કચ્છઃ જિલ્લામાં બનેલી અપમૃત્યુની જુદી-જુદી દુર્ઘટનાઓમાં પાંચ લોકોની જીવાદોરી કપાઈ જતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી હતી. આદિપુર શહેરના વોર્ડ-૧એ વિસ્તારમાં રહેતા દિવ્યદીપ ચંદુભાઈ બાજીગર (ઉ.વ.૧૬) નામના કિશોરે જ્યારે નખત્રાણાના વેસલપર વાડી વિસ્તારમાં ૪૦ વર્ષીય મહેશ કંચન તડવીએ ગળેફાંસો ખાતા મોત નિપજ્યું હતું. જયારે રાપરના માણાબા ખાતે બાથરૂમમાં લપસીને ગબડી જતાં શાંતાબેન લાલજી ઢુંસા (ઉ.વ.૫૬)એ જીવ ગુમાવ્યો હતો. હમિકાબેન (ઉ.વ.૪૧)એ ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર દરમિયાન છેલ્લા શ્વાસ લીધા હતા તેમજ ભચાઉના ચોપડવામાં સુરેશ ગણેશ કોડ (ઉ.વ.૩૨) નામના યુવાનનું તબિયત લથડ્યા બાદ મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આદિપુરના વોર્ડ-૧એ મકાન નંબર ૮માં રહેનાર દિવ્યદીપ નામનો કિશોર પોતાના ઘરે હતો દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખામાં કપડું બાંધી ગળેફાંસો ખાઈ અનંતની વાટ પકડી લીધી હતી. મકરસંક્રાંતિની પૂર્વસંધ્યાએ કિશોરે આવું પગલું ભરી લેતાં ભારે ગમગીની પ્રસરી હતી. જ્યારે નખત્રાણા તાલુકાના વેસલપર વાડી વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય મહેશ કંચન તડવીએ પણ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લેતાં નખાત્રણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રાપરના માણાબામાં રહેનારા મૂળ અરવલ્લીના શાંતાબેન બાથરૂમમાં પડી જતાં તેમને માથામાં ઈજા પહોંચતાં બનાવસ્થળે જ મોત થયું હતું. અપમૃત્યુનો વધુ એક બનાવ ગાંધીધામની મુખ્ય બજારમાં ડો. મોરખિયાની હોસ્પિટલમાં બન્યો હતો. હમિકાબેન નામના મહિલા કર્મી હોસ્પિટલમાં પલંગ ઉપર ચડી સફાઈનું કામ કરી રહ્યા હતા એ દરમિયાન ઉપરથી નીચે પટકાતાં તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલ બાદમાં ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે ગઈકાલે છેલ્લા શ્વાસ લીધા હતા.
આ પણ વાંચો…રાજ્યમાં ઉત્તરાયણમાં 22 લોકોના મૃત્યુ, અમદાવાદ એરપોર્ટ પરથી 7000 પતંગ પકડવામાં આવી
ચોપડવા ગામની અંકુર સોલ્ટ કંપનીના ક્વાર્ટર્સમાં રહેતા સુરેશ કોડ નામના યુવાનની ગત સવારે અચાનક તબિયત લથડતાં તેને સારવાર અર્થે ભચાઉની હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવાનનાં મોતનું કારણ સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.