ચોરનો પીછો કરતી વખતે ટ્રેનની અડફેટે જીવ ગુમાવનારી યુવતીના પરિવારને આઠ લાખનું વળતર
થાણે: રેલવે ટ્રેક પર ચોરનો પીછો કરતી વખતે ટ્રેનની અડફેટે જીવ ગુમાવનારી યુવતીના પરિવારજનોને આઠ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ મુંબઈ રેલવે ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે આદેશ આપ્યો હતો.
કલ્યાણમાં રહેતી પ્રાજક્તા ગુપ્તે (22) આઈટી ફર્મમાં કામ કરતી હતી. 30 જુલાઈ, 2015ની સાંજે પ્રાજક્તા કામેથી ઘરે પાછતી ફરતી હતી ત્યારે આ ઘટના બની હતી. રેલવેના પાળા નજીક ઊભેલા ચોરે પ્રાજક્તાનો મોબાઈલ ફોન અને પર્સ ઝૂંટવી લીધા હતા. ચોરને પકડવા માટે પ્રાજક્તાએ હિંમત એકઠી કરી ટ્રેનમાંથી પાટા પર કૂદકો માર્યો હતો અને ચોરનો પીછો કર્યો હતો. જોકે બદનસીબે સામેની દિશામાં આવેલી ટ્રેને તેને અડફેટે લીધી હતી. આ ઘટનામાં તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: લોઅર પરેલમાં મૉડેલના ફ્લેટમાંથી પંદર લાખની રોકડ-સોનું ચોરાયાં
આ કેસમાં કોર્ટે ચાર લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું. જોકે પ્રાજક્તાના કુટુંબની ગરીબ આર્થિક સ્થિતિ અને તે કુટુંબમાં એકલી આજીવિકા રળનારી હોવાની બાબતે તેના વકીલ રિહાલ કાઝીએ કોર્ટમાં વિગતવાર રજૂઆત કરતાં કોર્ટે વળતરની રકમ આઠ લાખ રૂપિયા સુધી વધારી હતી.
યુવતીએ રેલવેના પાટા પર કૂદકો મારીને પોતાના જીવને પોતે જ જોખમમાં મૂક્યો હોવાની દલીલ રેલવે દ્વારા કરવામાં આવી હતી. જોકે પ્રાજક્તાના વકીલે જણાવ્યું હતું કે પાટા પાસે પોલીસનું પેટ્રોલિંગ નિયમિત રીતે થતું નથી, જેને કારણે આ ઘટના બની છે.
(પીટીઆઈ)