આ પણ એક બાપ એવો કે…
નીલા સંઘવી
સામાન્ય રીતે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને જોઈને આપણી પ્રતિક્રિયા કેવી હોય? ‘જુઓ તો સંતાનો કેવાં થઈ ગયા છે? આજની પેઢીને શું થઈ ગયું છે? પાંચ પાંચ પુત્રને ઉછેરનારા એક માતા-પિતાને પુત્રો નથી સાચવી શકતા. ખરુંને?’
જોકે, દરેક વખતે સંતાનોનો જ વાંક હોય તેવું નથી હોતું. ઘણી વાર માતા-પિતાનો વાંક પણ હોય છે. એક વૃદ્ધાશ્રમના સંચાલકે એમના વૃદ્ધાશ્રમમાં રહેતા એક વૃદ્ધ વિશે જે વાત કરી એ આપ સૌ વાચકો સાથે શેર કરું છું…
સિક્કાની બીજી બાજુ જેવા એ ભાઈનું નામ અજિતભાઈ. (નામ બદલ્યું છે.) અજિતભાઈ પોતે ખાધેપીધે સુખી ઘરનું સંતાન. ચાર બહેન અને પાંચ ભાઈઓનો બહોળો પરિવાર. અજિતભાઈ ગ્રેજ્યુએટ થયા અને નોકરીએ લાગ્યા, પણ થોડા જ સમયમાં શેઠના પૈસા લઈને ગાયબ થઈ ગયા. પોલીસે પકડ્યા, સજા થઈ. સજા ભોગવ્યા પછી જેલમાંથી બહાર આવ્યા. પત્ની અને બે બાળકનો સંસાર હતો. પત્ની પાસે માફી માગી : ‘હવેથી આવું નહીં કરું’ ની બાંહેધરી આપી. પત્ની પીગળી ગઈ અને પતિને માફ કરી દીધો. પોતાના જ બનેવીની ઑફિસે બેનને કાકલૂદી કરી અજિતભાઈને કામે લગાડ્યા. અજિતભાઈ સારું અંગ્રેજી જાણે. પર્સનાલિટી પણ સારી. સેલ્સમેન તો એવાં કે ટાલિયાને કાંસકો વેચી આવે. એની આ આવડતથી અજીતભાઈના શેઠ ખુશ હતા, પણ અજિતભાઈ જેનું નામ! ફરી ગોટાળો કર્યો. પૈસા લઈને ભાગ્યા. પકડાયા વગર રહે? ઘરે પોલીસ આવે. અજિતભાઈના પત્નીને દમદાટી આપે અજિતભાઈના સગડ મેળવવા માટે. પત્ની ત્રાસી ગઈ. બાળકો પણ હવે સમજણાં થયાં હતાં. પડોશનાં બાળકો ‘તેરા બાપ ચોર હૈ’ કહીને ચીડવતા. બાળકો રડતા અજિતભાઈના પત્ની પણ યુવાન હતાં. પોલીસની નજર એમના પર પડતી. પાસ પડોશ મિત્રવર્ગ પણ મદદ કરવાને બહાને આ અસહાય સ્ત્રી પર નજર બગાડતા હતા… આ બધું અજિતભાઈની પત્ની સમજતી હતી. ત્રણ ચાર વાર આવાં કાંડ કર્યા હોવાને કારણે સૌ સગાં સંબંધીઓએ આ પરિવારનો સાથ છોડી દીધો હતો. અજિતભાઈના પરિવારની હાલત બૂરી હતી. ઘર તો અજિતભાઈના પત્નીના નામે હતું એ એક સારી બાબત હતી, જેથી એ આશરા વિનાના થઈ ગયા ન હતા, પણ બે બાળક અને પોતે એમ ત્રણ જણનો ખાવા-રહેવાનો તેમજ બાળકોના શિક્ષણનો ખર્ચ કરવા અજિતભાઈના પત્નીને કામ કરવું જ પડે તેમ હતું. મુશ્કેલી એ હતી કે ઘરની બહાર કામ કરવા નીકળે તો બે બાળકનું ધ્યાન કોણ રાખે? એમને સ્કૂલમાં લેવા મૂકવા કોણ જાય?
અજિતભાઈના પત્ની મૂંઝાણાં : શું કરવું? પડોશમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું. એ આ બહેનની મુશ્કેલી સમજતા હતાં. વળી વૃદ્ધ બાથી રસોઈ થતી ન હતી તેથી એક દિવસ એમણે અજિતભાઈનાં પત્નીને કહ્યું, ‘ જો બહેન, એક સૂચન કરું. તું મારી દીકરીની ઉંમરની છે. તારી તકલીફ, તારી વ્યથા હું સમજુ છું ઘરની બહાર કામ કરવા જવું બાળકોને કારણે તારા માટે મુશ્કેલ છે ઉપરાંત ગરજવાન યુવાન સ્ત્રી હોય તો તેણે પોતાની જાતને પણ સાચવવી પડે, તું ઘરે બેઠાં એક કામ કરી શકે છે. તું સારી રસોઈ બનાવે છે. ઘણી વાર તું અમારે ઘરે નવી વાનગી બનાવી હોય તો આપી જાય છે તેથી મને ખબર છે. તું ટિફિન સર્વિસ શરૂ કરી દે. ઘરેથી જ રસોઈ કરીને ટિફિન આપી દેવાના. જેને જોઈએ એ તારી પાસેથી લઈ જાય. સૌથી પ્રથમ ગ્રાહક અમે જ છીએ. આમ પણ મારાથી હવે રસોઈ થતી નથી. અમારી જેવાં તો ઘણાં લોકો હશે જેમને ઘરનું ખાવાનું જોઈતું હોય. વૃદ્ધો તેમજ નોકરી કરતી બહેનોને આ સર્વિસ ઉપકારક થઈ પડશે અને તારા ઘરનો ખર્ચ ચાલી જશે. મને તો તું કાલથી જ ટિફિન આપી દેજે. ’
‘ઓહ, બા આ તો સરસ આઈડિયા છે, કાલથી તમારું ટિફિન પાકકું.’ એ પછી તો આ બહેને છાપાંઓમાં પેમ્પલેટસ નખાવ્યા. શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી પણ પછી સ્વાદિષ્ટ તાજી રસોઈને કારણે આ બહેનને ટિફિનના ઘણાં ઓર્ડર મળવા લાગ્યા. અને ધીમેધીમે પોતાનું અને બાળકોનું ભરણપોષણ સરસ રીતે કરવા લાગ્યાં. એ દરમિયાન વચ્ચે વચ્ચે અજિતભાઈ જેલમાંથી છૂટે ત્યારે પરાણે આ લોકોના ઘેર આવીને રહે. ઝઘડા કરે વળી કોઈનું ચીટિંગ કરે જેલમાં જાય. આમ વર્ષો વીતી ગયા. બંને બાળક યુવાન થઈ ગયા. દીકરી પરણાવી. દીકરો પણ પરણ્યો, પણ અજિતભાઈ જેવાં હતાં તેવાં જ રહ્યાં. એમનામાં કોઈ સુધારો ન થયો. હજુ પણ પોલીસની આવનજાવન ઘરે ચાલુ જ હતી. હવે દીકરી-દીકરાનાં પણ બાળકો થયાં. દીકરાની વહુને આ બધું જરા પણ પસંદ ન હતું, જોકે કોઈને જ પસંદ નહતું પણ કંઈ કરી શકતા ન હતા. પુત્રવધૂએ નિર્ણય કર્યો કે સસરા હવે વૃદ્ધ થયા છે પોતાની સાથે રહે છે, ગમે ત્યારે કોઈનું પણ ચીટિંગ કરી શકે છે. અમારે હવે આવી ઉપાધિ નથી જોતી. એણે પોતાના પતિ અને સાસુને કન્વિન્સ કર્યાં… -અને અજિતભાઈને અમારા વૃદ્ધશ્રમમાં મૂકી ગયા. મૂકવા આવ્યા ત્યારે એમણે અમને બધી વાતથી વાકેફ કરી દીધાં હતાં. અજિતભાઈ હવે વૃદ્ધ થયા છે પણ એમના કારણે પરિવારે જિંદગીભર જે મુસીબતો વેઠી છે તેને કારણે સાથે રાખવા તૈયાર નથી. તેથી અમે એમને સ્ટ્રીક્ટ વોર્નિંગ આપીને અહીં રાખી લીધાં છે. અમારાં આશ્રમના નિવાસીઓને પણ એમના વિષે વાત કરી દીધી છે, જેથી એમની સાથે કોઈ પૈસાની લેવડદેવડ કરે નહીં. અમે તો આ વૃદ્ધાશ્રમ જ એટલા માટે બનાવ્યો છે કે જેને કોઈ ન રાખે તેને અમે રાખીશું. તેથી આવી વ્યક્તિને પણ અમે સાચવીએ છીએ, જેથી જિંદગીનો એમનો ઉત્તરાર્ધ તો શાંતિથી વીતે….’ વૃદ્ધાશ્રમના સંચાલકે અજિતભાઈની કરમકથની પૂરી કરી.