દીકરો ઈબ્રાહીમ હૉસ્પિટલ પહોંચ્યો, બોલીવૂડ અને ફેન્સ શૉક્ડ
મુંબઇઃ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘુસી આવ્યા હતા. તેમનો સામનો કરવામાં સૈફ અલી ખાન ઘાયલ થયા હતા. ઘાયલ થયા બાદ સવારે ત્રણ વાગ્યાની આસપાસ તેમના મોટા દીકરા ઇબ્રાહીમ અલી ખાન અને ઘરના નોકરો સૈફને લઇને લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા હતા. હૉસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી હતી. તેમની સર્જરી લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. સૈફને ચાકુના છ ઘા લાગ્યા હતા. એકાદ વાર કરોડરજ્જુની નજીક હતો. તેમના બે ઘા ઘણા ઊંડા હતા.
સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાન તેમના બંને બાળકો તૈમુર અને જેહ સાથે બાન્દ્રા પશ્ચિમના સતગુરુ શરણ બિલ્ડિંગમાં રહે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નિર્માતા સિદ્ધાર્થ આનંદ તેમને મળવા માટે સૌથી પહેલા હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. આ સેલિબ્રિટી વિસ્તાર છે અને અહીં સઘન સલામતી વ્યવસ્થા પણ છે, તેમ છતાં સૈફના ઘરમાં ચોર કેવી રીતે ઘુસ્યો એ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે સૈફના ઘરના સ્ટાફના ત્રણ સભ્યોના નિવેદન પણ નોંધ્યા છે. પોલીસે હાલમાં ત્રણ શકમંદોને અટકમાં લીધા છે અને તેમની તપાસ કરી રહી છે. આ અકસ્માત બાદ મહેશ ભટ્ટની પુત્રી નિર્માત્રી પૂજા ભટ્ટે બાન્દ્રા વિસ્તારમાં વધુ પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી.
બોલિવૂડમાંથી સૈફને મળવા આવનારાઓમાં સૌથી પ્રથમ ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ આનંદ હતા. તેઓ સ્વસ્થ થઇ રહેલા સૈફને મળ્યા હતા અને તેના સમાચાર જાણ્યા હતા. ફિલ્મ દેવરામાં સૈફ અલી ખાનના સહ અભિનેતા જુનિયર એનટીઆરે પણ સૈફ પર થયેલા હુમલા અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સૈફના ઝડપથી સાજા થવાની અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે. એમ જાણવા મળ્યું છે કે જ્યારે સૈફ પર હુમલો થયો તે સમયે કરિના કપૂર ઘરમાં નહોતી. તેના બંને પુત્ર- તૈમુર અને જેહ પણ ઘરમાં નહોતા. સૈફ અલી ખાન તેમના ઘરમાં એકલા જ હતા. જોકે, કેટલાક અહેવાલોમાં એવું જણાવવામાં આવ્યું છે કે તૈમુર અને જેહ હુમલા સમયે સૈફની સાથે જ ઘરમાં હતા.
Also read: કેવી છે સૈફની તબિયત, શું કહ્યું ડોક્ટરોએ
સોશિયલ મીડિયા પર ફેન્સ, રાજકારણીઓની પ્રતિક્રિયાઃ-
સૈફ પર હુમલા બાદ સોશિયલ મીડિયા પર લોકો તેમની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે આવી સઘન સુરક્ષા હોવા છતાં કોઇ તેમના ઘરમાં ઘુસ્યું કઇ રીતે સૈફ પર હુમલો થયો કેવી રીતે. ફેન્સ તેમના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. રાજકારણી અને શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે તેમ જ રાજકારણી પ્રિયંકા ચતુર્વેદીએ સૈફ પરના હુમલા બદલ ચિંતા વ્યક્ત કરી છે.
કરિના કપૂરની ટીમે આપ્યું નિવેદનઃ-
દરમિયાન કરિના કપૂરની ટીમે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, “ગઇ કાલે સૈફ અને કરિના કપૂરના ઘરે ચોરીનો પ્રયાસ થયો હતો, જેમાં સૈફને હાથ પર ઇજા થતાં તેઓ હૉસ્પિટલમાં દાખલ છે. તેમની સારવાર ચાલુ છે. પરિવારના બાકીના સભ્યો સેફ છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા અને વધુ અટકળો ના કરવા વિનંતી કરીએ છીએ. પોલીસ તેની તપાસ કરી રહી છે. તમારી ચિંતા બદલ આભાર.”
સૈફ અલી ખાનનું નિવેદનઃ
સૈફ અલી ખાને પણ નિવેદન આપી ચોરી અને તેમના પર થયેલા હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે લોકોને ધેર્ય જાળવવાની અપીલ કરી છે અને અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે.