નેશનલ

રોજરોજ ટોલ ટેક્સ ભરવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, મંથલી, એન્યુઅલ પાસની ગડકરીની યોજના

નવી દિલ્હીઃ કેન્દ્રના માર્ગ અને પરિવહન પ્રધાન નીતીન ગડકરીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર હાઇવે પર ખાનગી વાહનો પાસેથી ટોલ વસુલાત કરવાને બદલે તેમની માટે મંથલી અને એન્યુઅલ પાસ શરૂ કરવાનું વિચારી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કુલ ટોલ કલેક્શનમાં ખાનગી વાહનોનો હિસ્સો માત્ર 26 ટકા જ છે અને 74 ટકા હિસ્સો કમર્શિયલ વાહનોનો છે, તેથી પાસ સિસ્ટમથી સરકારને કોઇ નુક્સાન નથી. તેમનો ગ્રામજનોને તેમની અવરજવરમાં કોઇ અડચણ ના આવે તે માટે ગામડાઓની બહાર ટોલ કલેક્શન બૂથ બનાવવામાં આવશે.

ગડકરીએ એમ પણ જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે વધારાની સુવિધા તરીકે નેશનલ હાઇવે પર ફાસ્ટેગની સાથે ગ્લોબલ સીમલેસ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે. ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ વર્તમાન ટોલ કલેક્શન સિસ્ટમ કરતા વધારે સારી હશે.

ગયા વર્ષે જુલાઇ મહિનામાં ગડકરીએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં નેશનલ હાઇવે NH-275ના બેંગલૂરું-મૈસુર વિભાગ અને હરિયાણામાં NH- 709ના પાણીપત હિસાર વિભાગ પર GNSS આધારિત યુઝર ફી કલેક્શન સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ચૂંટણી જીતવા નિયમોનું ઉલ્લંઘન કર્યું, નીતિન ગડકરીને હાઇ કોર્ટની નોટિસ

નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનો માટે સરેરાશ રાહ જોવાનો સમય 8 મિનિટનો હતો તે નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 દરમિયાન ફાસ્ટેગની રજૂઆત સાથે ઘટીને 47 સેકન્ડ થઇ ગયો છે. આમ વાહનો માટે ટોલ પ્લાઝા પર રાહ જોવાના સમયમાં ઘણો જ સુધારો થયો છે. શહેરોની નજીક ગીચ વસતીવાળા શહેરોમાં જોકે, પીક અવર્સ દરમિયાન લોકોને ટોલ પ્લાઝા પર થોડો સમય રાહ જોવી પડે છે, પણ હવે જો GNSS આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ થશે તો લોકોને ઘણો જ ફાયદો થશે અને તેમના કિમતી સમયની બચત થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button