પાદરાના નાયબ મામલતદાર નશાની હાલતમાં કાર સાથે ખાડામાં ખાબક્યા
વડોદરાઃ ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં કોઇને કોઇ ખૂણામાંથી દરરોજ મોટી માત્રામાં દારૂ પકડાઈ રહ્યો છે. આ દરમિયાન વડોદરાના પાદરાના નાયબ મામલતદાર નશાની હાલતમાં કાર સાથે ખાબક્યા હતા. તેઓ જેતલુપર બ્રિજ નીચે ખોદેલા ખાડામાં પડ્યા હતા અને અડધા કલાક સુધી બેભાન હાલતમાં ગાડીમાં જ પડી રહ્યા હતા. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ આવીને તેમની અટકાયત કરીને સ્ટેશન લઈ ગઈ હતી.
શું છે મામલો
સયાજીગંજ જેતલપુર બ્રિજ નીચે કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈ ત્યાં ખોદકામ કરવામાં આવ્યું છ અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. નશો કરેલી હાલતમાં એર કાર ચાલક પુરઝડપે બ્રિજ નીચેથી પસાર થવા જતાં ખાડામાં તેમની ગાડી ફસાઇ ગઇ હતી. સ્થાનિકોએ પુરઝડપે ગાડી જતી જોઈ હતી અને અકસ્માત થતાં પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવી ચાલકને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ઉભા થઈ શક્યા નહોતા.
Also read: વડોદરામાં 22 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે રીઢા ગુનેગારની ધરપકડ
પોલીસે ગાડીની તપાસ કરતાં દારૂની બોટલ મળી નહોતી પરંતુ તેમાંથી ડેપ્યુટી મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખેલી નેમ પ્લેટ મળી હતી. જેથી તે સરકારી બાબુ હોવાનું જણાયું હતું. થોડીવાર બાદ હોશ આવતાં તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે પાદરા ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું.