પુરુષ

પક્ષી ને પતંગ બનવામાં ફરક તો છે, પણ…

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

અભિનેતા- લેખક માનવ કૌલે એક પુસ્તકમાં સરસ વાત કરેલી, જે મને ઉત્તરાયણે યાદ આવી અને એ વાત આપણે આખું વર્ષ, કે જીવનભર યાદ રાખી શકીએ એમ છીએ.

માનવે એના આત્મકથાનક પુસ્તકમાં લખેલું કે માણસ પક્ષી બનવા નીકળતો હોય છે અને છેલ્લે પતંગ બનીને રહી જાય છે ! એટલે કે માણસ જીવનભર કોઈના દોરી સંચાર પર, કોઈની ઈચ્છાઓ મુજબ, કોઈના દબાણમાં કે કોઈના ભયથી પોતાનું જીવન જીવતો હોય છે. એનો અર્થ એ થાય કે માણસ, બીજાના હાથમાં પોતાની ફીરકી આપી દે ને પછી બીજા ચગાવે એમ ચગતો રહે છે.કોઈની ઢીલ પર ઢીલમાં ઉડતો હોય છે અને કોઈ ખેંચે ત્યારે તણાવનો સામનો કરતો હોય છે !

કેવી ઊંડી વાત છે….!

પતંગ આમ તો આપણે માટે માત્ર એક આનંદનું સાધન જ છે, પરંતુ આકાશના સંદર્ભે જ્યારે પતંગનો વિચાર કરીએ ત્યારે પોતાની ઈચ્છા મુજબ, પોતાની સ્વતંત્રતા સાથે જીવતા પક્ષી કરતાં પતંગ આપણને વધુ ગુલામ, વધુ લાચાર લાગે અને પતંગની સરખામણી આપણા જીવન સાથે થાય તો ? તો આપણી અંદર વ્યાકુળતા જન્મે કે સ્વીકારીએ કે ન સ્વીકારીએ , પરંતુ આપણે પણ બનવું હતું પક્ષી અને આખરમાં બની ગઈ ગયા પતંગ !

આપણે માનતા હતા કે આપણું ગમતું કરીશું, આપણને ફાવશે એ કરીશું, પરંતુ સમયે સમયે ઉંમરના કોઈ પણ પડાવ પર જુદી જુદી જવાબદારીઓએ આપણને આપણી ઈચ્છાના આકાશમાં ઉડતા અટકાવ્યા અને આપણે પતંગ બનીને સંજોગોને આધીન થઈ ઉડતા-આમ તેમ ભટકતા રહ્યા.

જોકે એવા સમયે એક તર્ક કે દલીલ એમ પણ આપી શકાય કે ઘણીવાર ઈચ્છા મુજબ ન ઊડીને સંજોગોને આધીન રહીને પતંગ બની રહ્યા એ પણ કંઈ નાનીસૂની વાત નથી. આખરે સંજોગને આધીન થઈને જીવતો માણસ ક્યારેય સ્વચ્છંદી નથી બનતો. બલ્કે સમયે સમયે પોતાની જવાબદારી નિભાવતો રહે છે. આ કારણે થાય એવું કે જીવનના અંતે સરવાળો કરવા બેસીએ તો એટલું સમજાય કે ભલે જીવનમાં ઈચ્છા મુજબનું ઘણું ન કરી શકાયું, પરંતુ સાંસારિક રીતે કે દુન્યવી રીતે આપણે મંડાયેલા તો છીએને ! આખરે ખૂંટે બાંધેલી ગાય ચરી નથી શકતી એટલું જ, પરંતુ ગાય તરીકેનું મૂલ્ય હંમેશાં બરકરાર રહે છે. એ ગાય ઢોરમાં, રખડતા ઢોરમાં નથી ખપતી ! અને ખૂંટે બાંધેલી ગાય પણ ભૂખે તો ક્યાં મરતી હોય છે?

અહીં મુદ્દો એ છે કે આપણને પક્ષી બનવા મળે, આપણી ઈચ્છા મુજબ, આપણા ગમતા આકાશમાં ઊડવા મળે તો એનાથી રૂડું કશું નથી, પરંતુ જો આપણે પક્ષી બનવાની ચાહતમાં પતંગ બની જઈએ તો પણ કંઈ ખોટું નથી. આખરે પતંગ બનીને પણ આપણે બીજાને સંતોષ આપતા હોઈએ છીએ, બીજાની અપેક્ષા પૂરી કરતા હોઈએ છીએ કે આપણા પરિવાર કે સ્વજનોનાં સપનાં પૂર્ણ કરીએ છીએ ! હા, એટલું જરૂર ધ્યાન રાખવું કે પતંગ બનીએ ત્યારે આપણે કોઈની ખોટી ઈચ્છાઓ, કોઈની દુષ્ટ ભાવનાઓના ગુલામ ન બનીએ, કારણ કે ઘણીવાર માણસ પતંગ બનીને જીવનથી એવો નાસીપાસ થઈ જતો હોય છે, કે આકાશને માણવાનું કે પવનની ફરફરમાં પોતાની ઉડાનનો આનંદ લેવાનું પણ બંધ કરી દે છે. જીવન સાથે આવું દુષ્કૃત્ય અસ્વીકાર્ય છે. પતંગ બન્યા તો બન્યા, પરંતુ પતંગ બનીને પણ પોતાના હકનો આનંદ અને પોતાના ભાગની મુક્તિ કોઈ પણ સંજોગમાં મેળવી લેવી. ભલે પછી એ માટે નાનો-મોટો સંઘર્ષ કેમ ન કરવો પડે !

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button