MahaKumbh-2025: પ્રયાગરાજમાં અહીં થશે લુપ્ત થઈ ગયેલી નદીના દર્શન, રખેને ચૂકતા તક…
હાલમાં પ્રયાગરાજના સંગમ પર મહાકુંભ-2025 (MahaKumbh-2025)નું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. 13મી જાન્યુઆરીથી શરૂ થયેલો આ મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ મહાકુંભમાં જ તમે સાક્ષાત સરસ્વતી નદીના દર્શન કરી શકો છો. સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ હોવાનું મનાય છે. પરંતુ કઈ રીતે તમે મહા કુંભમાં આ નદીના દર્શન કરી શકો છો એ જાણવા માટે આ સ્ટોરી ચોક્કસ વાંચજો….
144 વર્ષ બાદ યોજાઈ રહેલાં આ મહાકુંભમાં કુલ 6 મુખ્ય સ્નાન હશે જેમાંથી પહેલું સ્નાન પૌષ પૂર્ણિમા એટલે કે 13મી જાન્યુઆરીના તેમ જ બીજું સ્નાન 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે થયું હતું. સંગમ પર ગંગા, યમુના, સરસ્વતીનું અદ્રશ્ય મિલન થાય છે. અહીં સરસ્વતીને ગુપ્ત રૂપમાં હાજર માનવામાં આવે છે.
વૈજ્ઞાનિકોની વાત પર વિશ્વાસ કરીએ તો એક સમયે સરસ્વતી નદીનું અસ્તિતત્વ હતું, જે હિમાલયથી નીકળીને રાજસ્થાન થઈને અરબી સમુદ્રમાં ભળી જતી હતી. પૌરાણિક કાળમાં સરસ્વતી નદીને ગંગા અને યમુના કરતાં પણ સરસ્વતી નદીને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવતી હતી. આ વખતે મહાકુંભમાં તમે પણ આ અદ્રશ્ય નદીના સાક્ષાત દર્શન કરી શકો છો.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચને કર્યું મહાકુંભમાં સ્નાન? ટ્વીટ જોઈને ફેન્સ અસમંજસમાં, યુઝર્સે કહ્યું…
સરસ્વતી નદીના દર્શન કરવા માટે સરસ્વતી કૂપ સૌથી ખાસ અને બેસ્ટ પ્લેસ છે, જે સંગમથી આશરે એકાદ કિલોમીટર દૂર છે. સંગમ પર સરસ્વતી નદીને જ્ઞાન અને સાંસ્કૃતિક દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. સરસ્વતી કૂપ આશરે 70 ફૂટ ઊંડો ખાડો છે, જેમાં 30થી 35 ફૂટ સુધી પાણી ભરાયેલું છે અને અહીં મા સરસ્વતીની સફેદ મૂર્તિ પણ સ્થાપિત છે.
2013ના કુંભ મેળા દરમિયાન આ કૂપનું જિર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો અને એને સાફ-સુથરા રાખવા માટે ગ્લાસથી કવર કરવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે ત્રણ વર્ષમાં કુંભ દરમિયાન સરસ્વતી કૂપમાં જાતે જ પાણી ભરાવવા લાગે છે અને એવું લાગે છે કે સાક્ષાત્ મા સરસ્વતી જાતે દર્શન આપવા આવ્યા હોય…