સ્પોર્ટસ

સ્ટાર ખેલાડીઓવાળી ક્રિકેટ મૅચ દરમ્યાન સ્ટેડિયમમાં આગ લાગતાં પ્રેક્ષકોમાં ગભરાટ…

બ્રિસ્બેનઃ અહીં ગૅબાનું સ્ટેડિયમ જ્યાં ગયા મહિને ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ રમાઈ હતી ત્યાં ગુરુવારે આંચકાજનક ઘટના બની હતી જેમાં સ્ટેડિયમમાં બિગ બૅશ લીગ (બીબીએલ)ની મૅચ દરમ્યાન આગ લાગી હતી, પ્રેક્ષકો ગભરાઈ ગયા હતા અને ભાગમભાગ કરવા લાગ્યા હતા. અમ્પાયર્સે રમત થોડી વાર માટે અટકાવી દેવી પડી હતી.

આ પણ વાંચો : એક ડોમેસ્ટિક મેચમાં ચાહકે રોહિતને કિસ કરી લીધી હતી, હવે ફરી રણજી મેચ રમતો જોવા મળશે

ઉસમાન ખ્વાજાના સુકાનમાં બ્રિસ્બેન હીટ નામની ટીમે માર્નસ લાબુશેનના 77 રનની મદદથી છ વિકેટે 201 રન બનાવ્યા હતા જેના જવાબમાં હૉબાર્ટ હરીકેન્સ ટીમે છેલ્લા બૉલમાં વિજય મેળવ્યો હતો. હૉબાર્ટની ટીમે 202 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવ્યા હતા.

આ મૅચની બીજી ઇનિંગ્સમાં (હૉબાર્ટની ઇનિંગ્સ દરમ્યાન) સ્ટેડિયમમાં જ્યાં ડીજે રાખવામાં આવ્યું હતું એ એરિયામાં અચાનક આગ ફાટી નીકળતાં ખેલાડીઓ તેમ જ પ્રેક્ષકો અને અધિકારીઓની સુરક્ષા ખાતર રમત રોકી દેવામાં આવી હતી.
આગ પૂર્ણપણે કાબૂમાં આવ્યા પછી જ રમત ફરી શરૂ કરવામાં આવી હતી.

આ મૅચમાં સ્ટાર ખેલાડીઓ રમ્યા હતા. ઉસમાન ખ્વાજા અને લાબુશેન ઉપરાંત ઑસ્ટ્રેલિયાનો નવો ઓપનર નૅથન મૅક્સ્વીની, મૅટ રેન્શો, સ્પેન્સર જૉન્સન તેમ જ ટિમ ડેવિડ, મૅથ્યૂ વેડ પણ આ મૅચમાં હતા.

પ્રેક્ષકોના મનોરંજ્ન માટે ડીજેની વ્યવસ્થા રખાઈ હતી ત્યાં ઓચિંતી આગ લાગતાં ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોત જોતામાં સ્ટેડિયમમાં ફેલાઈ ગયા હતા. સુરક્ષા કર્મચારીઓએ તરત જ આગ બુઝાવવાનું કામ શરૂ કરી દીધું હતું.

બિગ બૅશના ઇતિહાસમાં મૅચ દરમ્યાન સ્ટેડિયમમાં આગ લાગી હોવાની અને એને કારણે રમત અટકાવવામાં આવી હોવાની આ પહેલી જ ઘટના છે.

આ પણ વાંચો : યુવરાજના પિતા પિસ્તોલ લઈને શું ખરેખર કપિલ દેવને મારવા તેમના ઘરે પહોંચી ગયા હતા?

નૅથન એલિસની કૅપ્ટન્સીમાં હૉબાર્ટની ટીમ આ મૅચ જીતી એ પહેલાં જ પ્લે-ઑફમાં એણે સ્થાન મેળવી લીધું હતું. હૉબાર્ટની ટીમ આઠમાંથી છ મૅચ જીતી છે. બીજી તરફ, બ્રિસ્બેન હીટે પરાજિત થઈ જતાં પોતાની મુશ્કેલી વધારી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button