આધારે ગુરૂવારે સવારે તપાસ કરી ત્યારે વડોદરા શહેરના કીર્તિ મંદિર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પર લગભગ 8 ફૂટના મગરનો મૃતદેહ મળી આવ્યો હતો.

ફાયર બ્રિગેડ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે આ મગરને કાઢવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે  આ વિસ્તારમાં આરાધના ટોકિઝથી ખાસવાડી સ્મશાનની વચ્ચે પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે પણ એક મગર પડેલો હોવાનો કોલ મળ્યો હતો. ત્યાં જઈને જોતા લગભગ 10 ફૂટનો મહાકાય મગર મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો.

બે મહિનામાં 6 મગરોના મોત થયા

તેમણે વધુમાં કહ્યું હતું કે, બે મહિનામાં 6 મગરોના મોત થયા છે. તેની પાછળનું ચોક્કસ કારણ તો જાણવા નથી મળ્યું પણ શક્ય છે કે, ચોમાસામાં આવેલા પૂરના કારણે મગરો માટેના બાસ્કિંગ પોઈન્ટ ધોવાઈ ગયા હોય. બાસ્કિંગ પોઈન્ટ એટલે એવી જગ્યા જ્યાં મગરો તાપમાં કલાકો સુધી પડ્યા રહેતા હોય છે. શરીર વધારે પડતું ઠંડુ પડવાથી તેમજ તડકાના અભાવે મગરોના મોત થયા છે કે કેમ તે એક તપાસનો વિષય છે. મગરોના પોસ્ટમોર્ટમ બાદ જંગલ વિભાગે અને તંત્રએ તેના મોત પાછળનું કારણ જણાવવું જોઈએ.

આ પણ વાંચો : હદ થઈ ગઈઃ વડોદરામાં 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની બેગમાં દારૂની બોટલ!

રહેણાક વિસ્તારો અને ઈકો સિસ્ટમ પર અવળી અસર પડશે

પૂરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે વિશ્વામિત્રીને પહોળી અને ઉંડી કરવાની કામગીરી શરૂ થઈ છે અને આ માટે વિશ્વામિત્રી નદીમાં સેંકડો જેસીબી મશિનો ઉતારવામાં આવી રહ્યા છે. આ કામગીરીથી નદીમાં રહેતા મગરો માટે જગ્યાની વધારે અછત સર્જાશે. ખોદકામથી તેમના રહેણાક વિસ્તારો અને ઈકો સિસ્ટમ પર અવળી અસર પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button