સંભલ હિંસા બાદ ૧૪૦૦ થી વધુ વીજ ચોરીના કેસ નોંધાયા, ૧૬ મસ્જિદ સામેલ…
સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં ૨૪ નવેમ્બર, ૨૦૨૪ના રોજ શાહી જામા મસ્જિદમાં કોર્ટના આદેશ મુજબ થયેલા સર્વે દરમિયાન થયેલી હિંસા બાદ જિલ્લામાં વીજ ચોરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના પરિણામસ્વરૂપ ૧૪૦૦થી વધુ કેસ નોંધાયા છે, જેમાં ૧૬ મસ્જિદો અને ૨ મદરેસાઓ પણ સામેલ છે.
આ પણ વાંચો : ચીનને ઝટકો: અમેરિકાએ BARC સહિત 3 અણુ સંસ્થા પર પ્રતિબંધ હટાવ્યા
સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર વિનોદ કુમારે પત્રકારો સાથે વિગતો શેર કરતાં જણાવ્યું હતું કે અમે સંભલમાં અત્યાર સુધીમાં વીજ ચોરીના ૧૪૦૦થી વધુ કેસ નોંધ્યા છે. જેમાં ૧૬ મસ્જિદો અને ૨ મદરેસા સામેના આરોપો સામેલ છે.
કુમારે જણાવ્યું કે આ કેસોમાં ૧૧ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ ૨૦ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. તેમણે આ કાર્યવાહીની વ્યાપક અસર પર પ્રકાશ પાડતા કહ્યું કે આ ઝુંબેશ શરૂ થયા પછી ૨૨ મસ્જિદો અને એક ચર્ચમાંથી નવા વીજ જોડાણ માટે અરજીઓ આવી છે.
આ પણ વાંચો : આંધ્ર પ્રદેશની નાયડુ સરકાર ચૂંટણી લડવા માટે લાવશે આવો કાયદો? વસ્તી વધારવાનું આ તે કેવું તિકડમ
તેમણે જણાવ્યું કે અમારા નિરીક્ષણ દરમિયાન અમને અસામાન્ય લોડ પેટર્ન જોવા મળી હતી. વહેલી સવારે ફીડર પરથી લોડ ઓછો થતો, પરંતુ રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૪ વાગ્યા વચ્ચે લોડ વધતો હતો. જેથી અમને મુખ્ય સ્થળો ઓળખવાની અને રાત્રે તપાસ કરવાની ફરજ પડી હતી. હજુ બે દિવસ પહેલા જ અમે વીજ ચોરીના ૪૨ કેસો નોંધ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.