ઇન્ટરનેશનલ

એક તરફ યુદ્ધવિરામની જાહેરાત; બીજી તરફ ઇઝરાયલનો રોકેટમારો, 32 પેલેસ્ટીનિયનના મોત

દોહા: છેલ્લા 15 મહિનાથી ઇઝરાયેલ સતત ગાઝા પર હુમલા કરી રહ્યું છે, જેમાં 46,000થી વધુ પેલેસ્ટીનિયન નગરિકોના મોત (Israel attack on Gaza) થયા છે, ગાઝાની અંદાજિત 90 ટકા વસ્તી વિસ્થાપિત થઈ ગઈ, જેના કારણે ભયંકર માનવીય કટોકટી સર્જાઈ છે. ગાઝા પર હુમલા અટકવવા દુનિયાભરના દેશો ઇઝરાયલ પર સતત દબાણ કરી રહ્યા છે, એવામાં રાહતના સમાચાર છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર (Israel-Hamas Ceasefire deal) થયો છે. ઇઝરાયલ હુમલા રોકવા અને હમાસ ઈઝરાયેલી બંધકોને છોડવા તૈયાર થયું છે. જોકે ઇઝરાયલના વડા પ્રધાને આ કરાર હજુ પૂર્ણ ન થયો હોવાનું જાહેર કર્યું છે.

દોહામાં ચાલી રહી છે બેઠકો:
અહેવાલ મુજબ કતારના વડા પ્રધાને 15 જાન્યુઆરી બુધવારના રોજ યુદ્ધવિરામ પર બંને પક્ષે સમજુતી સધાઈ હોવાની જાહેરાત કરી હતી. કતારની રાજધાની દોહામાં થયેલી બેઠકો બાદ જાહેરાત કરતા શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ-શાનીએ કહ્યું કે યુદ્ધવિરામ કરાર રવિવારથી અમલમાં આવશે. આ કરારની સફળતા ઇઝરાયલ અને હમાસ દ્વારા સદ્ભાવનાથી કામ કરવા પર આધાર રાખે છે, જેથી કરાર તૂટી ન જાય.

કરાર હેઠળ આ બબાતે સમજૂતી સધાઈ:
કરાર હેઠળ બંને તરફે તબક્કાવાર બંધકોને મુક્ત કરવામાં આવશે, હમાસ બંધક ઇઝરાયલી નાગરીકોને છોડશે, જ્યારે ઇઝરાયલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓની મુક્ત કરવા તૈયાર થયું છે. કરારમાં વિસ્થાપિત થયેલા લાખો પેલેસ્ટિનિયન નાગરીકોને ગાઝામાં પાછા ફરવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. કરાર હેઠળ, ગાઝામાં જરૂરી માનવતાવાદી સહાય પણ પહોંચાડવામાં આવશે.

ઇઝરાયેલ નહીં સુધરે!
એક તરફ યુદ્ધવિરામ કરારની જાહેરાત કરવામાં આવી છે, તો બીજી તરફ પેલેસ્ટિનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે કરારની જાહેરાત થયાના કલાકો પછી ઇઝરાયલે ગાઝા પર હુમલાઓ તીવ્ર બનાવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે મોડી રાત્રે ઇઝરાયલી સેનાએ ભારે રોકેટમારો કર્યો હતો, ખાસ કરીને ગાઝા શહેરમાં, જેમાં 32 લોકો માર્યા ગયા હતા. ગુરુવારે વહેલી સવારે પણ હુમલાઓ ચાલુ રહ્યા અને દક્ષિણ ગાઝાના રફાહ, મધ્ય ગાઝાના નુસેરાત અને ઉત્તરી ગાઝામાં ઘણી ઇમારતોને તોડી પાડવામાં આવી .

નેતન્યાહૂએ કહી જુદી જ વાત:
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અંગેના કરારની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જુદું જ નિવેદન આપ્યું છે. વડા પ્રધાન કાર્યાલયે કહ્યું કે યુદ્ધવિરામ કરાર હજુ પૂર્ણ થયો નથી અને અંતિમ વિગતો પર કામ ચાલી રહ્યું છે. જોકે, બેન્જામિન નેતન્યાહૂએ ગાઝામાં બંધકોને મુક્ત કરવા માટે કરાર કરવામાં મદદ કરવા બદલ યુએસ રાષ્ટ્રપતિ બાઈડેન અને થનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો.

બાઈડેન અને ટ્રંપ કોને કરાવ્યો યુદ્ધ વિરામ:
યુદ્ધવિરામ કરાર કરાવવા બદલ શ્રેય મેળવવા હાલના યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંને વચ્ચે હોડ લાગી છે. વ્હાઇટ હાઉસે ટ્રમ્પના મધ્ય પૂર્વના રાજદૂતને આ સોદામાં સામેલ કર્યા હતા, જેની વાટાઘાટો મહિનાઓથી ચાલી રહી હતી. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય અનુસાર, આ કરારની અંતિમ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આમ છતાં, ટ્રમ્પે દાવો કર્યો છે કે આ કરાર પાછળ તેમની સૌથી મોટી ભૂમિકા હતી. બીજી બાજુ, બાઈડેને જણાવ્યું હતું કે આ કરાર મે મહિનાના અંતમાં રજૂ કરેલી યોજના હેઠળ થયો હતો.

Also read: Hezbollahના ડ્રોન હુમલામાં ઇઝરાયલના 4 સૈનિકોના મોત અને 67 ઘાયલ, ઇઝરાયલે આપી મોટી ચેતવણી

ઇઝરાયલ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે! એક અહેવાલ મુજબ ઇઝરાયલીઓ પર હુમલાઓ બદલ લાંબી સજા ભોગવી રહેલા પેલેસ્ટિનિયન કેદીઓની યાદી બનાવવામાં આવી રહી છે. આ કેદીઓને કરાર હેઠળ મુક્ત કરવામાં આવશે. જો કે કોઈપણ કરાર માટે નેતન્યાહૂની કેબીનેટની મંજૂરીની જરૂર પડશે. આ કરાર હેઠળ હાલ છ અઠવાડિયાના સમયગાળા માટે લડાઈ બંધ કરવામાં આવશે, ત્યારબાદ યુદ્ધનો કાયમ અંત લાવવા માટે વાટાઘાટો શરૂ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button